મધર્સ ડે :- મારી મા – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે

મધ્ય જૂન, ૨૦૦૪ માં એ ધોમધખતા ઉનાળામાં મે ગ્રુહત્યાગ કરી સંન્યાસનો માર્ગ લીધો. જો કે તેને સંપૂર્ણ સન્યાસ તો ન જ કહી શકાય પરંતુ તે તરફ માંડેલા મારા પગલા હતા. આશરે ૧૦ થી ૧૫ વર્ષના સધન તાલીમના વર્ષો મને સન્યાસી બનાવવા રાહ જોઈ રહ્યા હતા. સન્યાસ લેવાનો વિચાર આમ તો વીસ વર્ષની ઉમરે આવ્યો હતો. ૧૯૯૪ માં વહેલી સવારે ટ્રેન પકડી મારે નીકળવાનું હતું.  પરંતુ હું ઘરે જ સૂઇ રહ્યો અને ટ્રેન ચૂકી ગયો. જો કે આ ઘોર નિદ્રા આશરે દસેક વર્ષ સુધી ચાલી અને ફરીથી હું સફાળો જાગી ગયો.  ફરીથી એ જ સન્યાસ લેવાનો વિચાર અને છેલ્લે ૨૦૦૪માં ગૃહત્યાગ.

આમ તો વાત ખૂબ જ જૂની છે પરંતુ વાતની શરૂઆત ત્યાંથી જ કરવી યોગ્ય રહેશે. ગામડામાં મારુ એક નાનું ઘર. બાળકોનો અભ્યાસ તેમજ ઘર ચલાવવા મારા પિતા મીલમાં સખત તનતોડ મજૂરી કરતા. બાર સાંધતા તેર તૂટે તેરી પરિસ્થીતી. આવક પૂરતી ન હોવાથી મારી મા પણ પિતાને આર્થિક રીતે મદદ થાય તે માટે ખેતરના મજૂરીકામમાં જોડાતી. તે સમયે ગામમાં મે મહિના દરમ્યાન માતા મરિયમની ટેકરીએ સાંજના સમયે ગુલાબમાળાની ભક્તિ થતી. મારી મા એમાં અચુક ભાગ લેતી. ગુલાબમાળાની ભક્તીમાં પોતાનો એકનો એક દીકરો ઈસુ સમગ્ર માનવજાત માટે અર્પણ કરવા બદલ માતા મરિયમને આભાર માનવાનુ ચૂકતી નહી.  પ્રાર્થનાના અંતે તે પોતાના દીકરાઓમાંથી એકને સન્યાસ મળે તે માટે પણ પ્રાર્થના કરતી.

આ પણ વાંચો – વ્યક્તિ વિશેષ – ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી – આલેખન – રોયલ ખ્રિસ્તી

આજે વર્ષોની અરજ પછી તેની પ્રાર્થના ફળી કે જ્યારે મે સંન્યાસ લેવાનું નક્કી કર્યું. આજુબાજુમાં રહેતા આડોશી-પાડોશીને આ વાતની જાણ કરી.  જ્યા હુ નોકરી કરતો હતો ત્યાંના સહાધ્યાયીઓને પણ મે આ જણાવ્યુ. જોકે તેમની આંખોમાંનુ આશ્ચર્ય મારી સન્યાસ લેવાની ધૂનને સમજવા અસમર્થ હતુ.  તે મહિનાનો પગાર અને નીકળતી સર્વ કંઈ રકમ પગારના સ્વરુપમાં ચૂકવાઇ ગઇ. તે દિવસે સાંજે હું મોડો મોડો ઘરે પહોચ્યો. દર મહિને એક ચોક્કસ રકમ હુ મારી બાને આપતો જેથી કરીને તે પોતાના સ્વખર્ચ માટે વાપરી શકે. આ વખતે પણ આંખમાં આંસુ સાથે મેં તેને આ રકમ ધરી. મેં તેને જણાવ્યું કે એક દીકરા તરીખે આ છેલ્લી કમાણી તને અર્પણ કરું છું, પરંતુ ભવિષ્યમા એક સન્યાસી તરીકે હું તને કાંઈ જ આર્થીક મદદ કરી શકીશ નહી. મારા શબ્દો સાંભળી તેની આંખમાંથી દડદડ આંસુ પડી રહ્યા હતા. કન્યા વિદાયમાં જેમ એક મા પોતાની દીકરી માટે તૈયારી કરે છે તેવી જ રીતે આજે પુત્રની સન્યાસ-વિદાય માટે એક માતા બનતી બધી જ તૈયારી કરી રહી હતી. તેણે વિદાયમાં મને ધર બહાર પગ મુકતા છેલ્લે કહ્યુ કે દિકરા હું ખરેખર વૃદ્ધ થઈ ચૂકી છું. શું હું તારી એક પુરોહિત તરીકેની દીક્ષા જોઈ શકીશ કે કેમ??? પરંતુ સાથે સાથે મને પુરોહિત તરીકે જોવાનો એક આત્મવિશ્વાસ તેની આંખોમાં ચમકી રહ્યો હતો. જે રીતે દીકરી સાસરે જાય છે અને માતા પોતાની દીકરીને દર અઠવાડિયે ફોન કરીને ખબર-અંતર પૂછે છે તેમ તે પણ મારી ખબર કાઢતી. તાલીમાર્થી તરીકેના દસ વર્ષમાં જો શક્ય હોય તો એકવાર તે મને મળવા આવતી કે ફોન કરતી, નહી તો છેલ્લે અંતરદેશી પત્ર તો ખરો જ. અને આમ દસ વર્ષના વહાણાં વીતી ગયાં.

૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ મારી દીક્ષાવિધિનો દિવસ. આજે મારી માનુ સ્વપ્ન ખરા અર્થમાં પૂર્ણ થતું હતું. મહેમાનોની બેઠેલી કતારોમાં, પ્રથમ કતારમાં જ તે મારી બાજુમાં બેઠી. દીક્ષાવિધિની શરૂઆત થઈ. વેદી સુધી મને અર્પણ કરવા તે મારી સાથે આવી અને ફરીથી પોતાની જગ્યા ઉપર જઈને બેસી ગઈ. પુરા આનંદ અને ઉમંગથી તે મારી દરેકે દરેક વિધિમાં ભાગ લેતી ગઈ. દિક્ષાવિધિ તેના ક્રમાંક મુજબ ચાલતી રહી. વિધિમાં મારા બંને હાથને પવિત્ર તેલથી અભિષિક્ત કરવામાં આવ્યા. બધી વિધિઓને અંતે આ પવિત્ર તેલવાળા હાથોને પાણીથી ધોવાની વિધિ શરૂ થઈ.

મારી બાએ હાથ ધોવાની આ વિધિ અંગે અગાઉથી જ વિદ્વાન ગણાતા એક પુરોહિતને પૂછયુ. આ વિદ્વાન પુરોહિતે મારી બાને સમજાવતા જણાવ્યું કે હાથ ધોવાની વિધિ દીક્ષિત પુરોહિતના કુટુંબના સભ્ય દ્વારા કરવામાં આવે છે. દીક્ષિત પુરોહિતના હાથ ધોવાની વિધિ સાથે આ પુરોહિતનો કુટુંબ સાથેનો સંબંધ પૂર્ણ થાય છે. અને હવે તે ફક્ત પોતાના કુટુંબ પુરતો સિમિત ન રહેતા “વસુધૈવ કુટુંબકમ” એટલે કે આખું વિશ્વ તેનું કુટુંબ બને છે. હાથ ધોવાની વિધિમાં મારી મા આગળ આવી. અંતરના ઊંડાણમાં એક તરફ દીકરા સાથેનો સંબંધ પુર્ણ થવાનું દુઃખ તો બીજી તરફ સમાજના હિતાર્થે દીકરો આપવાનો આનંદ પણ છે. તેણે આગળ આવી મારા હાથ ધોયા. એક માનો દિકરા સાથેનો સંબંધ પૂર્ણ થયો.  આજે નિષ્વાર્થ ભાવનાથી મારી માએ મારા આખા વિશ્વ સાથેનો સંબંધ બાંધી આપ્યો.

આજે બાના મૃત્યુને બે વર્ષના વાણા વિતી ગયા છે.  પરંતુ મારા ચિંતન-મનનમા  તેનો પ્રેમાળ સ્પર્શથી મારા હાથ ધોવાનો પ્રસંગ એટલો જ તરોતાજા છે. આજે પણ જાણે હાથ ધોવાની વિધિ દ્વારા તે મને કહી રહી ન હોય કે મેં મા હોવા છતાં પણ તારા હાથ (પગ) ધોયા છે. તારે પણ એકબીજાના હાથ (પગ) ધોવા જોઈએ. મેં તને દાખલો બેસાડયો છે. મેં જેમ કર્યુ તેમ તારે પણ કરવુ જોઇએ. માતા મરિયમને  પગલે ચાલતી મારી મા મને પણ ઇસુની નમ્રતાનો પાઠ શીખવી ગઈ.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *