’દેશહિતમાં 1 લાખ રુપિયાનું લિટર પેટ્રોલ/ડીઝલ લેવું પડે તો વાંધો નથી !’

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાતી લેખકો શબ્દોના સાથિયા પૂરી જાણે છે. કોઈ વૈચારિક ભૂમિકા તેમની પાસે હોતી નથી. લોકશાહીની/દેશભક્તિની/નૈતિકતાની વાતો કરશે પરંતુ જેમની સામે 107 ગુનાઓ દાખલ થયેલ છે તે અંગે તેમને કંઈ અજુગતું લાગતું નથી ! તડિપારને ગૃહમંત્રી બનાવવામાં આવે ત્યારે તેમને વાંધા સરખું લાગતું નથી. જ્યારે GDP માઈનસમાં હોય; દેશના 80 કરોડ લોકો સરકારી અનાજ ઉપર નભતા હોય ત્યારે અદાણી/અંબાણીની સંપત્તિ બમણી થઈ જાય તો તે અંગે કંઈ વિચારતા નથી. માનવહક્કોની પ્રહરી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થાને દેશમાંથી કાઢી મૂકવામાં આવે/કર્મશીલો-પત્રકારોને જેલમાં પૂરવામાં આવે છતાં પણ લોહી ગરમ ન થાય તેવા રીઢા સાહિત્યકારો/ લેખકો/ કોલમનિસ્ટ ગુજરાતમાં છે. તેમને નાનકડી કવિતા-‘શબવાહિની ગંગા’થી જ માનસિક કબજિયાત થઈ જાય છે !

આ પણ વાંચો : ભારતમાં ફેમિલી પ્લાનિંગ અને અબોર્શન – ડૉ. મિતાલી સમોવા

દિવ્ય ભાસ્કરના કોલમિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ, ડો. શરદ ઠાકર ઓડિઓ ક્લિપમાં કહે છે : “દેશહિતમાં/ચીનને પછાડવા માટે 1 લાખ રુપિયાનું લિટર પેટ્રોલ/ડીઝલ લેવું પડે તો વાંધો નથી !” એક ડોક્ટર અને લેખક આવું વિચારી શકે? શું લેખક ‘દેશભક્તિનો ભૂવો’ બની શકે? પેટ્રોલ/ડીઝલના ભાવવધારાને યોગ્ય ઠેરવનારને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાવવધારાના કારણે લોકોએ મોંઘવારી સહન કરવી પડે છે. આશ્ચર્યની બાબત એ છે કે હાલનો સત્તાપક્ષ 2014 પહેલા વિપક્ષમાં હતો ત્યારે પેટ્રોલ/ડીઝલના ભાવવધારા સામે PM મનમોહનસિંહ સામે 31 મે 2012ના રોજ ‘ભારત બંધ’નું એલાન આપી યુધ્ધે ચડ્યો હતો; અને અસભ્ય ભાષામાં ટીકા કરતો હતો; ત્યારે કેસરિયા લેખકો દેશભક્તિની દલીલ કરતા ન હતા ! ચીનને પછાડવા અતિ મોંઘું પેટ્રોલ/ડીઝલ ખરીદવું જોઈએ, એવી દલીલ ઉત્તમ ક્વોલિટીનો ભક્ત જ કરી શકે ! જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટી ત્યારે ભારતમાં પેટ્રોલ/ડીઝલના ભાવ ઘટવાને બદલે વધ્યા ! વડાપ્રધાને દેશભક્તિની ગોળીઓનો ઓવર ડોઝ IT Cell/ગોદી મીડિયા મારફતે આપેલો છે એટલે ભક્તો એક લાખ રુપિયે લિટર પેટ્રોલ/ડીઝલ ખરીદવાની વકીલાત કરશે; એવી વડાપ્રધાનને ખાતરી છે ! પેટ્રોલ/ડીઝલની કિંમત 100 રુપિયા હોય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લિટર દીઠ 58/52 રુપિયા ટેક્સ વસૂલ કરે છે. કોરોના કાળમાં સરકારે પેટ્રોલમાં 10 રુપિયા અને ડીઝલમાં 13 રૂપિયાનો વધારો કર્યો હતો. પેટ્રોલ/ડીઝલમાં એક રૂપિયાનો વધારો કરે તો સરકારને 13,000- 14,000 કરોડ રુપિયા વધુ મળે છે. આ ધન કોની પાસેથી આવે છે? પેટ્રોલનો સૌથી વધુ વપરાશ એટલે કે 61.42 % ટુ વ્હિલરમાં થાય છે; નાની અને મધ્યમ કદની ગાડીઓમાં 34% અને SUV-sport utility vehicles અને લક્ઝરી ગાડીઓમાં 2.34% થાય છે. મતલબ કે વિલાસી જીવન જીવનારાઓ ઉપર પેટ્રોલની વધતી કિંમતોની એટલી અસર નથી પહોંચતી જેટલી ગરીબીમાં/મધ્યમ વર્ગમાં જીવતા લોકો ઉપર પડે છે. જૂન-2021માં 18 દિવસમાં 10 વખત પેટ્રોલ/ડીઝલની કિંમતમાં વધારો થયો હતો ! સ્કૂટી/સ્કૂટર/મોટરસાયકલનો ઉપયોગ કરનારા સૌથી વધુ ટેક્ષ ભરે છે. 2014 માં પેટ્રોલ ઉપર લિટર દીઠ 9.20 રુપિયા એક્સાઈઝ ડ્યુટી હતી; 2021માં 32.90 રુપિયા છે; ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટી 3.46 રુપિયા હતી; 2021માં 31.80 રુપિયા છે. 2014માં રાજ્યોનો ટેક્સ 12 રુપિયા લિટર દીઠ હતો ; 2021માં 21થી25 રુપિયા વચ્ચેનો છે. મોંઘવારી દૂર કરવાનો નારો આપી સત્તા હાંસલ કરનાર વડાપ્રધાન હવે અતિ મોંઘવારી સહન કરવા દેશભક્તિના ઓવર ડોઝ આપી રહ્યા છે.

ડો. શરદ ઠાકર પાસે પાંચ કાર હશે; તેમની ટાંકીઓ ભરવા તેમની પાસે પૈસા હશે; પરંતુ દેશના 80 કરોડ લોકોને બસની મુસાફરી મુશ્કેલ છે, એનો ખ્યાલ તેમને કેમ આવતો નહીં હોય? ગરીબો ભૂખ્યા રહે છે અને મધ્યમ વર્ગના રસોડાના બજેટ ખોરવાઈ ગયાં છે !‘ભારત માતાકી જય’ બોલવાથી નેતાઓના/લેખકોના પેટ અને ગોડાઉન ભરાય છે. સત્તાપક્ષને/વડાપ્રધાનને દેશ માનનારા કેસરિયા લેખકો પ્રદૂષણ ફેલાવે છે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *