કોરોના, મ્યુકર માઈકોસીસ અને તૌકતેની ગુજરાત પર ભારે અસર – સાવચેતી એજ સલામતી

ગુજરાતમાં થોડા સમય પહેલાં જ કોરોનાએ જાણે કે કાળો કેર વર્તાવ્યો હતો. હજું પણ એની અસર ચાલું છે. કોરોનામાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, લાખો લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયાં છે અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોરોનામાં આપણે જાણીએ છીએ એજ સલામતી રાખવી હિતાવહ છે. જેમકે, માસ્ક પહેરો, સોશીયલ ડિસ્ટન્સ જાળવવું હાથ સેનેટાઈઝ કરવાં, કફ જન્ય ખોરાક ન લેવો, ખાંસી, તાવ, શરદી જેવાં લક્ષણો હોય તો તરત યોગ્ય સારવાર લેવી વગેરે બાબતે હજુ પણ ધ્યાન રાખવાની જરૂર જાણય છે. કોરોના બાદ હવે આ નવા રોગ સામે પણ લડવાનું છે.

¶ મ્યુકર માઈકોસીસ વિશે માહિતી.

કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલેમ્યુકરમાઇકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં ઘણા દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ગુજરાતમાં કોરોના મહામારીનો છેલ્લા દોઢ વર્ષથી કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે કોરોના પછી મ્યુકરમાઇકોસિસથી દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે. આ બીમારી કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોને થઇ રહી છે, જે દર્દીને કોરોનાના નજીકના સમયમાં બીમારી થઇ હોય તથા દર્દીને ડાયાબીટીસ હોય કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય અને દર્દીનું બ્લડશુગર લેવલ કંટ્રોલમાં ના હોય તો દર્દીનું ઇમ્યુનિટી પ્રમાણ ઓછુ થવાથી મ્યુકોર માઇકોસિસ બીમારી થવાનો ભય રહે છે. ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઇકોસિસ નામનો રોગ ફક્ત કોરોના માંથી સાજા થયેલા દર્દીઓને જ થાય એવું નથી, આ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગના કેસ વધ્યા છે અને કોરોનાના દર્દીઓને હાલ મ્યુકરમાઇકોસિસ રોગ વધુ થઈ રહ્યો હોવાનુ દેખાઈ રહ્યું છે. કોરોનાની સારવારમાંથી સાજા થઈને ઘરે આવેલા દર્દીઓને આંખો અને માથું દુ:ખવું, નાકમાંથી પાણી નીકળવું વગેરે પ્રકારની ફરિયાદ થતા તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોકટરો પાસે તબીબી ચકાસણી કરાવવી જરૂરી છે. કોરોના સંક્રમણથી બહાર આવેલા દર્દીઓમાં ડાયાબીટીસ કંટ્રોલમાં ન રહેતો હોય, કીડની, કેન્સર અને લિવરની બીમારી હોય, ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હોય તેવી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ICUમાં વધુ સમય રહેલા હોય, સ્ટેરોઈડના ઈન્જકશનો લીધેલા હોય તેવા વ્યક્તિઓને મ્યુકર માઈકોસીસ રોગ થવાની સંભાવના વધુ હોય છે.

મ્યુકરમાઇકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. આમ તો આ બીમારી જૂની છે. હાલમાં કોવિડમાંથી સાજા થયેલા ડાયાબીટીસ પેશન્ટમાં તે વધુ જોવા મળે છે.જે દર્દીને ડાયાબીટીસ હોય અને તે કોરોનાની ઝપેટે આવ્યા બાદ તેને વેન્ટિલેટર પર સારવાર આપી હોય, વધુ પડતું સ્ટીરોઇડ આપ્યું હોય અથવા જરૂર ના હોવા છતાં આપ્યું હોય તેવા દર્દીને કોરોના સારવારમાં સાજા થયા બાદ મ્યુકરમાઇકોસિસ થવાનો વધું ભય રહેલો છે.

આમાં મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર મુશ્કેલ બની જાય છે. આ રોગમાં 48 ઈન્જેક્શન્સ લેવાના હોય છે. આ રોગ અંગે શહેરના જાણીતા તબીબ એક ન્યૂઝ ચેનલને આપેલી માહિતી મુજબ, ડો.ગિરિશ પારેખે જણાવ્યું હતું કે, આ રોગ વિશેષ કરીને ડાયાબિટીસના દર્દીઓને પહેલા અસર કરે છે. આવા કેસમાં દર્દીને સાજા થતાં ઘણો સમય લાગે છે. 48 ઈન્જેક્શન્સ લેવાના હોય છે, પણ જો કોઇ દર્દી પાસે પરિસ્થિતિ ન હોય તેઓને તકલીફ ઉભી થાય છે. આ રોગ જીવલેણ સાબિત થઇ શકે છે. તેની યોગ્ય સારવાર તથા તેના ઈન્જેક્શન સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. સમયસર સારવાર લેવી હિતાવહ છે તેમ જણાવ્યું હતું.

¶ તૌકતે પણ ભારે તારાજી સર્જી

રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે તબાહી સર્જી છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં પણ વાવાઝોડાની અસરથી વ્યાપક નુકસાન થયું છે. ગઇકાલે રાતથી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ્યા બાદ વાવાઝોડું આખા રાજ્યને ઘમરોળી રહ્યું છે. સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ટક્કર મારી અને તેજીથી ગુજરાતમાં આગળ વધ્યું. સૌથી વધારે અસર દીવ, અમરેલી, જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી છે. આખી રાત દીવમાં અતિભારે વરસાદ વરસતો રહ્યો. ગુજરાત પર તૌકતે આફત બનીને ત્રાટક્યું છે. સોમવારે રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં થી છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો પણ બંધ હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉના અને ગીરમાં અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી હતી.

દીવમાં વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે. દીવમાં ભારે પવન સાથે આખી રાત ભયંકર જળબંબાકાર જેવી સ્થિતિ રહી હતી જેના કારણે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. વાવાઝોડાના કારણે આખા દીવમાં અંધારપટ જેવી સ્થિતિ થઈ હતી અને દીવ સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. ઊનામાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે. સાથે દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.

ગુજરાતમાં 46 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં 6 જેટલા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો ઉમરગામમાં 14 ઈંચ વરસાદ સૌથી વધુ નોંધાયો. ગુજરાતના 12 તાલુકામાં 6થી વધુ અને 10 તાલુકા એવા જ્યાં 5 ઈંચથી વધુ વરસાદ છે. તો 96 એવા તાલુકા છે જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આજની બેઠકમાં એ પણ નિર્ણય થયો છે કે, ગુજરાતના તમામ અસરગ્રસ્ત શહેરોમાં પુરુ તંત્ર રિસ્ટોર કરવાની કામગીરીમાં 2 દિવસ સતત કાર્યરત રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તૌકતેના આગમનને લઈ કોવિડ હોસ્પિટલના નુકસાનની ચિંતા હતી. પરંતુ કોવિડ હોસ્પિટલને કોઈ નુકસાન થયું નથી. જે એક સારું પરિણામ છે. તમામ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં લોકો હેમ-ખેમ છે.

© નેલ્સન પરમાર

માહિતી સંભાર – ઈન્ટરનેટ, ડૉક્ટર મિત્રો.

– ચક્રવાત દૈનિક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *