તાંત્રિક જ નહીં, આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર પણ ચમત્કારિક છે !

રમેશ સવાણી, ભૂતપૂર્વ IPS ઓફીસર : 31 જુલાઈ 2021ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં ચોંકાવનારા સમાચાર છે. આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર કેવું છે? તેનો પરિચય મળે છે. શામાટે ઠગ ઈસમો શ્રદ્ધાળુ લોકોને સતત ઠગી રહ્યા છે; તેનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો : પેગાસસનો ઉપયોગ નહી કરી શકે સરકારો, ઈઝારાયલની કંપનીએ લગાવી રોક

1999ની વાત છે. બાબુલાલ ગોર નામનો તાંત્રિક લોકલ અખબારોમાં જાહેરખબર દ્વારા મેલીવિદ્યાથી/ચમત્કારથી ગમે તે કામ કરી આપવાનું વચન આપતો હતો. વડોદરાના બે જાગૃત નાગરિકો પ્રવીણ કોરડિયા અને ધીરુ મિસ્ત્રીને લાગ્યું કે આ તો ઠગાઈ છે. તેમણે બાબુલાલ ગોરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તાંત્રિક ગોર વડોદરાના જે. પી. રોડ ઉપરની એક હોટલમાં રોકાયો હતો. પ્રવીણભાઈ અને ધીરુભાઈ બન્ને ગ્રાહક બની; પોલીસને લઈને તાંત્રિક ગોર પાસે પહોંચ્યા અને કહ્યું કે “અમે ભાગ્યને ચમકાવવા માટે લોટરીની ટિકીટ ખરીદવા માંગીએ છીએ.” તાંત્રિક ગોરે વિધિ કરવા માટે 1500 રૂપિયાની માંગણી કરી. પોલીસે તાંત્રિકને પકડી લીધો ! પ્રવીણભાઈ કોરડિયાએ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી; સાક્ષી હતા ધીરુ મિસ્ત્રી. ગઈ કાલે, 30 જુલાઈના રોજ કોર્ટે; 70 વર્ષના પ્રવીણભાઈ અને 82 વર્ષના ધીરુભાઈને સમન્સ પાઠવ્યો. બન્ને કોર્ટમાં હાજર રહ્યા. પરંતુ તાંત્રિક હાજર ન હતો. કોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરને હુકમ કર્યો કે આગામી સપ્ટેમ્બરની મુદતે ગોરને હાજર કરવો ! આ કેસમાં FIR બાદ 20 વરસ બાદ 2019માં કોર્ટે પ્રથમ વખત ફરિયાદી/સાક્ષીને હાજર રહેવા કહ્યું હતું; તે સમયે પોલીસ અમદાવાદમાં રહેતા તાંત્રિક ગોરનું પગેરું શોધી શકી ન હતી !

ધીરુ મિસ્ત્રી ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર છે અને તે માટે નેશનલ એવોર્ડ પણ તેમને મળ્યો છે; સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે. રેશનલ છે, મારા મિત્ર છે. તે કહે છે કે “1999 પછી મેં ત્રણ વખત મારું રહેઠાણ બદલ્યું. પોલીસ મને ટ્રેસ કરીને સમન્સ બજાવી શકે છે. પરંતુ આટલા વર્ષોમાં પોલીસ તાંત્રિક ગોરને ટ્રેસ કરવામાં સફળ થઈ શકી નથી ! મને આશા છે કે હવે પછીની મુદતે પોલીસ તાંત્રિકને કોર્ટ સમક્ષ હાજર રાખશે !” તાંત્રિકોનો ધંધો ધમધોકાર ચાલે છે; કેમકે આપણું ન્યાયતંત્ર/પોલીસ તંત્ર ચમત્કારિક શક્તિઓથી દબાઈ ગયું છે ! કોર્ટ 20-22 વર્ષે ઠગને હાજર કરવા સમન્સ કાઢે છે. પોલીસની દ્રષ્ટિ તાંત્રિકોએ છીનવી લીધી છે ! ખરા અર્થમાં, તાંત્રિક જ નહીં, આપણું ન્યાયતંત્ર/પોલીસતંત્ર પણ ચમત્કારિક છે !rs

Leave a Reply

%d bloggers like this: