
ભાવિક આઈ. મેરજા : અચાનક કશુંક તૂટવાનો અવાજ મારા કાને સંભળાયો. અને એ જ સેકન્ડે એકી સાથે કાન ફાડી નાખે એવી ચીસો અને બૂમો. મેં અવાજની દિશામાં નજર કરી. એક સદી કરતાં ય જૂનો પુલ- મોરબી શહેરની શાન સમો જુલતો પુલ- કકડભૂસ થઈને મચ્છુ નદીમાં તૂટી પડ્યો! કેટલાંય લોકોને એની સાથે લઈને. એનામાં સમાવીને!
જે દૃશ્ય સામે હતું એ માની શકાય એવું ન્હોતું. આટલાં વર્ષોથી અડીખમ ઉભેલો- અને ટૂંક સમયમાં જ રીનોવેશન કરેલો પુલ એમ કઈ રીતે તૂટી જાય એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ મનમાં થયો. પણ મારું મન-મગજ આગળ કશું પણ વિચારી શકે એવી સ્થિતિમાં ન્હોતું. મગજ સુન્ન થઈ ગયું. સ્તબ્ધતા આવી ગઈ. ગળે ડૂમો ભરાઈ ગયો. શું પ્રતિક્રિયા આપવી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી એ ય નક્કી થઈ શકે એવું ન્હોતું.
પણ, હું- જ્ઞાતિએ મુસ્લિમ અને વ્યવસાયે માછીમાર. ભલે અમે માછલીઓને પકડી. વ્યવસાય ખાતર કે આર્થિક ઉપાર્જન ખાતર. કે માંસાહાર કરીએ છીએ એવો આરોપ પણ અમારા ઉપર નાંખવામાં આવે. પણ, ડૂબતાં માણસને પોતાની જાનના જોખમે ય બચાવવો એવો અમારો- માછીમારોનો વણલખ્યો ઉસુલ! એ અનુસાર જ મને તરતાં આવડતું હોય મેં સેકન્ડમાં નિર્ણય લીધો અને દોટ મૂકી.
બે રસ્તાઓ હતાં નદીના પટમાં અંદર જવાના. એક તો મચ્છુ માતાજીનાં મંદિર પાસેથી અને બીજો મકરાણી વાસથી. માંડ સાયકલ ય નીકળી શકે એટલી પાતળી ગલી. હું માતાજીનાં મંદિર બાજુ દોડ્યો. હૈયામાં હામ ભરીને! મનોમન મચ્છુ માંને પ્રાર્થના કરીને! ફટાફટ પગથિયાં ઉતરીને હું બીજું કશું જ વિચાર્યા વગર નદીમાં કૂદી ગયો.
બચાવો-બચાવોની ચીસો.. પહેલાં મને- પહેલાં મને.. આ બાજુ-આ બાજુ.. જેવી ચીસો સતત મારા કાન પર અથડાતી હતી. પહેલા કોને અને પછી કોને એવું ગણિત કરવાનો એ સમય નહોતો. બીજાં માછીમારો પણ જે નદીમાં માછીમારી કરતાં હતા એ આ બાજુ આવવા લાગ્યાં. મારી પાછળ ય જે-જે લોકોને તરતાં આવડતું હતું એ બધાં છોકરાઓ કુદ્યા. અને બાકીના પગથિયેથી નીચે ઉતરીને ત્યાં કાંઠે જ ઉભા રહ્યા. આજુ બાજુની દુકાનવાળા ભાઈઓ પણ આવ્યાં. મારી સાથે સહાયમાં બધાને આવતા જોઇને મારી હિંમત વધી ગઈ.
ઘટનાસ્થળ સુધી કોઈ વાહન જઈ શકે એમ નહોતું. એટલે જેટલા પણ ઇજાગ્રસ્ત હાલતમાં હતાં એમને ફરજિયાતપણે મંદિરનાં પગથીયેથી જ ઉપર લઈ જઈને હોસ્પિટલ સુધી પહોંચાડવા પડે. અને ઈજાગ્રસ્તોને સાથે લઈને પગથિયાં ચડવા એ જરાય આસાન કામ ન્હોતું. થોડાંક ઈજાગ્રસ્તોને નદીમાંથી કાઢીને ઉપર પહોંચાડ્યા એટલે બધાં જ પગથિયાં પાણીથી લથબથ થઈ ગયા. એટલે લપસીને પડી ન જવાય એનું ય ધ્યાન રાખવાનું. નહિ તો જો પડી જઈએ તો જે ઈજાગ્રસ્તોને ઉપર લઇ જતાં હોઈએ એને તો વધુ ઇજા થાય જ અને પોતાને ય થાય.
પણ, ગમે તેમ કરીને- જે ખભેથી ટેકો આપીને ઈજાગ્રસ્તોને ઉપર લઈ જઈ શકતા હતા એ એવી રીતે લઈ ગયા અને બાકીના ગાદલામાં કે પછેડીમાં કે ટીંગાટોળી કરીને ય પગથિયાં ચડીને ઉપર સુધી લઈ ગયા. જે બેભાન જેવી અવસ્થામાં લાગતા હતાં એને ત્યાં સુવડાવીને છાતી પર ભીંસ આપીને ફેફસામાં ભરાયેલું પાણી કાઢતાં હતાં. અને જે રિક્ષા મળી કે સ્કુટર મળ્યું કે ગાડી મળી એટલે જે-જે વાહન મળ્યું એમાં બેસાડીને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કર્યા. જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવી ત્યાં સુધી આમ જ ચલાવ્યે રાખ્યું.
કદાચ ઘડીભર એવું લાગે ય કે ફ્રેકચર થયું હોય કે બીજી ગંભીર ઇજા થઇ હોય તો આ રીતે- અણધડ રીતે વાહનમાં લઈ જવામાં વધુ ઇજા થઇ શકે. પણ, એ વખતે ત્યાં રહેલાં યુવકો અને વડીલોએ આટલી સ્વસ્થતા દાખવીને- આવું ભગીરથ કાર્ય કર્યું એ બહું હિંમત અને દાદ માંગી લે એવું કામ છે. જે જગ્યાએ ઉભા પણ રહી ના શકાય એટલી દુર્ગંધ આવે અને એટલી ગંદી નદીમાં કલાકો સુધી એ વીરપુરુષો ખાધા-પીધા વગર કામમાં વળગી રહ્યાં. પચાસ કે પંચોતેર કે સો લોકોના જીવ બચ્યા આને લીધે. કોણ કહે છે માનવતા મરી પરવારી છે? સાહેબ, ફરિશ્તાઓ આપણી આજુબાજુમાં જ હોય છે. પણ, એને જોવા માટેની આપણી દૃષ્ટિ ટુંકી પડતી હોય છે! વાડાબંધીમાં કે જૂથબંધીમાં ફસાયેલાં માણસ પાસે દૃષ્ટિ ય શું હોવાની!
બચાવકાર્ય કરતાં વીરોને તો કોઈએ પૂછ્યું નહિ કે એ કઈ જ્ઞાતિ-જાતિનો છે? કે બચાવ કાર્ય કરતા કોઈ વીરોએ પણ એ જોયું નહિ કે આ મારી જ્ઞાતિ-જાતિનો છે કે નહિ. જો મારી જ્ઞાતિ-જાતિનો હોય તો એને પહેલાં બહાર કાઢું અને પછી બીજાને બહાર કાઢું. કે પછી હોસ્પિટલમાં લોહીની જરૂર હતી તો કોઈએ પૂછ્યું તો નહિ કે આ કઈ જ્ઞાતિના કે જાતિના માણસનું લોહી છે? સાહેબ, જ્ઞાતિ-જાતિની માથાકૂટ તો સનકી અને હલકટ મગજ ધરાવતા નાલાયક માણસોએ ઉભી કરી છે. પણ, આપણું દિલ-આપણું હ્રદય તો પ્રેમ અને લાગણીની જ ભાષા જાણે છે અને એને જ અનુસરે છે એ ય હકીકત છે! અને આ દુર્ધટના વખતે થયેલું મહાન બચાવકાર્ય આની સાબિતી છે. મદદની એક હાકલની સાથે જ આખું મોરબી ખડેપગે થઈ ગયું!
પછી પોલીસ પહોંચી. પછી વહીવટી તંત્ર પહોંચ્યું. પછી ડિઝાસ્ટરમાં કામ કરતી રાજ્ય અને કેન્દ્રની ટુકડીઓ આવી. પછી આર્મી, નેવી અને કોસ્ટગાર્ડ આવી. એ આખી રાત અને એના પછીના બે દિવસ સુધી બચાવકાર્ય ચાલુ રહ્યું.
પણ, ત્રણ દિવસ વીતી ગયાં હજુ ય પીડિતોની ચીસો કાનમાં ગુંજ્યા કરે છે. કોઈ બહેનને બચાવીએ તો એ કહે- સાહેબ મારો ભાઈ હજુ અંદર છે, કોઈ માંને બચાવીએ તો એ કહે કે સાહેબ મારી દીકરી-દીકરો હજુ અંદર છે મને રહેવા દો, મને છોડી દો- પહેલાં એને બહાર કાઢો, કે કોઈ પુરુષને બચાવીએ તો એ કહેશે કે સાહેબ મારી પત્ની- મારા બાળકો અંદર છે એને મારા પહેલાં બચાવો.. આવી રાડો હજુ કર્ણપટલ પર અથડાયા કરે છે. ઊંઘમાંથી સફાળા બેઠા થઈ જવાય છે. ચેન પડતું નથી. કોઈ માણસ પોતાનાં સ્વજનને- પ્રિયજનને જીવાડવા ખાતર પોતાની જાન જોખમમાં નાંખવા તૈયાર થઈ જાય કે પોતાની જાન ગુમાવી દેવા તૈયાર થઈ જાય એ ક્ષણ- માણસને ખુદા બનવાની ક્ષણ હોય છે! સાહેબ, ત્યારે એ માણસ- સામાન્ય માણસ મટીને ભગવાન જ બની જતો હોય છે ને! કે એ પોતાને છોડીને બીજાને જીવનદાન આપે છે!
દોઢસોથી વધુ લોકો એક જ જટકે મૃત્યુ પામે એ છપ્પન ઇંચની છાતી તો શું પણ એકસોને છપ્પન ઇંચની છાતી ય ઉભે-ઉભી ચિરાઇ જાય- કુચ્ચો થઈ જાય- છૂંદો થઈ જાય એટલી કરૂણ દુર્ધટના છે.
હવે રાજકીય પાર્ટીઓ કેન્ડલ-માર્ચ કાઢશે. દંભી શોક-સભાઓ યોજાશે. દેખાડાની પ્રાર્થના-સભાઓ થશે. બેશરમ રાજકારણીઓ ફોટા પડાવવા ઈજાગ્રસ્તોને ઘરે જઈને આશ્વાસન આપશે. કે બે-પાંચ લાખની સહાય કરશે.
પણ, જે મા-બાપ એ જુવાનજોધ દીકરી કે દીકરો ખોયો છે એને ક્યાં શબ્દો આશ્વાસન આપી શકશે? જે પુરુષે એની પત્ની ખોઈ છે એને કઈ શોક-સભા છાતી આપી શકશે? જે સ્ત્રીએ એનો પતિ ગુમાવ્યો છે એને કઈ કેન્ડલ-માર્ચ આશરો આપી શકશે? જે દાદી-દાદાએ એનો પુત્ર-પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી ગુમાવ્યાં છે એને કઈ પ્રાર્થના-સભા સમજાવી શકશે?
માનનીય વડાપ્રધાનશ્રી દુર્ધટના સ્થળની મુલાકાત લેવાના હોય ખખડધજ સિવિલ હોસ્પિટલમાં રાતો-રાત નવો કલર કરવામાં આવ્યો! બ્લોક નાખવામાં આવ્યા! નવો રોડ બનાવવામાં આવ્યો! સફેદ પોસ્ટર ચોંટાડી દેવામાં આવ્યાં! દોઢસોથી ય વધુ મોત થયા હોય ત્યારે- આખા પરિવાર- આખા કુટુંબ ઉજ્જડ થઈ ગયા હોય ત્યારે આ કેટલું શોભા આપે છે એ તો કહો જરાક. સામાન્ય શહેરની સિવિલ હોસ્પિટલ કે રોડ-રસ્તાની હાલત શું છે એ તમને નથી ખબર શું? કે આવું (દુષ્)કૃત્ય કરવું પડ્યું! નવો કલર કોઈના ઘરમાં સ્વજનના મૃત્યુથી જે રંગ ઉડી ગયો છે એ રંગ પાછો લાવી શકશે? રસ્તાનાં ખાડાઓ તો તાત્કાલિક ભરી દીધા પણ ઘરમાં સતત વર્તાતી પ્રિયજનની ખોટ કઈ રીતે ભરાશે?
સાહેબ, થોડીક તો લાજ રાખવી હતી! સાહેબ, તમારું મન મોરબીમાં હતું અને તન બીજે ક્યાંક હતું એવું ભાષણ કર્યું છે તો અમને પ્રશ્ન એ છે કે તમારું તન એટલું તો કેટલું દૂર હતું કે તમે ચોવીસ કલાક પછી ય દુર્ધટના સ્થળે ના પહોંચ્યા? સાહેબ, તમે તો ગુજરાતમાં જ હતાં! ‘મન હોય તો માળવે જવાય‘ એવી કહેવત તો મારા-તમારા જન્મ પહેલાની છે. એટલું ઓછું હોય એમ ઠાઠમાઠથી- સજીધજીને એક્તાનગર ગયાં. ત્યાંથી બનાસકાંઠામાં ઉદ્દઘાટન કર્યા. અને એને બીજે દિવસે સવારે તો મુખ્યમંત્રીશ્રીને ય માનગઢ સાથે લઈ ગયા! અને નવરાશ મળી ત્યારે તેમ જ બધું રંગ-રોગાન થઈ ગયું ત્યારે આપશ્રી આવ્યા. જો મન ક્યાંક હોય તો કોઈ માણસ સમય કાઢીને મન હોય ત્યાં જાય કે સમય મળે ત્યારે મન હોય ત્યાં જાય? જો ખરેખર કોઈ માણસ સંવેદનશીલ હોય તો આટલો નિષ્ઠુર કઈ રીતે બની શકે? સાહેબ, સાચું કહું ને તો તમે સાવ ના આવ્યા હોત ને તો આટલું ખરાબ ના લાગ્યું હોત- જેટલું ખરાબ તમે આવી રીતે આવ્યા છો ને- એનું લાગ્યું છે.
શાસ્ત્રો કહે છે કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને ભગવાન શ્રીકૃષ્ણ ય શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહે છે કે- શરીર ભલે મરી જાય પણ આત્મા તો અમર છે. એટલે શોક કરવો નહિ. પણ, સ્વજન કે પ્રિયજનનું મૃત્યુ એમ કેમ સ્વીકારી શકાય? હજુ જેને એક મિનિટ પહેલા કે એક કલાક પહેલા કે એક દિવસ પહેલા આપણી સાથે મોજ-મજા કરતાં જોયા હોય એ હવે સદેહે આ દુનિયામાં જ નથી એ કઈ રીતે સ્વીકારી શકાય એ સમજાવો કોઈક. સ્થિતપ્રજ્ઞતા એ માણસ તરીકે જન્મેલા ભગવાન કે અલ્લાહ કે તમે જે નામ આપો એનું લક્ષણ છે. એ મારા જેવાં સામાન્ય, પામર મનુષ્યનું લક્ષણ નથી. સાહેબ, મારા જેવો એકંદરે સરેરાશ માણસ તો લાગણીશીલ છે. કે જે લાગણીઓ માટે જ જીવે છે અને લાગણીઓથી જ જીવે છે. એટલે કે લાગણીઓની વચ્ચે જ જીવે છે અને મરે ય છે. અને એ જ પામર મનુષ્ય હોવાનો શ્રાપ કહો તો શ્રાપ અને વરદાન કહો તો વરદાન છે.
આ દુર્ધટના માટે જે જવાબદાર છે એને યોગ્ય સજા મળે એ ખૂબ જ જરૂરી છે. અને ઇજાગ્રસ્તો જલ્દી સાજા થાય એવી અભ્યર્થના. અને જે લોકો મૃત્યુ પામ્યાં છે એમને યોગ્ય ન્યાય મળે અને આવી કપરી પરિસ્થિતિમાં એમનાં સ્વજનોને લડવાની હિમ્મત મળે એવી પ્રાર્થના.
ૐ શાંતિ!
~ભાવિક આઈ. મેરજા
Leave a Reply