મધર્સ ડે સ્પેશિયલ : પોસ્ટ પાર્ટમ ડીપ્રેશન અને ત્રિભંગ – ડૉ. મિતાલી સમોવા

ડૉ. મિતાલી સમોવા – કોઈ પણ માણસની સ્વતંત્રતા પર સૌથી મોટી તરાપ કઈ રીતે મારી શકાય ? તેની માનવસહજ ભૂલો કરવાની આઝાદી છીનવી લઈને, તેને એક નક્કી આઇડોલાઈઝેશનના કાટ્લામાં જ ફીટ કરવાની જબરદસ્તી કરીને. અને અન્ય બધા જ જેને આપણે મહાન ગણીએ છીએ એવા ગુરુ, રાજનેતા, ધાર્મિક વડા, સામાજિક વડીલ, શિક્ષક, ડોક્ટરને જેમ આપણે એક ફિક્ષ ઈમેજમા જ કેદ કરી દઈએ છીએ ને તે ઈમેજની બહારના તે વ્યક્તિની કલ્પના કરી નથી શકતા, સ્વીકારતા નથી એ આપણા દ્વારા તેઓને થતો સૌથી મોટો અન્યાય હોય છે. આ બધામાં માતા સૌથી વધુ અન્યાય ભોગવતી વ્યક્તિ છે. એક સ્ત્રી તરીકે કરતા પણ ક્યાય વધુ એક માતા તરીકે આપણે એક મહિલાને વધુ ત્રાસ પહોચાડીયે છીએ. અને આપણને તેનો અંદાજો પણ નથી આવતો તેથી તે બાબતે દુખ વ્યક્ત કરવું કે સહાનુભુતિ દર્શાવવી તો શક્ય જ ક્યાં વળી !

વાત કરીએ, પોસ્ટ પાર્ટમ ડીપ્રેશનની. પોસ્ટ પાર્ટમ મતલબ મહિલાની બાળકની ડીલીવરી કે પ્રસુતિ પછી આવતું ડીપ્રેશન. પહેલું તો એ જ લોકો માને નહિ કે બાળકના જન્મ પછી કોઈ મહિલા ડિપ્રેસ થઇ શકે. લોકોને તો એવું જ લાગે કે બસ બાળક જન્મી ગયું એટલે જે તે મહિલાને તો સ્વર્ગ મળી ગયું. બધાને ખબર હોય કે અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ, પણ અસલી સંઘર્ષ કોઈ જણાવે નહિ. નહિ તો પોતે કેટલા મહાન હતા અને કઈ રીતે બાળક મોટું કરવાની તસ્દી લીધી એ સિક્રેટ જાહેર થઇ જાય. પણ ના હકીકતમાં એવું નથી હોતું. એક સર્વે મુજબ લગભગ ૫૦-૭૫% મહિલાઓ બાળકની ડીલીવરી પછીના એક દોઢ વરસ સુધીમાં ગમે ત્યારે માઈલ્ડ ટુ મોડરેટ લેવલનું ડીપ્રેશન અનુભવતી જ હોય છે. તેમાં દર ૫૦૦ એ એક માતાને સીવીયર કહી શકાય એવું ડીપ્રેશન હાવી થતું હોય છે. આવામાં જો પતિ કે પરિવારનો યોગ્ય સપોર્ટ ના મળે તો તે માતા પોતાના જ નવજાત બાળકનું કતલ કરી શકે એટલી બીમાર પણ થઇ શકે છે.

આનું કારણ વણજોઈતું બાળક, વણજોઈતા જેન્ડરનું બાળક, જીવનસાથી સાથે તાલમેલનો અભાવ, બાળકના જન્મ પછીની જવાબદારીઓ માટે માનસિક તૈયારી ના હોય, એકલા હાથે બાળક ઉછેરવાની જવાબદારી, બાળક,ઘર અને નોકરી વચ્ચે તાલમેલ કે મેનેજ ના કરી શકે, કોઈ પ્રકારની પારિવારિક મદદ ના મળવી, મિત્રો કે પોતાના ગમતા કામથી છેટું થઇ જવું, બધો જ સમય બાળક પાછળ જાય એટલે કોઈ પ્રોડક્ટીવ કામ ના કરી શકવાનો રંજ, બાળક તેણીનું એકલીનું જ હોય એવું લાગવું, આરામ ના મળવો, ઊંઘ ના મળવી, ઉજાગરા થવા, ડીલીવરી પછી થયેલા શારીરીક પરિવર્તનોના કારણે હવે પતિને પોતાનામાં રસ નહિ રહે અથવા તો પતિને પહેલા જેવી મજા નહિ આવે કે પતિ પોતાને છોડી દેશે એવો ભય, સતત લોકોની સલાહ શિખામણોનો મારો પણ કોઈની મદદ પાંચ પૈસાની પણ નહિ, અન્ય પારિવારિક, સામાજિક, માનસિક, શારીરિક, ભાવનાત્મક અને વર્ક રીલેટેડ કારણો.

આ ડીપ્રેશન પણ અન્ય ડીપ્રેશનની જેમ જ લક્ષણો ધરાવે છે અને દવા તથા કાઉન્સેલિંગથી મટાડી શકાય છે. જૂના વડીલોનો પહેલી ડીલીવરી પિયરમાં જ કરાવવાનો સામાજીક ધારો કદાચ આ જ કારણોસર બન્યો હૌય તો નવાઈ નહી. જેથી બિનઅનુભવી માતાને હૂંફ રહે.

તેમાં માતા અચાનક મૂડ બદલાઈ જવો, ઘડીમાં એકદમ ખુશ અને ઘડીમાં એકદમ રડવા બેસી જવું, ભૂખ ના લાગવી અથવા ભૂખ ઓછી થઇ જવી, ઊંઘ બહુ આવવી અથવા સાવ ના આવવી, નિર્ણયશકતીની કમી, કન્ફયુઝન, ગુસ્સો, આક્રોશ, બેચેની, કોન્ફિડન્સનો અભાવ, પોતાની અને બાળક પ્રત્યે નિષ્કાળજી, અજ્ઞ્યાત ભય, વજનમાં અચાનક વધારો કે ઘટાડો, રિસ્પોન્સ આપવામાં વાર લગાડવી જેવા લક્ષણો હોય છે. જે યોગ્ય દવા, લાઈફસ્ટાઈલ ચેન્જીસ અને પારિવારિક સપોર્ટ દ્વારા નિવારી શકાય છે. આપની જાણ માટે કહું કે ભૂતકાળમાં સિવિયર ડીપ્રેશનમાં માતાઓએ પોતાના નવજાતને પતિ કે પરિવાર તરફના ગુસ્સાના કારણે ૯મા માળેથી નીચે ફેંકી દેવું, વોશિંગ મશીનમાં નાંખી દેવું, ચાલુ ગેસ સ્ટવ પર મૂકી દેવું, દીવાલે પછાડવું, નજર સામે નવજાતનો રેપ થવા દેવો અને વેચી મારવું જેવા જઘન્ય કામ કરેલા છે. એ સિવાય આવા ડીપ્રેશનના કારણોસર માતાઓ પોતે નવજાત બાળકો સાથે કે એકલા આત્મહત્યા કરીને મરી જવું તો કોઈ નવાઈની વાત જ નથી. આપણે બધાએ એવી આત્મહત્યાઓ આપણી આજુબાજુ જોઈ જ હશે. પણ એનું કારણ જાણવાની કે એનું નિવારણ કરવાની તસ્દી નથી લીધી. બસ માતા તો મહાન જ હોય અને તેની સહન શકતીની કોઈ લીમીટ જ ના હોય એવી મોટી મોટી વાતો કરીને માતાઓનું જીવવાનું હરામ કર્યું છે. બધી જ પરિસ્થિતિઓની જવાબદારી માતા પર નાખીને તેને સતત ગીલ્ટ ટ્રેપમા રાખીએ છીએ, એ બિચારીને દિલ ખોલીને રડવાની પણ છૂટ નથી આપતા બાળકના કારણે.

હું જયારે સરકારી નોકરીમાં હતી ત્યારે દર ૩ મહીને મારા વિસ્તારમાં થયેલી માતા મરણોની વ્યક્તિગત તપાસ પછી વિગતો મોકલવાની થતી. અને કલેકટરને એ માટે જવાબ આપવો પડતો કે જે તે માતામરણ કેમ થયું, કઈ રીતે થયું અને સરકારી માણસ તરીકે તમે જે તે માતાને શું સેવાઓ આપેલી. એ બધી જ તપાસો દરમિયાન એક બાબત મારા ધ્યાનમાં આવેલી કે પરિવારો અત્યંત ઇગ્નોરંટ હતા, તેઓએ એવું માની લીધેલું કે જે તે સ્ત્રીના મોતમાં તેમનો પોતાનો કોઈ વાંક નહતો. તેણીનું મોત તો ભગવાનની મરજી હતું. પોતે પતિ કે પરિવાર તરીકે તે સ્ત્રીને પ્રોપર ગાઈડ ના કરી કે દવાઓ માટે કે ફોલો અપ માટે તૈયાર ના કરી કે ઘરનું કે ખેતરનું કામ કરાવ્યા કર્યું એ વસ્તુએ તકલીફ કરી હોય એવું કોઈ માનવા જ તૈયાર નહતું. મહિલાઓ પણ પોતે પોતાને કયા ગુનાની સજા આપતી હોય એમ પોતે જાત પ્રત્યે પણ ઇગ્નોરટ જણાતી હતી. ઈનશોર્ટ અજ્ઞાનતા કે બેધ્યાન રહેવાને તેઓએ નસીબ માની લીધું હતું. (માતામરણ = પ્રેગ્નન્સી કન્ફર્મ થયા પછી થી લઈને બાળકના જન્મ પછીના એક વરસની અંદર માતાનું કોઈ પણ કારણોસર મૃત્ય થાય તે. ઇગ્નોરટ= અજ્ઞાની કે અણસમજુ)

ઘણા સમય પહેલા નેટફ્લિક્ષનું કાજોલ અભિનીત ત્રિભંગ ફિલ્મ જોયેલું. જેમાં ત્રણ અલગ અલગ જનરેશનની માતાઓનું જીવન બતાવેલું. દરેક જનરેશનના પોતાના સંઘર્ષો અને પોતાના નિર્ણયો હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. અને દરેકના નિર્ણયોની સારી ખરાબ અસરો તેની આવતી પેઢીએ ભોગવવી જ પડી હતી, જેનો ત્રણેયને અફસોસ હતો. ત્રણેયના પોતાના નિર્ણયો અને તેના પોતપોતાના કારણો પણ હતા અને પોતાની માતાના નિર્ણય ના કારણે પોતે જે ભોગવવુ પડેલું તેની ફરિયાદ પણ હતી, જે બધુ આપણને વ્યાજબી અને જે તે સમયે કે પરિસ્થિતિઓમાં યોગ્ય જ લાગે.

એટલે આજના આ મધર્સ ડે ના દિવસે તમને કહેવાનું કે તમે જો તમારી માતાને બહુ પ્રેમ કરતા હોવ તો તેને ભૂલો કરવાની , પરફેક્ટ માતા બનવાની પણોજણમાંથી મુક્તિ આપો. તેની પણ મહાનતાના ભાર નાંખી દઈને તેના ભૂલભરેલા માણસ હોવાની સ્વતંત્રતા ના છીનવો એ જ તમારી તેને આપેલી શ્રેષ્ઠ ગીફ્ટ હશે. તેની ભૂલોમાંથી તમારે કેટલું ચલાવવું કે ના ચલાવવું કે ગ્રહણ કરવું કે ના કરવું એ પાછી તમારી પોતાની પરીસ્થીઓ અને સંઘર્ષ પરથી તમે જાતે ચૂઝ કરી શકો છો. કેમ કે જનરેશન ગેપ આજનો નથી માનવ સભ્યતાની ઉત્પત્તિથી લઈને ચાલી આવે છે. તમારા બાળકો પણ પોતે માં બાપ નહિ બને ત્યાં સુધી તમારે પણ તેમની ટીકાઓ ને ફરિયાદો સાંભળવાની ધીરજ કેળવવી પડશે. કેમ કે પરફેક્ટ પેરેન્ટિંગ જેવું કશું હોતું નથી, એ જ રીતે પરફેક્ટ મધરહુડ કે માતૃત્વ જેવું પણ કશું નથી હોતું !!! બધી જ મમ્મીઓ વર્લ્ડ બેસ્ટ પણ હોય અને “તને કશું ખબર ના પડે” પણ હોય જ, સીમ્યુલ્ટેનીયસલી !!!!

ઈન્ટરનેટ પર ચાલતા માતાપ્રેમના દંભ પર બે વિડીયો. અને હવે હું રોટલી‌ બનાવવા જઊ નહી તો મારા મમ્મીબેન પણ હમણાં વારો લઈ નાંખશે ને હું પોતે પણ દંભી‌ ગણાઈ જઈશ એ અલગ !

ડૉ. મિતાલી સમોવા, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *