કોરોનાથી એક સ્ટેપ આગળ મ્યુકર માઈકોસીસ. આને સમજવા માટે આ વાંચજો ક્યાંક કોઈને મદદરૂપ થઈ શકાય

મિતલ પટેલ – કોરોનાથી એક સ્ટેપ આગળ મ્યુકર માઈકોસીસ. આને સમજવા માટે આ વાંચજો ક્યાંક કોઈને મદદરૂપ થઈ શકાય. કોરોના સામે ને કોરોના પત્યા પછી થતા મ્યકર માઈકોસીસ સામે લડી રહેલા કેટલાક પ્રિયજનોની સારવારમાં મદદરૃપ થવામાં હાલ લાગ્યા છીએ.

પ્રથમ વાત મ્યુકર માઈકોસીસની. બહુ ભયંકર રોગ. નાક અને આંખોમાં ફુગ થઈ જાય વળી આ ફુગનો વિકાસ પણ ઝડપથી થાય. રોગ વિષે કશું સમજીએ એ પહેલાં તો મગજ સુધી પહોંચી જાય. ને પછી એને દુર કરવી અઘરી. પ્રાથમિક સ્તરે ખ્યાલ આવી જાય તો માણસની આંખ બચે નહીં તો નાનકડા ઓપરેશનથી ફુગને આંખ નાકમાંથી કાઢવામાં આવે ને સાથે આંખને પણ.એ પત્યા પછી શરીરમાં ક્યાંય ફુગ ન રહી જાય એ માટે ઈન્જેક્શનનો કોર્સ.દરરોજના બે ઈન્જેક્શન લેવાના. બજારમાં 300 થી લઈને 7000માં આ ઈન્જેક્શન મળે. (જો કે હાલ શોર્ટેજ છે)કીડની પર અસર ન થાય તે માટે દર ત્રણેક દિવસે રીપોર્ટને બીજુ કેટલું બધુ. દવાની સાથે સરખુ ધ્યાન ન આપીયે તો દર્દી જીવથી જાય. હાલ કોરોનાથી બચવા સ્ટીરોઈડનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ જે દર્દી ડાયાબીટીસથી પીડાતા હોય તેવા દર્દીઓની સ્ટીરોઈડના કારણે સુગર વધે ને એ બધાનું બરાબર ધ્યાન ન રહે સુગર રીપોર્ટ ને જરૃરી દવાઓ સમયસર ન થાય તો પછી મ્યુકર માઈકોસીસ વગર બોલાવે આવી જાય.

ખેર ડોક્ટર વધારે સારી રીતે આ રોગ વિષે કહી શકે..
પણ ખર્ચાળ સારવાર. સરકારે રાજકોટ, અમદાવાદમાં સ્પેશીયલ વોર્ડ ઊભા કર્યાના સમાચાર વાંચ્યા. સરકારનો આભાર. મૂળ ઓપરેશન સમયસર થાય ને ઈન્જેક્શન મળી જાય એ અગત્યનું.ત્રણ દિવસ પહેલાં રાધનપુરથી સોમભાઈનો ફોન આવ્યો ને તેમના પિતા અને કાકાને મ્યુકર માઈકોસીસ થયાનું એમણે કહ્યું. એમના પિતાને મારા માટે બહુ લાગણી. મારી સાથે 2006થી એ સંકળાયેલા. સોમભાઈ તત્કાલ એમને હોસ્પીટલ લાવ્યા. એક ખાનગી હોસ્પીટલે આઠ લાખ જમા કરાવવા કહ્યું, બીજા સાત લાખ પછી થી આપવાના. કોને પોષાય?

આંખના ડોક્ટર મારા મિત્ર શ્વેતાબંરીને ફોન કર્યો. તેમણે આંખ અને નાકના અન્ય ડોક્ટર સાથે વાત કરી અને આ બેય પેશન્ટના ઓપરેશન માટે વ્યવસ્થા કરી આપી. એ પછી કેટલાય રીપોર્ટ અને છેલ્લે મણીનગરમાં આવેલી સચી હોસ્પીટલમાં ડો. સપન શાહ અને ડો. દીપન ઠક્કરે ઓપરેશન કર્યું. બેય દર્દીના ઓપરેશન વારા ફરથી થયા. આઠ કલાકનો સમય લાગ્યો. ડોં. સપન તો પ્રિયજન મદદ કરે એમ સાથે રહ્યા. તો ડો. દીપેને પણ એવું જ ધ્યાન રાખ્યું. સાથે શ્વેતાબંરીના ફોન પણ સતત ચાલુ.ઓપરેશન ખર્ચ પણ બહાર કરતાં ઘણો ઓછો લીધો. મારા ખ્યાલથી આ કપરા કાળમાં ખરા અર્થમાં ડોક્ટરોએ જે રીતે વર્તવું જોઈએ એ રીતે તેઓ વર્ત્યા. અમારા કાર્યકર નિતીન સોમભાઈ સાથે ખડે પગે. અમારો કીરણ એની તબીયત નાદુરસ્ત છતાં પેઈન કીલર લઈને દોડા દોડી કરે.

આ પણ વાંચો – ફંગલ ઇન્ફેક્શન :- ફંગલ ત્વચા ચેપ શું છે? જાણો વધું માહિતી.

બેય પેશન્ટની આંખમાં ફંગશ પહોંચી ગયેલી એટલે એક આંખ કાઢવી પડી. હવે વાત આવી ઈન્જેક્શનની. ડોક્ટરે કહ્યું એમની પાસેથી કદાચ એકાદ બે દિવસ ચાલે તેટલા ઈન્જેક્શન મળી જાય પછીની વ્યવસ્થા કરવી પડે. ઘણા લોકો સાથે વાત કરી. પણ ઈન્જેક્શન માર્કેટમાં ઉપલલબ્ધ ન હોવાનું કહ્યું.મુંબઈમાં રહેતા અને અમારા કાર્યોમાં મદદ કરતા મહર્ષીભાઈને વાત કરી પણ એમણે કહ્યું, મુંબઈમાં પણ નથી મળી રહ્યા.સરકારી હોસ્પીટલમાં પેશન્ટ દાખલ થાય તો ઈન્જેક્શન મળી જાય. એટલે એ દિશામાં કવાયત શરૃ કરી ત્યાં દાખલનું આમ તો પહેલાં પણ કરી શક્યા હોત પણ આ બિમારીવાળા કેસ વધી રહ્યા છે. સીવીલમાં પણ ઘણા દર્દી વેઈટીંગમાં છે. ત્યાં ઓપરેશન માટે સમય લાગત. જ્યારે આ બિમારીની ખબર પડ્યા પછી ઓપરેશનમાં વિલંબ પોષાય નહીં.

માટે ઓપરેશન પ્રથમ કરાવીને પછી લાગ્યા ઈન્જેક્શન ક્યાં મળે તેની માથાકૂટમાં… ઘણી ફોનાફોની કરી પણ કાંઈ મેળ ન પડે… કોઈ કહે એક બે આપુ.. પણ એક વખત ઈન્જેક્શન શરૃ કર્યા પછી સળંગ લેવા પડે.. વચમાં ન મળે તો પાછુ કોઈ કામનું નહીં.સીવીલમાં સરકાર ઈન્જેક્શનની વ્યવસ્થા કરે એટલે ત્યાં તો ખુટવાનો પ્રશ્ન નહીં આવે એટલે સીવીલમાં લક્ષ્મણભાઈ અને હરીભાઈને દાખલ કરવા કવાયત આદરી. ડો કમલેશ ઉપાધ્યાય યાદ આવ્યા. પેશન્ટની સ્થિતિ વિષે એમને વાત કરી ને એમણે ડો.મીહીરભાઈ પરમાર સાથે વાત કરવા કહ્યું.મિહીરભાઈએ સીવીલ લઈ આવવા કહ્યું. તા. 8 મે ના રોજ સાંજના સીવીલ લઈ ગયા. પણ એક ડોક્ટરે એમના જિલ્લાની એટલે કે પાટણ સીવીલમાં લઈ જવા કહ્યું. પાછુ ડો. મિહીર અને ડો.કમલેશભાઈને હેરાન કર્યા. બેઉની મદદથી દર્દીઓને હોસ્પીટલમાં દાખલ કર્યા. હવે હાશ થઈ.. મૂળ ઈન્જેક્શનની સાથે સાથે દર બે ત્રણ દિવસે કીડનીના રીપોર્ટ કરવા પડે. કારણ આ ઈન્જેક્શનની અસર કીડનીને થઈ નથી ને એનું ધ્યાન પણ રાખવું પડે.જો કે લક્ષ્મણભાઈ હરીભાઈ આ દોડધામથી હવે થાક્યા હતા. રીપોર્ટ,સીટીસ્કેલન, એમ.આર.આઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું.. વગેરે… ગામડાંમાં ખુલ્લામાં રહેલા અને ક્યારેય આવી રીતે પથારીમાં પડવાનું ન થયું હોય એમને આ બધુ બધુ આકરુ લાગે. પણ લક્ષ્મણભાઈને મે અને સોમભાઈએ હિંમત આપી.સોમભાઈએ કહ્યું એ અમદાવાદ આવવા તૈયાર નહોતા થતા પણ તમે મોકલેલી વોઈસ ક્લીપ ચિંતા ન કરો અહીંયા લઈ આવો વાળી સાંભળી પછી એ આવ્યા. સચી હોસ્પીટલ જતા પહેલાં ઓફીસ આવ્યા ત્યારે મે કહ્યું,

‘જુઓ ઝટ સાજા થઈને મારી સાથે સેવા કાર્યમાં પાછુ લાગવાનું છે એટલે ખાટલો ન પકડતા. એમણે કહ્યું, ‘તમે કો છો ને બેન તો સરસ થઈ જશે…’

એમની આ શ્રદ્ધા દવાખાનું થકવાડે નહીં એની પ્રાર્થના રોજ કરુ છુ.

આજે સવારે ડોક્ટેર તપાસ્યા પછી બહારથી ઈન્જેકશન લખી આપ્યા. અમને મોટો ઝાટકો લાગ્યો. સીવીલમાં ઈન્જેકશન નથી. હવે શું? હોસ્પીટલ બહાર સાતેક મેડીકલ સ્ટોરમાં પુછ્યું પણ ક્યાંય નહીં.. આજે સવારે છાપામાં વાંચેલું કે મુખ્યમંત્રી શ્રીએ 5000 ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. પણ એ તો ઓર્ડર હાલ શું? નિતીન એના પરિચીચ ફાર્માવાળા મિત્રોના સંપર્કમાં લાગ્યો. હું ને મૌલિક અમારા સંપર્કના મિત્રો, ડોક્ટરમાં. પણ મેળ ન પડે. આખરે નિતીનના એક ફાર્માવાળા મિત્રએ ઈન્જેકશ મેળવી આપ્યા ને હમણાં લક્ષ્મણભાઈ, હરીભાઈને પહેલું ઈન્જેક્શન આપ્યું.નબળી રોગપ્રતિકારણ શક્તિ ને ડાયાબીટીસવાળા દર્દીની સ્થિતિ સમજ્યા વગર સ્ટીરોઈડ અપાય છે માટે આ ખતરનાક બિમારીના કેસ વધી રહ્યા છે.. કોરોનાએ આખા દેશને હેરાન કરી મુક્યો. ત્યાં આ મ્યુકર માઈકોસીસ..

કોરોનાની સાઈડ ઈફ્કેટથી આ રોગના દર્દી વધ્યા. ભગવાનને પ્રાર્થના તો કરીએ..પણ એક વિચાર આંખ અને કાનના ડોક્ટરો જેઓની પોતાની હોસ્પીટલ છે ને જેની આ મ્યુકર માઈકોસીસના ઓપરેશન કરવાની આવડત છે. તેઓ આવા પેશન્ટોના ઓપરેશન માટે પોતાની હોસ્પીટલના દરવાજા ખુલ્લા ન કરી શકે? શક્ય ઓછી ફી લઈને કે આ ઓપરેશન કરી આપે તો વેઈટીંગમાં જે પેશન્ટો છે એ વેઈટીંગ ન રહે.. મૂળ રાહ જોવાથી આ ફંગશ ફટાફટ મગજ સુધી પહોંચવા માંડે છે અને માણસને ખોઈ બેસવાનું થાય છે..આ કપરા કાળમાં દેશ માટે આટલી મદદ તો કરી જ શકાય ને. આ સિવાય કોરોના થયેલા પાંચ પેશન્ટ જેઓ હોસ્પીટલમાં છે એમની સારવારમાં અમે શક્ય મદદ કરીશું. એમાંના રાજુભાઈને તો આજે થરાદ હોસ્પીટલમાંથી પાલનપુર હોસ્પીટલ શીફ્ટ કર્યા છે..

આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પેશન્ટને શક્ય આર્થિક મદદ કરવાનું કરી રહ્યા છીએ. VSSM ના સંજીવની આરોગ્ય સેતુ અને સહાય કાર્યક્રમ અંતર્ગત સંજીવની કોવિડ સપોર્ટમાં મદદ કરનાર બહુ જ પ્રિય ક્રિષ્ણકાંત અંકલ અને ઈ્ન્દીરા આંટીનો આભાર.. આ સિવાય ભાવના પટેલ, પિયુષા અને કૌશિક પટેલનો પણ આભાર. આપની હૂંફથી આ બધા પ્રિયજનોને શક્ય મદદ કરી શકીશું..હે ઈશ્વર તને પ્રાર્થના આ બધુ ઝટ ઠીક કર. ને લક્ષ્મણભાઈ અને હરીભાઈને સારવારમાં મદદ કરનાર આપ સૌ પ્રિયજનોનો આભાર.. તમે મદદ કરી એટલે આટલું થઈ શક્યું.. ઈશ્વર બેઉને સાજા નરવા કરી દે તેવી પ્રાર્થના.

#MittalPatel #vssm

Mittal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *