મનીષ મેકવાન પાસે સત્યને હિમ્મતથી મૂકવાની તાકાત હતી – રમેશ સવાણી, ભુતપૂર્વ IPS

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર – લેખકો તો ઘણા હોય છે, પણ મનીષ મેકવાનની વાત જુદી. એના લખાણોમાં માનવમૂલ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા જોવા મળે. એટલે તેમના લખાણોમાં સમાજ, તંત્ર, સ્થાપિત હિતો, ગોદી સર્જકો સામે ઊહાપોહ રહેતો; ન્યાયની તરફેણ અને શોષણનો વિરોધ જોવા મળતો. એટલે મનિષ મને ગમતો. મિત્ર હતો. તેમના નિવાસસ્થાને મળ્યો ત્યારે એમની તાજી નવલકથા ‘જખમ’ મને આપી હતી.

‘જખમ’માં એવો વિષય હતો જે કરોડો બાળકીઓની વેદના હતી. નવલકથાની શરુઆતમાં સિમોન દ’બુવારેનું કથન મૂક્યું છે કે “સ્ત્રીઓ જન્મતી નથી, તેને બનાવવામાં આવે છે !” ‘જખમ’માં આ વાત મૂકીને સમાજનું ધ્યાન ખેંચ્યું છે. મનીષ લખે છે : “તમે કલ્પના કરો કે તમારી નાની બહેનને, તે નવ વર્ષની છે ત્યારે ‘કટના’ની વિધિ માટે લઈ જવાય છે. આ બધું તમારી સામે, તમારા માતા-પિતાની સહમતીથી બને છે અને કોઈ પણ પ્રકારની એનેસ્થેટિક દવા વિના, સડેલી બ્લેડના ઘસરકા સાથે તમારી બહેનના જનનાંગ પર કાપો મૂકવામાં આવે છે. એ એટલી બધી ચીસો પાડે છે કે તમને લાગે છે કે હમણાં મરી જશે. મારી બહેન સાથે આવું થયું નથી પણ ગુજરાતમાં/હિન્દુસ્તાનમાં/પૂરી દુનિયામાં; વિશેષ કરીને આફ્રિકામાં 15 કરોડ બહેનો ઓલરેડી આ બર્બર પરંપરાનો ભોગ બની ચૂકી છે.”

મનીષ હજુ તો જુવાન હતો. તેમની પાસેથી અનેક રચનાઓ મળવાની હતી; જે સમાજજીવનમાં આમૂલ પરિવર્તન લાવવા મજબૂર કરી દે. તેમની પાસે સત્યને હિમ્મતથી મૂકવાની તાકાત હતી. આવા ઉમદા વ્યક્તિનો જીવ કોરોનાએ ખેંચી લીધો ! આક્રોશ કોની સમક્ષ વ્યક્ત કરવો? આપણા દેશમાં લોકો લાશો ઊઠાવી શકે છે; પરંતુ અન્યાય સામે અવાજ ઊઠાવી શકતા નથી ! આ સ્થિતિમાં અન્યાય સામેના લડવૈયા મનીષ મેકવાનની વિદાયનો ઊંડો જખમ સહન થઈ શકે તેમ નથી !rs

Leave a Reply

%d bloggers like this: