કાજલબેન ! લોકો રંગા-બિલ્લા નથી !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – વરિષ્ઠ લેખિકા કાજલ ઓઝા વૈદ્યે 16 મે 2021ના રોજ, ‘દિવ્ય ભાસ્કર’ની રસરંગ પૂર્તિમાં પોતાની કોલમ ‘માય સ્પેસ’માં સરકારની તરફેણ કરવાની અને કવિયત્રી પારુલ ખખ્ખરને ઉતારી પાડવાની કોશિશ કરી છે. સંદર્ભ છે પારુલ ખખ્ખરની આ કવિતા :

 • રાજ, તમારી ધગધગ ધૂણતી
  ચીમની પોરો માંગે,
  રાજ, અમારી ચૂડલી ફૂટે,
  ધડધડ છાતી ભાંગે !
  બળતું જોઈ ફીડલ વગાડે
  ‘વાહ રે બિલ્લા-રંગા !’
  રાજ, તમારા રામરાજ્યમાં
  શબવાહિની ગંગા.

કાજલ ઓઝા વૈદ્ય નો લેખ – 

https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dukh-parawar-mooi-this-government-128491509.html

કાજલબેન લખે છે : [1] કવિની વાત છાતી વલોવી નાખે એવી હોઈ શકે, પરંતુ દરેક ઈમોશનલ વાત લોજિકલી હોતી નથી; એ સત્ય ભારતીય જનમાનસને કોણ સમજાવે? આપણે કારણ વગર ચાલતી ગાડીમાં ચડી જઈએ છીએ ! વાતમાં કેટલું વજૂદ છે તેની તપાસવા જેટલી ધીરજ અને ધગશ આપણામાં નથી. [2] આજકાલ સરકારનો વિરોધ કરવાની નવી ફેશન ચાલી છે. કંઈ પણ ખોટું થાય તો સરકાર જવાબદાર ! સરકાર એટલે કોણ? બે જણાં? આપણે બધા ગૃહિણીની ભૂલ કાઢવા ટેવાયેલા લોકો છીએ. સૌને કરમચંદ બનવામાં રસ છે ! [3] ઘરમાં 10 માણસની રસોઈ થઈ હોય અને 150 જમવાના હોય તો શું થાય? વારંવાર માસ્ક પહેરવાની/સેનેટીઈઝ કરવાની કે ઘરમાં રહેવાની સૂચના પછી પણ આપણે જે કરી રહ્યા છીએ એ જોતાં ‘બિલ્લા-રંગા’ તો આપણે પોતે જ છીએ ! અમેરિકા/ઈટાલી/બ્રાઝિલ/યુરોપમાં ‘બિલ્લા-રંગા’ હોવા જોઈએ, નહીં તો ત્યાં આટલા મૃત્યુ કેવી રીતે થાય? સરકારને જવાબદાર ઠેરાવીને કદાચ સોશિયલ મીડિયામાં થોડા દિવસ માટે સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકાય; પરંતુ અંતે તો આપણે આપણી ‘અણસમજ’ અને ‘બેવકૂફી’નું પ્રદર્શન જ કરીએ છીએ. [4] જે લોકો સરકારને દોષ દે છે એમણે પોતે કેટલાં ઘરમાં ટિફિન પહોંચાડ્યા? કેટલા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મદદ કરી? જેણે પાપ કર્યું ના એકે, એ પથ્થર પહેલો ફેંકે ! [5] કવિતાઓ ગાળ ન હોઈ શકે; ગાળ એ કવિતા ન હોઈ શકે. પર્સનલ અટેક કરવો હોય તો પત્ર લખવાની/ફોન કરવાની કે નામ લઈને સીધી આંગળી ચીંધવાની હિંમત હોવી જોઈએ. ગોળગોળ ઘૂમવાનો અર્થ નથી !

દુ:ખની વાત એ છે કે પારુલ ખખ્ખરે પોતાની કવિતામાં જે સંવેદનાઓ ઝીલી છે તે કાજલબેન જેવા સંવેદનશીલ સર્જકને કેમ સમજાઈ નહીં હોય? પારુલબેનની કવિતામાં કરોડો લોકોની વ્યથાને વાચા મળી છે. સર્જકનું કામ જ આ છે. છતાં કાજલબેનને તે ‘અણસમજ’ અને ‘બેવકૂફી’ લાગે છે ! મુદ્દા વાઈઝ જોઈએ : [1] ‘શબવાહિની ગંગા’ આ કવિતા તમને ‘વજૂદ’ વગરની લાગે છે? લોજિક વગરની લાગે છે? સમજ્યા કે આકાશ ફાટ્યું હોય ત્યાં થીગડું ક્યાં દેવું; એવી સરકારની સ્થિતિ હોય; પરંતુ મોતના આંકડા છૂપાવવાનો ‘અતિ પરિશ્રમ’ સરકાર શામાટે કરે છે? સરકાર ICU બેડ/વેન્ટિલેટર/ઓક્સિજન/દવાઓ/ઈન્જેક્શનો ન આપી શકે; પરંતુ સ્મશાનની વ્યવસ્થા તો કરી શકેને? ગંગા નદીમાં 2000 લાશો તરતી હોય તે સરકારની લાપરવાહી નથી? આપ કહેશો કે લાશોને ગંગા નદીમાં સરકારે થોડી ફેંકી છે? લોકોએ ફેંકી છે ! પરંતુ મહામારી વેળાએ સરકાર અગ્નિદાહની વ્યવસ્થા ન કરાવી શકે? લોકો પારુલબેનની કવિતા સાથે એટલે જોડાયા છે કે એમણે વેદનાઓ ભોગવી છે; સરકારની/તંત્રની બિનસંવેદનશીલતા/નિષ્ઠુરતાનો જાત અનુભવ છે. [2] આપ કહો છો કે સરકારની ટીકા કરવાની નવી ફેશન ચાલી છે ! પરંતુ સરકારની કોઈ ટીકા કરે તો તેને ‘ફેશન’ કહી ઉતારી પાડવાની જરુર શું છે ? જ્યારે સરકારનું પ્રચારતંત્ર/ સત્તાપક્ષનું IT Cell/ કોર્પોરેટ મીડિયા/ કોર્પોરેટ બાબા, સ્વામિઓ, સદ્ગુરુઓ, શ્રી શ્રીઓ, કથાકારો સતત વડાપ્રધાનનો જયજયકાર કરતા હોય ત્યારે એકાદ કવિતાથી વિચલિત થવાનું કારણ શું? અવતારી પુરષની ટીકા કરવી તે અણસમજ/બેવકૂફી લાગે છે? [3] 10 માણસની રસોઈ હોય અને 150 જમનારા હોય તો અંધાધૂંધી થાય; આ દલીલમાં લોજિક નથી. એક વરસનો સમય હતો. જાન્યુઆરી 2021 માં વડાપ્રધાને વિશ્વને કહ્યું હતું કે અમે કોરોનાને હરાવી દીધો છે. કોઈ પૂર્વતૈયારી ન કરવી તે બેવકૂફી છે. વેક્સિન માટે એડવાન્સ ફંડની ફાળવણી ન કરવી તે અણસમજ કહેવાય. ઓક્સિજન માટે પ્લાન્ટ ચાલુ ન કરાવ્યા તે લાપરવાહી કહેવાય. અમેરિકા/ઈટાલી/બ્રાઝિલ/યુરોપમાં આગોતરું આયોજન થયું હતું. આપણે ત્યાં વેક્સિન/દવાઓ/ઈન્જેકશનો/વેન્ટિલેટર/ઓક્સિજન/ICU બેડના અભાવે વધુ મોત થયા છે; એ કેમ ભૂલો છો? વારંવાર માસ્ક પહેરવાની/સેનેટીઈઝ કરવાની કે ઘરમાં રહેવાની સૂચના લોકોએ ન પાળી એટલે આપની દ્રષ્ટિએ લોકો જ ‘બિલ્લા-રંગા’ થઈ જાય! પરંતુ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીસભાઓમાં વડાપ્રધાન/ગૃહપ્રધાને માસ્ક પહેર્યા હતા? સોશિયલ ડિસ્ટન્સની તકેદારી લેવડાવી હતી? ચૂંટણીસભામાં ભાડાની ભીડને માસ્ક નહી પહેરવા બાબતે ટોકી હતી? જો લોકો માસ્ક ન પહેરે તો ‘બિલ્લા-રંગા’ થઈ જતા હોય તો માસ્ક વગરના ગૃહપ્રધાન/વડાપ્રધાન ‘બિલ્લા-રંગા’ કહેવાય કે નહીં? [4] આપની દલીલ છે કે ‘જેમણે સેવા કરી હોય તે જ સરકારની ટીકા કરી શકે. જેણે પાપ કર્યું ના એકે, એ પથ્થર પહેલો ફેંકે !’ લોકશાહીમાં સરકારની/તેના વડાની ટીકા કરવાનો સૌને અધિકાર છે. તેમાં સેવાની શરત મૂકી શકાય નહી. પરંતુ અઢળક સેવા કરનારાઓ જ વડાપ્રધાનની ટીકા કરી રહ્યા છે, તે શું સૂચવે છે? વળી લોકશાહીમાં ‘જેણે પાપ કર્યું ના એકે, એ પથ્થર પહેલો ફેંકે !’ એવી દલીલ હેઠળ તાનાશાહીનું સમર્થન કરી શકાય નહીં. સરકાર પાપ કરે તો આલોચના રુપી પથ્થર ફેંકવા જ પડે; આ નાગરિક ફરજ છે. [5] ગૃહપ્રધાન/વડાપ્રધાને કોઈ ‘બિલ્લા-રંગા’ કહે તો તે ગાળ કઈ રીતે કહેવાય? કવિતામાં આ શબ્દો ગુનાહિત પ્રવૃતિ કરતા નેતા માટે વપરાયા છે. કવિયત્રી પાસે પૂરતા કારણો છે. કવિતામાં તેનો નિર્દેશ કર્યો છે. સોશિયલ મીડિયા અને વિદેશી અખબારોમાં સરકારની બિનસંવેદનશીલતા/અણસમજ/બેવકૂફીની ચર્ચાઓ થઈ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે કુંભમેળાનું આયોજન અને ભાડાની ‘અપાર ભીડ’ એ બેવકૂફીભર્યા પગલાં કહી શકાય; એટલે ‘બળતું જોઈ ફીડલ વગાડે વાહ રે બિલ્લા-રંગા !’ એમ કવિયત્રી કહે છે તેને ગાળ કહી શકાય નહીં; પણ વાસ્તવિકતા કહી શકાય. કાજલબેન ! ગાળ કોને કહેવાય તે જાણવું જ હોય તો સત્તાપક્ષની ટ્રોલસેનાના શબ્દો જોજો, સમજાઈ જશે ! કાજલબેન ! ટૂંકમાં એટલું જ કહેવાનું કે લોકો રંગા-બિલ્લા નથી !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *