કાલે પાલનપુર આવતાં મુખ્યમંત્રી રૂપાણી ને ધારાસભ્ય મેવાણીએ પુછ્યાં વેધક સવાલ 

જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય – માનનીય મુખ્યમંત્રીશ્રી આપનું બનાસકાંઠા જિલ્લામાં સ્વાગત છે. આપ અમારા અને સમગ્ર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી છો. કોરોનાના આ સંકટ દરમિયાન આપ બનાસકાંઠા આવી રહ્યા છો ત્યારે આપ સમક્ષ એક ચુંટાયેલા જન પ્રતિનિધિ તરીકે કેટલા મુદ્દાઓ રજૂ કરવા માંગુ છું –

(૧) સૌથી પહેલો સવાલ એ છે કે સમગ્ર દેશમાં આજે જ્યારે કોરોનાની રસીના ધાંધિયા છે; અનેક રાજ્યોની સરકાર સતત કેન્દ્ર સરકાર પાસે કોરોના વેક્સીન (રસી) માટે આજીજીઓ કરી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એવો ક્યો ચમત્કાર થયો કે અહીંનું તંત્ર અને આપની સરકાર બંને એવો દાવો કરી રહ્યા છો કે જિલ્લામાં ૯૮ ટકા રસીકરણ થઈ ગયું ? આ એક સફેદ જૂઠ છે અને આ મુદ્દે આપે જિલ્લા તંત્ર પાસે ખુલાસો માંગવો જોઈએ.

(૨) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરરોજ ૨૦થી ૨૫ ટન ઓક્સીજનની જરૂરિયાત સામે આજદિન સુધીમાં એક પણ દિવસ ( હા, એકપણ દિવસ) ૨૦ ટન ઓકસીજનનો જથ્થો આપવામાં આવેલ નથી; અને પર્યાપ્ત માત્રામાં ઓકસીજનનો જથ્થો નથી આપી રહ્યા એના કારણે જે લોકોના મૃત્યુ થયા એના માટે જવાબદાર કોણ ?

(૩) ઓકસીજનની માફક બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દરરોજ જેટલા રેમડેશેવિર ઇંજેક્શન માંગવામાં આવે છે અને એની સામે એક પણ દિવસ પર્યાપ્ત માત્રામાં ઇંજેક્શન આપવામાં આવ્યા નથી એ વાત રેકર્ડ પરથી સ્પષ્ટ થાય છે; આ ઇન્જેક્શનનો નહીં મળવાને કારણે જે લોકોના મૃત્યુ થયા એ માટે જવાબદાર કોણ ?

(૪) ચાલો, આજદિન સુધીમાં જે પણ થયું તે થયું આજે આપ જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છો ત્યારે શું આપ જિલ્લા કલેકટર તંત્ર અને જિલ્લા આરગ્યતંત્ર ને વચન આપશો કે આજ પછી એકપણ દિવસ રેમડે શેવીર ઇન્જેક્શન કે ઓકસીજનની ઘટ નહિ પડવા દઉં ?
આ ગેરંટી આપવા તૈયાર છો ?

(૫) જે દર્દીઓ PHC, CHC, કોવિડ કેર સેન્ટર , પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કે ખાનગી હોસ્પિટલમાં જગ્યા નહિ મળવાને કારણે પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે એમને રેમડેશેવિર ઇન્જેક્શન કે ઓકસીજન આપવાની કોઈ વ્યવસ્થા છે ?

(૬) જિલ્લા આરોગ્ય તંત્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની ફરજ બેદરકારીને કારણે બનાસકાંઠા જિલ્લામાં જે દર્દીઓના મૃત્યુ થયા એની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે કે પછી એમના સ્વજનો એ બધું ભૂલી જવાનું ?

(૭) હજુ સુધી નાણાંપંચની ગ્રાન્ટ , કલેકટરની ગ્રાન્ટ, DDO ની ગ્રાન્ટ, SDMની ગ્રાન્ટ આપ શા માટે રિલીઝ કરતા નથી ?

(૮) ડીસા તાલુકાના એક ગામે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ગાયનાં ઘી, ગૌ મૂત્ર, ગોબર વગેરે નો પ્રયોગ કરવાના સમાચાર માધ્યમોમાં વાંચેલા.
હેં સાહેબ, કોરોનાની સારવાર ના મેડિકલ પ્રોટોકોલમાં રેમડેશિવિર નો પ્રયોગ કરવનો થાય કે ગૌ-મૂત્રનો ? આટલું જાહેર જનતાને જણાવશો ?

(૮) વધુમાં, હું મારા મત વિસ્તારમાં ધારસભ્ય તરીકેની મારી ગ્રાન્ટની સાથોસાથ કોઈ સંસ્થા / ટ્રસ્ટની મદદ લઈ ઓકસીજન પ્લાન્ટ બનાવું કે ઓકસીજન કોન્સેનટ્રેટર ખરીદું તો આપને પેટમાં દુ:ખે છે કેમ ? મારી સામે રાજકીય કિન્નખોરી તમે રાખી શકો પણ વડગામની જનતા એ આપ નું કંઈ બગાડ્યું છે?
અને જો આપ એવું ઈચ્છતા હોવ કે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા હું કોઈ ટ્રસ્ટની મદદ ના લઉં તો આપ જિલ્લા આરોગ્ય તંત્રના ખાતામાં આ વર્ષની મારી ગ્રાન્ટ જમાં કરાવી દો એટલે ૨૪ કલ્લાકમાં હું પ્લાન્ટ નો ઓર્ડર કરી દઉં. પણ તમે પોતે પ્લાન્ટ બનાવો નહી અને મને બનાવતો રોકો આ કેટલું યોગ્ય છે તે તમારા આત્માને પૂછશો.

(૯) મારા મત વિસ્તારના મોરિયા અને વડગામ બંને CHCમાં અને ૮ PHC આ તમામમાં થઈને ૧૦૦ બેડ માંથી ફકત ૧૦ બેડમાં કોરોનાનાં દર્દીઓની સારવાર થાય છે. તો આપણે ખાનગી હોસ્પિટલો ને સાચવીએ, એમને રેમડેશેવિર અને ઓકસીજન આપીએ અને આપણી પોતાની સરકારી હોસ્પિટલોને એનાથી વંચિત રાખીએ એ કઈ હદે યોગ્ય છે?

(૧૦) વડગામ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક સરકારી દવાખાનામાં બેડ ખાલી પડ્યા છે અને બીજી તરફ લોકો બેડના અભાવમાં રઝળી રઝડીને મૃત્યુ પામી રહ્યા છે. ગઈકાલે પાલનપુર સિવિલ હોસ્પિટલના ગેટ પર વડગામના મજાદર ગામના રમેશ ભાઈ સોલંકીનું સિવિલના દરવાજા પર મૃત્યું થયું. તેઓ રીતસર સિક્યુરીટી ગાર્ડ ના પગ માં પડી ગયા હતા કે પ્લીઝ મને દાખલ કરો, છતાં એમને દાખલ ના કરતાં એમનું મોત થયું.
એમના સ્વજનો એ એમની લાશની સ્વીકાર કર્યો નથી.
આ લાશ આપને સવાલ પૂછે છે કે મારા મોત માટે જવાદાર કોણ ? શું આ પીડિત પરિવારને તમે ન્યાય અપાવશો?

(૧૧) જો કોરોનાનો ત્રીજો વેવ આવે તો આપનું સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને અમારા બનાસકાંઠા જિલ્લા માટે શું આયોજન છે તે જણાવજો.

છેલ્લે, આપે આવતીકાલે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છો પણ ચુંટાયેલા ધારાસભ્યો / જન પ્રતિનિધિઓ સાથે બેઠક કરી દરેકના મત વિસ્તારમાં શું શું ખૂટે છે એની રજૂઆત કરવાની તક આપી હોય તો કહેવાનું મન થાત કે આપ ખરેખર ભાજપના નહી ગુજરાતના મુખ્યમંત્રી છો અને સંવેદનશીલ છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *