શું મૂંછ ઉપર ઉચ્ચ વર્ણવાળાનો કોપીરાઈટ છે?

શું મૂંછની પણ જાતિ છે? રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : કેટલાંક કહે છે કે ગુજરાતમાં બધું ‘સમરસ’ વાતાવરણ થઈ ગયું છે; ક્યાંય આભડછેટ નથી રહી ! શું દલિતોને સમાન હક્ક મળે છે? તેઓ સમાનતાનો હક્ક ભોગવી શકે છે? વિરમગામ તાલુકાના કરાકથલ ગામમાં 22 વર્ષના દલિત યુવક સુરેશ વાધેલાને OBC સમુદાયના 11 ઈસમોએ તેમના ઘેર જઈને લાકડીઓથી માર માર્યો; કોઈ અંગત ઝઘડો ન હતો; પરંતુ સુરેશે લાંબી મૂછ રાખી હતી એટલે સજા કરવી હતી ! આ ઘટના 23 મે 2021 ના રોજ રાત્રે 10:00 વાગ્યે બની હતી. સુરેશને બચાવવા તેની બહેન તરુણા અને પિતા મગનભાઈ વચ્ચે પડ્યા હતા; આરોપીઓએ તેમને પણ માર માર્યો; તરુણાના હાથે ફેક્ચર પણ થઈ ગયું હતું. આરોપીઓએ જાતિવાદી ગાળો પણ આપી. સુરેશ સાણંદ GIDC સ્થિત એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

સવાલ એ છે કે શું મૂંછની પણ જાતિ છે? શું મૂંછ ઉપર ઉચ્ચ વર્ણવાળાનો કોપીરાઈટ છે? સમાજના છેવાડાના લોકો મૂંછ રાખે તો વાંધો શું છે? કોઈ દલિત યુવકની પર્સનાલિટીના કારણે પેટમાં કેમ દુ:ખે છે? દલિત મૂંછ રાખે તો તેને લાકડીથી ઝૂડવાનો હક્ક તમને કોણે આપ્યો? મૂંછની બાબતે મહિલાનો હાથ પણ તોડી નાખવાનો? મહિલાની હાજરીમાં જાતિવાદી ગાળો પણ આપવાની? શરમ જેવું હોય કે નહીં? આ કંઈ પ્રથમ ઘટના નથી; દર વર્ષે આવી ઘટનાઓ બને છે; પરંતુ પોલીસના ચોપડે ચડતી નથી. દલિત તિલક કરે તો વાંધો; મૂંછ રાખે તો વાંધો, ગોગલ્સ પહેરે કે જિન્સ પહેરે તો વાંધો; ઘોડી ઉપર બેસે તો વાંધો ! શું આ ગુજરાત મોડેલની વાસ્તવિકતા નથી? શું આ વાયબ્રન્ટ ગુજરાત છે કે મધ્યકાલીન ગુજરાત છે?

આ પણ વાંચો – બાબા રામદેવ પર આ મુખ્યમંત્રીનો આરોપ, પતંજલિ ગુરુકુળમાં બાળકો બંધક બનાવ્યાં

સવાલ એ છે કે હુમલો કરનારા આ 10 ઈસમો વધુ જવાબદાર છે કે સમાજ? કહેવાતા ઉચ્ચ સમાજ તરફથી શામાટે આ ઘટનાનો સજ્જડ વિરોધ ન થયો? તેઓ કેમ કોઈ દલિત પરિવારની સાથે ઊભા ન રહ્યા? આવી ઘટનાઓનો દલિત સમાજ વિરોધ કરે તે સ્વાભાવિક છે; પરંતુ બિનદલિત સમાજ શામાટે ચૂપ રહે છે? પછાતમાં પછાત; ગરીબમાં ગરીબ માણસને પણ માનવગૌરવનો હક્ક હોય કે નહીં? શામાટે તેને એ હક્કથી વંચિત રાખવામાં આવે છે? શામાટે સમાજનું માનસપરિવર્તન થતું નથી? શું તે માટે આપણા ધર્મગ્રંથો/ધર્મગુરુઓ/સ્વામિઓ/બાપૂઓ/કથાકારો/મુનિઓ અને સત્તાપક્ષ જવાબદાર નથી?rs

Leave a Reply

%d bloggers like this: