કોરોના દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે જેની ગંભીર અસરો જોવા મળી રહી છે. કોરોના બિમારી તો એક સમસ્યા છે જ પણ સાથે બીજી અનેક સમસ્યા ઉભી થઈ રહી છે જેમાંથી એક આર્થિક બાબત પણ છે સામન્ય લોકોને આર્થિક બાબતો પડી જ રહી છે પણ સાથે વેપારીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાતના આઠ વાગ્યા થી સવારે ૬ વાગ્યા સુધી તો કરફ્યુ તો છે જ,જેનો અમલ થઈ રહ્યો છે પણ અન્ય કોઈ જાહેરાત કર્યા વગર પણ પોલીસ દ્વારા વેપારીઓના ધંધા બંધ કરાવે છે. અને વેપારીઓની તકલીફમાં વધારો કરી રહીં છે. રીતસરની હેરાન કરવામાં આવતા હોય એવી પરિસ્થિતિ છે. તેથી નાના વેપારીઓના ધંધા ચાલતાં નથી. મળતી માહિતી અનુસાર રીલીફ રોડના વેપારીઓ આ બાબતે વિરોધ કરવા લાગ્યા છે. તેમના ધંધા બંધ કરાવી ઓનલાઇન શોપિંગ ચાલું રાખી તેમને નુકસાન કરતા હોવાની ફરીયાદો ઉઠી છે.
કોરોના દર્દીઓને ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ, હોસ્પિટલ બેડ અને અન્ય સુવિધાઓ આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ નીવડી હોવાનું જણાવીને વેપારીઓ હવે સરકાર સામે “ના કર” નો ટેક્સ, એટલે કે કરવેરો ન ભરવાનું આંદોલન છેડવા તૈયારી કરી રહયા છે. સરકાર પૈસા ક્યાં ખર્ચે છે તેની પ્રજાને જાણકારી મળવી જરૂરી છે. પણ સરકાર પૈસાની અછતને નામે કોરોનાના દર્દીઓને સુવિધાથી વંચિત રાખી રહી છે તે ઉચિત નથી. સરકારે ઓક્સિજનના ૧૧ પ્રોડક્શન યુનિટ સ્થાપવાની જાહેરાત કરી છે. પરંતુ આ વાતને આજે ૧૫ દિવસ થઈ ગયા હોવા છતાંય સરકાર એક પણ પ્લાન્ટ ઊભો કરી શકી નથી. જેથી કોરોના સંક્રમણ દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સરકાર સુવિધા ઊભી ન કરી શકી હોવાથી દર્દીઓ ગમે ત્યારે મરી જવાના ભય હેઠળ જીવી રહ્યા છે. આ સંજોગોમાં વેરા ન ભરીને વેપારીઓ અને લોકો સરકાર સામે વિરોધ નોંધાવવા પાંચમી મેથી કલેક્ટર કચેરી પાસે ગુજરાત મર્ચન્ટ ચેમ્બર ધરણા યોજશે એવી માહિતી મળેલ છે
વેપારીઓનું કહેવું છે કે કોરોના વાઈરસની ચેઈન તોડવા માટે નાના વેપારીઓને તેમની દુકાન બંધ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ તેઓ ઓનલાઈન બિઝનેસ કરતી કંપનીઓને છૂટ આપી રહી હોવાથી નાના વેપારીઓના ધંધા તણાઈ ગયા છે. રીલિફ રોડ ઇલેક્ટ્રોનિક્સના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના એસોસિયેશનના સભ્યોનું કહેવું છે કે ઊનાળામાં વેપાર થશે તેવી ગણતરીથી અમે એરકન્ડિશનર, ફ્રીજ, પંખા, કૂલર સહિતની વસ્તુઓ બૅન્ક પાસેથી લોન લઈને ભરી રાખી છે. આજે ભરઊનાળે વેપાર કરવાનો સમય છે ત્યારે અમને દુકાનો ખોલવા દેતા જ નથી. આ સંજોગોમાં અમારો માલ વેચાતો નથી. બીજી તરફ ઓનલાઈન કંપનીઓને વેપારની છૂટ હોવાથી તેઓ વેપાર કરી રહ્યા છે. તેમના વેપાર પર પણ રોક લગાવવી જરૂરી છે. તેમ નહિ કરવામાં આવે તો અમારા બજારના વેપારીઓ લોનના પૈસા ભરી શકશે નહિ. તેમના ટર્નઓવર ન થતાં હોવાથી ઇશ્યૂ કરેલા ચેક ક્લિયર કરાવવાના પૈસા બેન્કમાં જમા કરાવી શકતા નથી. તેમના ધંધા સાવ જ બંધ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે અમને સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અમારો માલ ડિસ્પેચ કરવાની છૂટ આપવી જોઈએ. તેમ કરવાથી અમારા થોડા ગણા ધંધા ચાલુ રહેશે તો અમે જેમની પાસેથી માલ ખરીદ્યો છે તેમને ચૂકવવાના નાણાં ચૂકવી શકાશે. અન્યથા તેમને આપેલા પોસ્ટ ડેટેડ ચેક રિટર્ન થશે. બૅન્કની લોન ભરપાઈ કરવામાં તકલીફ પડી જશે. આવા સમયે ઘણાં વેપારીઓના આર્થિક સંકડામણ ને કારણે આત્મહત્યા કરી જીવ ગુમાવે તો જવાબદારી કોની?