માતાજી, કિન્નર, હીજડા, માસી કંઇક આવા જ નામ થી સહુ ઓળખે છે એમને ખરું ને?

કુસુમ ડાભી – નાનપણથી આવા અમુક પાત્રો ના પરિચય માં હું આવી છું. એક ખાસ નામ સવિતા માસી. એ વર્ષમાં એકવાર અમારા એરિયામાં આવે. અમુક ઘરે રોકાઈ, એ એમનો ઊતારો કહેવાતો. થોડા દિવસમાં એ આખા એરિયામાં અને આસપાસના બીજા એરિયામાં ફરી લે. ઘરે ઘરે થી, દસ, વીસ, પચાસ, સો કે પાંચસો રૂપિયા પણ લઈ લે, જેવો પરિવાર અને જેવા સંબંધો પરિવાર સાથે ના, ખાસ તો, દિકરો પરણ્યો હોય, ઘરમાં દિકરાનો જન્મ થયો હોય એવા પરિવાર ખુશી થી એમને 100 થી 500 રૂપિયા અને સાડી પણ આપે, દિકરા ને એમને પગે લગાડે. ટુંકમાં એક પ્રકારની રીસ્પેકટ આપે.

ઘણા લોકોને હજુ ખબર નહીં હોય, પણ આ કિન્નર સમાજમાં પણ જાતિવાદ એટલો જ ભરેલો હોય છે. એમના રહેવાની, વ્યવસ્થા થી લઈને ઘરે ઘરે આ રીતે જવાનું પણ પોતાની જાતિ માં જ હોય છે. જ્યાં એમના બધાના સંયુક્ત રહેઠાણ હોય ત્યાં જાતિવાદ જોવા મળે છે, આવું મે સાંભળ્યું છે. હવે, તો હાઇવે પર એમને ઉઘરાણી કરતા ખાસ જોવા મળે છે. ગાડીઓ વાળાને ઉભા રાખે એટલે, દસ રૂપિયા તો લોકો સહજ આપી જ દેતા હોય છે. ટોલ નાકા પર ખાસ હમણાં વધુ ઊભા રહે છે. ઉપરાંત ટ્રેન માં પણ ગમે ત્યાં જોવા મળે છે.

આ પણ વાંચો – ડે. સીએમ નીનિત પટેલે કોરોનાને હરાવ્યો, હોસ્પિટલમાંથી રજા આપી

હું નાની હતી ત્યારે, મને બહુ સવાલો થતા. નવું નવું તર્ક કરતા શીખી હતી એમ માની લવ તો, મે આ માસી એકવાર ઘરે આવ્યા તો સવાલો કર્યા, દસ રૂપિયા એ સમયે મારા માટે બહુ વધુ હતા, એમને વધારે પૈસા માંગતા હતા. એ દિવસે એ મારા પર થોડી વાર માટે ગુસ્સે પણ થઈ ગયા હતા. પણ, એમને આમ અમારા દૂર ના સગા પણ થતા, મમ્મીના કદાચ બેન થતા, એટલે જ અમે એમને માસી કહેતા, જ્યારે આવતા ત્યારે બહુ વાતો કરતા સુખ દુઃખની, બધું સારું થઈ જશે, આશ્વાસન અને આશીર્વાદ બેય આપતા. અમારા શિક્ષણ બાબત પણ પૂછતાં, ટુંકમાં કોઈ અંગત સગા જેવો જ વ્યવહાર કરતા. એ તો, હવે હયાત નથી, બીજા કોઈ પણ હવે દેખાતા નથી.

મૂળ, વાત આ સમાજ પર કરવી છે. હમણાં જ એક વીડિયો જોયો, જેમાં એક બેન બે કિન્નર ને પૈસા આપવા બાબત ઘર આંગણે રકજક કરતા જોવા મળે છે. બેન એમને કઈક કામ ધંધો કરવા માટે, કહે છે, શા માટે માંગવું જોઈએ એવું કહી રહ્યા હતા. એક બાજુ જોઈએ તો, વાત તો સાચી છે, એમને મફત માં માંગી ને ખાવાનું, એ તો યોગ્ય ના કહેવાય ખરું ને? પણ, આ વિચાર આવે ત્યારે તરત આપણ ને બીજો વિચાર આવવો જોઇએ કે, શા માટે એમને કોઈ કામ નથી કરતા?? શા માટે એમને શિક્ષણ નથી મેળવી શક્યા?? શા માટે એમને ક્યાંય સરકારી જોબ માં નથી જોવા મળતા???

મૂળમાં આપણી સમાજ વ્યવસ્થા, અને ધાર્મિક માન્યતાઓ છે. કોઈ વ્યક્તિની જનીનિક ખામીઓ ને ધર્મ, પૂર્વજન્મ ના કર્મ સાથે જોડી દઈને આપણે એક આખા આવા સમાજને સમાજ વ્યવસ્થા થી સાવ અલગ કરી દીધા છે, એમનો અલગ સમાજ, અને આમ કે તેમ જ કરવાનું, જીવવાનું એમના માથે થોપી દીધું છે. આપણે એમના માટે કશું વિચારી પણ નથી શકતા, એનું કારણ એ જ કે, આપણા પરિવાર માં કે આસપાસ માં કોઈ અંગત આપણું વ્યક્તિ આવું નથી હોતું. જે પરિવાર માં આવું વ્યક્તિ હોય એને જ કદાચ એમની પીડા ની થોડી ઘણી સમજ હોય

થોડા સવાલો માનવતાવાદી વ્યક્તિઓ ને થવા જોઈએ.

  • 1. શું એમને શિક્ષણ મેળવવાનો અધિકાર ન હોવો જોઈએ?
  • 2. શું એમને સરકારી કે ખાનગી નોકરી કરવાનો હક ના હોવો જોઇએ?
  • 3. શું એમને એમના પરિવાર ની પ્રોપર્ટી માં હક ન હોવો જોઈએ?
  • 4. શું એમને પોતાના માતા પિતા સાથે આખી જિંદગી રહી એમને પ્રેમ ના મળવો જોઈએ? શું એમને પોતાના માતા પિતા ની સેવા ના કરી શકે?
  • 5. શું એમને પોતાનો બિઝનેસ ના કરી શકે?
  • 6. શું એમને હોટેલ, થિયેટર, કે કારખાના ના ચલાવી શકે?

આવા કેટલાય સવાલો આપણ ને સહુને થવા જોઈએ. એ સવાલો ના જવાબ કદાચ હા જ હોય શકે… છતાંય આવું ભાગ્યેજ જોવા મળે છે. શા માટે? એટલે જ ને કે, આ સમાજની માનસિકતા વર્ષોથી રહી છે, કિન્નર હોય તો, ઘર બાર છોડી દેવાના, અને જે નકકી કરેલું છે એવું જીવન જ જીવવાનું એમને પણ ઇમોશન્સ હોય છે, એમને પણ પરિવાર તરફ પ્રેમ હોય છે, શા માટે એમની ભાવનાની કોઈ કિંમત થતી નથી?? શા માટે એમને શું કરવું છે એ પૂછવામાં નથી આવતું? 21 મી સદી માં, આપણે અસંખ સમસ્યાઓ સામે લડી રહ્યા છે. આપણે એના સમાધાન માટે બદલાવ લાવી રહ્યા છીએ. ત્યારે, આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે, જેને હજારો વર્ષોથી સાઈડ લાઈન કરવામાં આવી રહ્યો છે.

હું બહુ સ્પષ્ટ માનું છુ કે, કિન્નર સમાજ ને એક અલગ ઓળખ છે, એમને સહજતા થી સ્વીકારી સમાજે એમને પોતાની સાથે જીવતા સ્વીકારવાની પહેલ કરવાની જરૂર છે. એમને યોગ્ય શિક્ષણ બધાની સાથે મળે એ વ્યવસ્થા થવી જોઈએ, જો એવી વ્યવસ્થાના થઈ શકે એમ હોય તો, એમના માટે અલગ શિક્ષણ ભવન રહેવા સાથે ઉભુ થવું જોઈએ. એમને ફ્રી માં રહેવા જમવા અને શિક્ષણ વ્યવસ્થા ની સુવિધા મળવી જોઈએ. સરકારી કે ખાનગી નોકરીઓ માં એમના માટે અમુક સીટો રિઝર્વ રાખવી જોઈએ. એમને સ્વનિર્ભર બનવા માટે, મદદ મળવી જોઈએ. ટુંકમાં મૂળ વાત તો, પહેલા એમને પાયા માથી મોકો આપવો જરૂરી છે, ત્યાર બાદ એમની લાયકાત મુજબ કામ ધંધો નોકરી પૂરી પાડવી જોઈએ. હું ગેરન્ટી થી કહું છું કે, આ બધું પ્રામાણિકતા પૂર્વક થશે તો, ભવિષ્ય માં કોઈ કિન્નર તમારા ઘરે પાંચ રૂપિયા માંગવા નહિ આવે, કે ના તો કોઈ હાઇવે, ટ્રેન માં તમારી પાસે પૈસા લેવા આવશે. ભવિષ્ય માં હું કોઈ એવી જગ્યાએ હોઈશ જ્યાં હું નિર્ણયો લઈ શકવા સક્ષમ હોઈશ તો કિન્નર સમાજ માટે સૌથી પ્રથમ પહેલ ચોક્કસ કરીશ.

~ કુસુમ ડાભી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *