ગુજરાતી ફિલ્મ “Love નો ભવાડો” – રોયલ ખ્રિસ્તી

“Love ♥️નો ભવાડો” નામની ગુજરાતી ફિલ્મનું શીર્ષક વાંચતાં જ મધ્યમ વર્ગ અને હાઈ સોસાયટીના લોકોના વદન પર હાસ્ય રેલાઈ ગયું હશે. પરંતુ અમુક વર્ગના લોકોમાં તો આવા શીર્ષક અને ફિલ્મોનો ગજબનો શોખ હોય છે. આમ જોવા જઈએ તો “Love♥️ નો ભવાડો” શીર્ષક આજના જમાના પ્રમાણે સાચે જ યોગ્ય છે. ખરેખર તો વર્તમાન જનરેશનમાં “Love ♥️નો ભવાડો” જ થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે..! આજની યુવા પેઢીનો પ્રેમ ખરેખર પ્રેમ કહેવાને પાત્ર છે જ નહિ.

Love no bhavado

એકતરફી પ્રેમમાં સાનુકૂળ પ્રતિભાવ ના મળે એટલે આવેશમાં આવી જઈને સામેની વ્યક્તિને રહેંસી નાખવાની? તેના પર એસિડ ફેંકવાનો? ધમકી અને મારઝૂડ કરવાની ! કે પછી શારીરિક ભૂખ સંતોષવા સારુ છેતરીને તેનું શોષણ કરવાનું! કે પછી ફક્ત શારીરિક આકર્ષણને જ ‘પ્રેમ’નું ભળતું નામ આપી દેવાનું…! અરે, મારા સાંભળવામાં તો એવું આવ્યું છે કે આજની યુવા પેઢી ફક્ત અને ફક્ત મોજશોખ, પૈસા અને શરીરસુખ માટે જ સંબંધમાં જોડાતી હોય છે. પછી ના ફાવે એટલે છૂટાં. પહેલેથી જ શરતો થતી હોય છે. તેઓ કોઈ લાંબા ગાળાના બંધનમાં બંધાવા માગતાં જ નથી હોતાં..! છતાં જો એરેન્જ મેરેજ થાય તો પૈસાને પ્રાધાન્ય અપાય છે. અને જો લવ મેરેજ થઈ જાય તો તેમાં પણ થોડા જ સમયમાં “Love ♥️નો ભવાડો” શરૂ થઈ જાય છે.

અત્યારે તો મોટાભાગે સાચો, પવિત્ર પ્રેમ દૂર દૂર સુધી કયાંય દેખાતો જ હોતો નથી, કે જેમાં બે આત્માઓનું મિલન હોય. અને તેને પ્લેટોનિક platonic (હૃદય અને આત્માના મિલનનો) પ્રેમ કહી શકાય. એકબીજા પ્રત્યે ભરપૂર લાગણી હોય, પરસ્પર સમજ હોય, સહનશીલતા હોય, આઝાદી હોય, શારીરિક આકર્ષણનું કોઈ મહત્ત્વ ના હોય અને સામેવાળા પાત્રની પરવાનગી વગર એકબીજાને કોઇપણ જાતનો સ્પર્શ પણ ના હોય, એકબીજાથી દૂર હોવા છતાં કે પછી એકપણ શબ્દ બોલ્યા વગર જ પ્રેમની અનુભૂતિ થતી હોય. એકતરફી પ્રેમમાં જો સામે વાળા પાત્રની ઇચ્છા ના હોય તો પણ આખી જિંદગી નિસ્વાર્થ પ્રેમ કરનારા અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરનારં પણ ઘણાં સમર્પિત પ્રેમીઓ છે.! પ્રેમ એ તો અંતરાત્માને તૃપ્ત કરતી લાગણીઓનો સમંદર છે. જે વ્યક્તિમાં સાચા પ્રેમની અનુભૂતિ થતી હોય તે જ આ અંતરાત્માની તૃપ્તિ સંતોષી શકે છે. અને તે સાચા પ્રેમથી સંતુષ્ટ થાય છે.
અત્યારની જનરેશનમાં મોટાભાગના પ્રેમમાં વરણાગિયાપણાં વધુ જોવા મળે છે. વિજાતીય કે સજાતીય પાત્રને આકર્ષવા માટે આજકાલ નવાનવા નુસખાવાળી વિચિત્ર ફેશનો જોવા મળી રહી છે. ફેશનમાં જાણે કશું રહ્યું જ ના હોય તેમ પુખ્ત વયના યુવાનોમાં પેન્સિલકટ, કમરથી ઢીલા અને આંતરવસ્ત્ર દેખાય તેવાં પેન્ટ, ખુલ્લાં બટન વાળાં શર્ટ, ભૂખરા અને લઘરવઘર વાળની સ્ટાઇલ ઉપરાંત બીજી ઘણી બધી વિચિત્રતાઓ જોવા મળે છે. પહેલાના જેવા પડછંદ, બાહોશ અને સમજુ વ્યક્તિત્વ ધરાવતા પુરુષો ઓછા થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.

બીજી તરફ યુવતીઓએ પણ માઝા મૂકીને ફેશનની તો જાણે હદ વટાવી દીધેલી છે. તેઓ હવે પુરુષોનાં કપડાં પરિધાન કરે છે. ઉપરાંત ઘણી યુવતીઓ તો શરીરના અંગો વધુ પ્રદર્શિત થાય તેવાં ફાટેલાં તૂટેલાં , થિંગડા વાળાં કપડાં પહેરીને યુવાનોનું ધ્યાન આકર્ષક થાય અને હવસ પેદા થાય તે રીતે પોતાના અંગોનું પ્રદર્શન કરે છે.
વિજાતીય આકર્ષણ અને ઉત્તેજના એ તો સૃષ્ટિ પરના દરેક જીવ માટે એક કુદરતી પ્રક્રિયા છે. પરંતુ હવસ ઉપરનો અંકુશ મનુષ્ય જાતિમાં અમુક પુરુષો જ રાખી શકે છે. બાકી તો આપણે જોઈએ અને જાણીએ જ છીએ કે આજકાલ કેટલા બધા બળાત્કાર અને છેડતીના બનાવો વધી રહ્યા છે. સ્ત્રી સશક્તીકરણની વાતો કરવાવાળા તો એમ જ કહે છે કે યુવાનોની જ બધી ભૂલ હોય છે અને યુવાનોએ જ સંયમ રાખવો જોઈએ.
કોઈપણ સુંદર અને આકર્ષક યુવતીને જોઈને આકર્ષિત કે ઉત્તેજિત થવું એ તો કુદરતી પ્રક્રિયા છે પરંતુ જો કોઈ યુવતી સામેથી જ ફેશનની આડમાં ચેનચાળા કરીને યુવકોને ઉશ્કેરવા કે ઉત્તેજિત કરવા પ્રોત્સાહિત કરે તો યુવાનો વધારે આકર્ષાવાના જ છે. તેમાં પણ વળી ડિજિટલની સ્માર્ટ દુનિયામાં તો જાણે હદ થઈ રહી છે. ટિકટોક જેવી ઘણી એપ દ્વારા તો જાણે નરી નગ્નતા જ પીરસાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. યુવતીઓ અને અમુક સ્ત્રીઓ દ્વારા જાતજાતના ધતિંગ કરતા બીભત્સ વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યાં છે.
શું સાદગીમાં જ સુંદરતા છુપાયેલી નથી હોતી? શણગાર કરવા અને સુંદર દેખાવા માટે તો બીજાં ઘણાં બધાં ફેશનેબલ વસ્ત્રો અને આભૂષણો હોય છે. તો શા માટે આપણે યુવતીઓને ફેશનના નામે ખોટું પ્રોત્સાહન આપવું જોઈએ…? શું આ બધું આપણી સંસ્કૃતિને શરમાવે તેવું નથી…? શું માબાપે આવી પ્રવૃત્તિઓને અટકાવવી ના જોઈએ…?
અમુક યુવક યુવતીના આવા વરણાગિયાપણાં અને પ્રેમના નામે ભવાડા જોઈને શું “Love♥️ નો ભવાડો” શીર્ષક યથાયોગ્ય નથી લાગી રહ્યું ? હવે આપણે જ આજની યુવાપેઢીને સંસ્કાર અને સંસ્કૃતિને માર્ગે વાળવામાં જાગૃત થવાની નોબતો વાગી રહી છે.

@રોયલ ખ્રિસ્તી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *