એક તરફ અભિવ્યક્તિની આઝાદી; બીજી તરફ મૂંગા કરવાનો ખેલ !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : લોકો ઉપર ફિલ્મનો પ્રભાવ જબરદસ્ત હોય છે. દર વર્ષે 1000થી વધુ ફિલ્મો CBFC-Central Board of Film Certification માટે આવે છે. દેશમાં કોઈ ફિલ્મ CBFC વિના રજૂ થઈ શકતી નથી. સરકાર પાસે હાલ CBFCના નિર્ણયને બદલવાની સત્તા નથી; એટલે કેન્દ્ર સરકાર સિનેમેટોગ્રાફ એક્ટ 1952 માં સંશોધન કરવા 18 જૂન 2021 ના રોજ નવા બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. તેમાં જોગવાઈ છે કે સરકાર હવે CBFCને ફિલ્મ સર્ટિફિકેશન રદ કરવા હુકમ કરી શકશે ! કોઈ ફિલ્મ દેશની અખંડતા/શાંતિ/નૈતિકતા વિરુધ્ધ હોય; બીજા દેશો સાથે સંબંધો ખરાબ કરે તેમ હોય; દેશનો માહોલ બગાડે તેમ હોય તો સરકાર ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકશે. ‘દેશહિત’/‘જાહેરહિત’ના નામે સરકાર ‘સુપર સેન્સર’નું કામ કરશે ! કેન્દ્ર સરકાર/વડાપ્રધાન; નાગરિકો મૂંગા રહે તેવું ઈચ્છે છે. સ્વતંત્ર સંસ્થાઓ અવાજ ન કરે તે માટે આયોજનપૂર્વક વડાપ્રધાન આગળ વધી રહ્યા છે.

ફિલ્મો સમાજનો અરીસો છે. આ અરીસામાં ‘જાહેરહિત’ અને ‘વિકાસ’ના નામે સત્ય ઉપર ઢાંક પીછોડો કરવાની કોશિશ કરવામાં આવે છે. હવે સરકાર પોતાની વિચારધારા મુજબ આ અરીસાનું ચિત્ર આપણી સમક્ષ મૂકવા ઈચ્છે છે ! 6 એપ્રિલ 2021ના રોજ સરકારે FCAT-ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલને તાળા મારી દીધા ત્યારે જ શંકા ગઈ હતી કે સરકાર ફિલ્મ જગતને પોતાની મુઠ્ઠીમાં લઈ લેશે ! વરિષ્ઠ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ કહે છે કે “CBFC સરકાર દ્વારા સ્થાપિત સંસ્થા છે. તેમાં સરકાર એવા સભ્યોને મૂકે છે, જેનું સમાજમાં કંઈક મહત્વ હોય. કોઈ ફિલ્મનું મૂલ્યાંકન કરવા માટે જ્યારે CBFC છે; ત્યારે સરકારને CBFC ઉપર બીજા કોઈ નિયંત્રણની જરુર શી છે?”

આ પણ વાંચો : વડાપ્રધાનની હરકતો જોતાં જ ‘મિ. બીન’ કેમ યાદ આવી જાય છે?

બંધારણ ભલે અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરે પરંતુ સરકાર/વડાપ્રધાન અભિવ્યક્તિને નિયંત્રિત કરવા સખ્ત પરિશ્રમ કર્યા કરે છે ! સરકાર સામે લડવા નાગરિક થોડો સુપ્રિમકોર્ટમાં જવાનો છે? કોઈ ફિલ્મ નિર્માતા દસ વખત વિચારશે કે બધી કમાણી સુપ્રિમકોર્ટના અતિ મોંઘા વકીલ પાછળ ખર્ચી નાખવા કરતા ચૂપ રહેવામાં ફાયદો છે ! સરકાર તો આપણા ટેક્સના પૈસે મોંઘા વકીલો રોકીને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું જ દબાવી રાખશે ! એક તરફ અભિવ્યક્તિની આઝાદી; બીજી તરફ મૂંગા કરવાનો ખેલ !rs

Leave a Reply

%d bloggers like this: