કવિયત્રી પારૂલ ખખ્ખર દ્રારા એક હ્ર્દય સ્પર્શી કવિતાનું સર્જન થયું. અને આ કવિતા એટલી બધી વાયરલ થઈ કહેવાતી ભક્તોની ગેંગમાં જાણે અચાનક મરેલા મડદામા જીવ આવી ગયો હોય એમ ભક્તોની ટોળીમાં પણ જીવ આવી ગયો અને પોતાનાં આકાઓની નિષ્ફળતા છુપાવવા એમણે આ કવિતાને ટ્રાગેટ કરવાનું ચાલુ કર્યું. સામે ટ્રોલ કરવામાં આવ્યાં. કહેવાતાં લેખકડાઓ સામે કવિતાઓ લખવી પડી. જાણે કે એક કવિતાને કારણે એમનું સિંહાસન હરી ગયું હોય એવી પરિસ્થિતિ આવી ગઈ. ઉત્પલ યાગનિક લખે છે કે, પરુલબેન ખખ્ખરની હૃદય નીચોવીને લખેલી કવિતા ઘણી પ્રશંસા પામી, ખુબજ વાયરલ પણ થઈ. ઘણા મિત્રોએ એના પર પોસ્ટ પણ લખી. પણ ભક્ત ગેંગથી આ સહન ના થયું અને એના પર ટોળું બની તૂટી પડી. એમને માનસિક રીતે બહુ જ હેરાન કર્યા. આ ભક્તગેંગ આજ મોડ્સ ઓપરેન્ડી અપનાવી લોકોને આતંકીત કરે છે. વ્યક્તિને ગેંગ બનાવી પરેશાન અને આતંકીત કરે છે. એમના ઘરના લોકોને પણ ટાર્ગેટ કરે છે અને વ્યકિત એકલો એનો સામનો નથી કરી શક્તો. આપણે એમના સપોર્ટ માં આગળ આવવું પડશે.
#I_Stand_with_Parul_Khakhar
એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે ‘વાહ રે બિલ્લા-રંગા’!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગગા.
-પારુલ ખખ્ખર
મિતેષ સોલંકી – કવિયિત્રી “પારુલ ખખ્ખર” ની કવિતાએ હચમચાવી નાખ્યા.
એક અવાજે મડદા બોલ્યાં ‘સબ કુછ ચંગા-ચંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
ગઈકાલે સવારે કવિતા વાંચી, ખુબ જ ગમી અને પારૂલબેનના નામ સાથે કેટલાએ ગ્રૂપમાં વહેતી કરી. સાંજ સુધીમાં તો સાહિત્ય સાથે જોડાયેલા કેટલાએ દિગ્ગજ લોકોએ પારૂલબેનની કવિતાને ખોબે ખોબે વધાવી અને તેના પર પોતાના વિચારો રજુ કર્યા. ગુજરાતીમાં લખાયેલી આ કવિતાના રાતોરાત કેટલીયે ભાષામાં અનુવાદો થયા અને સોશિયલ મીડિયામાં વહેતા થયા. સ્વાભાવિક છે અમુક કલાકોમાં સરકાર અને વહીવટીકારો સુધી પહોંચી જ ગઈ હશે. હું પારૂલબેનને ઘણા સમયથી વાંચું છું. થોડા સમય પહેલાં જ એમણે એક કપાતા ગુલમહોરની વ્યથા લખી હતી જે હૃદયસ્પર્શી હતી. પણ ગઈકાલની લાઈનોમાં ઠાલવેલી વેદના હૃદય આરપાર થઈ ગઈ. છેલ્લી બે લાઈનોમાં જે વાત લખી.આહા, ક્યા બાત.
હોય મરદ તે આવી બોલો ‘રાજા મેરા નંગા’
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
પણ હવે આપણી માનસિક વિકલાંગતા અને લોકશાહીની કરુણતા જુઓ. દેશની હાલની દારુણ સ્થિતિ કઠોર શબ્દોમાં રજુ કરવા બદલ કવિયિત્રીને શું મળ્યું? ધાક ધમકી ભર્યા ફોન? (મારું માનવું છે) જેથી કરીને તેમણે પોતાનું એકાઉન્ટ કે જે પહેલાં સાર્વજનિક હતું એ લોક કરવું પડ્યું. આ છે લોકશાહી? આ છે વિચારો અને વાણી ની સ્વાતંત્રતા? ચિત્ર જોતાં એટલું તો સ્પષ્ટ છે કે આજની તારીખે જો નર્મદ, નરસિંહ મહેતા, કલાપી, અખો કે દલપતરામ જેવા દિગ્ગજ કવિઓ પોતાની કવિતાઓ થકી વાસ્તવિકતા રજુ કરત તો આ માનસિક વિકલાંગો તેમના પર દેશદ્રોહીનું લેબલ ચિપકાવી દેવમાં એક મિનિટ વિલંબ ન કરત.
વિચારોનો ભેદ હોય અને હોવો જ જોઈએ પરંતુ છેલ્લા દાયકામાં ગુજરાતમાં વિકૃત માનસિકતાવાળો એક એવો વર્ગ ઉભો થયો છે, જે સમર્થન અને પોઝિટિવિટી ના નામે માત્ર ને માત્ર વિકૃતતા જ ફેલાવી રહ્યો છે. આવો માનસિક વિકલાંગ વર્ગ આજ સુધી ક્યારેય જોયો નથી. આ વર્ગ ઉધયથી વધુ ખતરનાક છે જે લાકડાનું (દેશનું) બહારનું બીબું અકબંધ રાખીને અંદરથી ફોલી રહ્યો છે. આ વર્ગ મનોરોગીઓથી પણ ચડિયાતો છે કારણકે મનોરોગીના સ્વસ્થ થવાની શક્યતા રહેલી હોય.
હવે વાત આવે નરોવા કુંજરોવાની. આ નપુંસક અને બાયલો વર્ગ છે જેનામાં કદાચ સાચું સમજવાની ક્ષમતા તો છે પણ જાહેરમાં સ્વીકારવામાં ફાટે છે… આઈ રીપીટ ફાટે છે. આવા નપુંસકોની ચુપકીદીને લધેજ મુઠ્ઠીભર ઉધય દેશને કોરી રહી છે. અને આ મૂરખાઓ પોતાની ત્રીજી પેઢી સોનાના હિંડોળે હીંચકતી હશે તેવા દીવાસ્વપ્નોમાં રાચતા ગુલામી કર્યે જાય છે. આ વર્ગને ક્યાંય લાલચ છે, ક્યાંક બીક છે અને ક્યાંક હિમ્મતનો અભાવ છે માટે દેણાં નીચે દબાતા જાય છે, પગ સંકોડી સોડ ટૂંકી કરતા જાય છે અને ખુદનું સ્વાભિમાન મારી હર હર ઘર ઘર કરતા જાય છે. ઉધયોને હું અંગત જીવન અને સોશિયલ મીડિયા પરથી ધકેલી રહ્યો છું પરંતુ આ નરોવા કુંજરોવા પ્રજાતિને પણ વિનંતી કે વહેલીતકે મારા સંપર્કમાંથી વિદાઈ લે. હકીકત જાણવા / સમજવા છતાં સ્વીકારવાની હિમ્મત ન હોય એવા નપુંસક, મતલબી, બાયલા વર્ગની અહીં કોઈ જરૂર નથી. માત્ર ડોકિયાં કરવા મિત્રસુચીમાં રહેવું નહિ…
અંતે, મૂછે તાલ દેતા, ખોંખારો ખાતા, પુરુષ સમોવડી સ્ત્રી ના બંડ મારતા, પોતાને મરદ કહેતા અને સિસ્ટમ ચલાવતા પુરુષોને પારુલબેને એવો ફેરવીને ફટકો માર્યો જેની રૂઝ મહિનાઓ સુધી નહિ આવે. આને કહેવાય કલમ થકી ક્રાંતિ! આ સચોટ અને ધારદાર લાઈનો નીડરતાથી લખવા બદલ પારૂલબેનને સલામ! – Mitesh Solanki