રક્તદાન દિવસ : હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત ગામીત તરફથી સંદેશ

વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને ૨૦૦૭ના વર્ષથી કરવામાં આવેલ છે. જે એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે. વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ, રક્તાધાન (blood transfusion) માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો પણ છે.

હું છું અંકિત ગામીત. હું હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ નો ફાઉન્ડર અને પ્રમુખ છું. અમારા ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે બ્લડ ડોનેશન, ડોનેશન કેમ્પ અને બ્લડ ડોનેશન અવેરનેસ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હાલ માં આપણાં સમાજ માં રકતદાન ને લઈને ઘણી બધી ગેરમાન્યતાઓ છે જેથી દર્દીના સગા રક્ત દાન કરવા માટે તૈયાર થતા નથી. તો આજે રક્તદાન વિશેની ગેરમાન્યતાઓ અને હકીકતો વિષે ચર્ચા કરીશુ.

ગેરમાન્યતા ૧ – કમજોરી આવવી
હકીકત- આપણા શરીરમાં નવું લોહી સતત બનતું રહે છે અને ઉમેરાતું રહે છે. રક્તદાન બાદ કોઈક ની જીંદગી બચાવવાનો એક આત્મસંતોષ મળે છે જે થકી માનસિક આનંદ અને સ્ફૂર્તિ અનુભવાય છે. રક્તદાન થી કમજોરી આવતી નથી.

ગેરમાન્યતા ર- હું એકલો પાતળો છું કે હું રક્તદાન કરીશ તો મને જ લોહી ચઢાવવું પડશે.
હકીકત – કોઈપણ વ્યક્તિ જેનું વજન ૪૫ કિલો કે તેથી વધુ વજન ધરાવતી ૧૮થી ૬૦ વર્ષની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ 12.5 ગ્રામથી વધુ હોય તેવી વ્યક્તિ દર ૩ મહિને રકતદાન કરી શકે છે.

ગેરમાન્યતા ૩ – મારે કામ કરવાનું હોવાથી હું રક્તદાન ન કરી શકું
હકીકત – રક્તદાન બાદ તરત જ રૂટીન કામ થઈ શકે છે.
રક્તદાન કર્યા ના પાંચ છ કલાક બાદ ભારે કામ કરી શકાય છે

ગેરમાન્યતા ૪ – બ્લડ બેન્કમાં લોહી વેચાતું મળે છે કે વેચવામાં આવે છે
હકીકત – બ્લડ બેન્કમાં લોહી વેચાતું મળતું નથી કે વેચવામાં આવતું નથી. બ્લડ બેંકમાં વહીવટી ખર્ચ માટેનો ચાર્જ લેવામાં આવે છે.

રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. રક્તદાન કરવાના ઘણા બધા ફાયદાઓ છે. રક્તદાન કરવાથી નિયમિત આરોગ્ય અને રક્તની ચકાસણી થાય છે નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરમાં જે નવું લોહી બને છે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે, જેના કારણે શરીરમાં નવી રક્ત કોશિકાઓ બને છે.
રક્તદાન હૃદયને મજબૂત બનાવી કેન્સર જેવા જીવલેણ રોગોથી બચાવે છે. રક્તદાન એક સુરક્ષિત પ્રક્રિયા છે જે એકદમ સરળ છે. નિયમિત રક્તદાન કરવાથી કેન્સર અને અન્ય બીમારીઓ થવાનો ખતરો ઘટી જાય છે. કારણ કે રક્તદાન એ શરીરમાં રહેલાં વિષેલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે.

આપણે સૌ ગેર માન્યતાઓ માંથી બહાર આવીને સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવું જોઈએ અને કોઈની જિંદગી બચાવી ને સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ.

અંતમાં,
સ્વૈચ્છિક રક્તદાન કરીને અસંખ્ય માનવીઓ ની જીંદગી બચાવનારા હજારો રક્તદાતાઓને રક્તદાતા દિવસની શુભેચ્છાઓ

– અંકિત ગામીત
+૯૧ ૯૭૨૩૬૧૦૬૯૦
હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા

Leave a Reply

%d bloggers like this: