એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણિતાને લગ્ન કરવા ધમકી આપતા પરિણિતાનો આપઘાત

અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે પરિણિતાના પતિ અને ભાઈને મારી નાખવાની ધમકી આપીને પરિણિતાને પોતાની સાથે ફરવા મજબુર કરી લગ્ન કરવા માટે અવાર નવાર દબાણ કરતો હતો. જેથી તંગ આવી પોતાના સાતમા માળે આવેલા મકાનની ગેલેરીમાંથી પરિણિતાએ પડતુ મુકી આપઘાત કર્યો હતો. આ અંગે પરિણિતાના પિતાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં પરિણીતાને પરેશાન કરનાર પ્રેમમાં પાગલ શખ્સ વિરુદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : તાંત્રિક જ નહીં, આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર પણ ચમત્કારિક છે !

એલીસબ્રીજમાં રહેતા ચંદુભાઈએ ફરિયાદ કરી હતી કે, તેમની 24 વર્ષીય દિકરી આરતીના લગ્ન પાંચ વર્ષ પહેલા વિષ્ણુભાઈ ઠાકોર સાથે થયા હતા. લગ્નબાદ આરતી તેના પરીવાર મુળ વતન વાંસડી ગામે રહેવા ચાલી ગઈ હતી. થોડા દિવસો પછી તેઓ સિંધુ ભવન ઔડાના મકાનમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. આ સમયે આરતીએ તેના પિતા ચંદુભાઈને જણાવ્યું હતું કે, પતિ વિષ્ણુ ઘરે ના હોય ત્યારે તેમના ફળીયામાં રહેતો દિનેશ બારીયા ઘરે આવીને મને હેરાન કરે છે અને અનૈતિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. જેથી તંગ આવીને તેણી તેના પરીવાર સાથે સિંધુભવન ઔડાના મકાનમાં રહેવા જતી રહી હતી. જો કે તેમ છતા દિનશ તેણીની પાછળ પાછળ વાડજમાં રહેવા આવી ગયો હતો. એક દિવસ તેણી ઘરે એકલી હતી ત્યારે દિનેશ તેના ઘરની નીચે આવ્યો હતો અને તેણીને ફોન કરીને સાથે ફરવા માટે દબાણ કરવા લાગ્યો હતો. તેણીએ ના પાડી ત્યારે દિનેશે તું નહીં આવે તો તારા ભાઈને અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ ડરના કારણે તેણી દિનેશ સાથે ગઈ હતી. બાદમાં અવાર નવાર દિનેશ તેણીને ધમકી આપતો હતો. દરમિયાન ગત 27 તારીખના રોજ ચંદુભાઈ ઘરે હાજર હતા ત્યારે તેમના જમાઈએ ફોન પર જણાવ્યું હતું કે, આરતી દિનેશ જોડે ક્યાંક જતી રહી છે. જો કે ચંદુભાઈએ તેમના જમાઈને ભુદરપુરા ખાતે બોલાવ્યા હતા. દિનેશને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, આરતી મારી સાથે જ છે હું તેને તમારા ઘરે મુકી જઉ છું. બાદમાં આરતીને મુકી ગયો હતો. જેથી પિતાએ પૂછતાં આરતીએ જણાવ્યું હતું કે, દિનેશ અવાર નવાર ધમકી આપતો હોવાથી હું ડરી ગઈ હતી અને તેની સાથે ગઈ હતી. બાદમાં તેણે લગ્ન કરવા માંગુ છું તેમ જણાવ્યું હતુ. આ સમયે વડીલોએ આરતી અને તેના પતિને સમજાવીને પરત ઘરે મોકલ્યા હતા. બાદમાં ગુરુવારે સવારના સમયે આરતીએ સાતમાં માળે આવેલી ઘરની ગેલરીમાંથી નીચે કુદકો મારી આપઘાત કરી લીધો હતો. આ અંગેની આરતીના પિતા ચંદુભાઈએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *