‘પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના’ કિસાન માટે છે કે કંપની માટે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ભારતમાં કિસાનોની ખરાબ હાલતનું કારણ આબોહવા નથી; અતિવૃષ્ટિ કે દુષ્કાળ નથી ! કિસાનો આત્મહત્યા માટે સરકારની મૂડીપતિ તરફી નીતિ જવાબદાર છે. વડાપ્રધાને, 13 ઓગષ્ટ 2016ના રોજ ‘PMFBY-પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના’ કિસાનો માટે ફરજિયાત શરુ કરી હતી. કૃષિ માટે સંસદની સ્થાયી સમિતિનો રીપોર્ટ કહે છે કે ખાનગી વિમા કંપનીઓ કિસાનો પાસેથી ફસલ વિમાના પ્રિમિયમ તરીકે વધુ રકમ મેળવે છે; અને વિમા કંપનીઓ કિસાનોને વળતર ઓછું ચૂકવે છે ! વિમા કંપનીઓ 30%થી વધુ રકમ પોતાની પાસે રાખે છે. એપ્રિલ 2016 થી 14 ડીસેમ્બર 2020 દરમિયાન ખાનગી વિમા કંપનીઓએ કિસાનો પાસેથી પ્રિમિયમ તરીકે 1,26, 521 કરોડ રુપિયા મેળવી લીધા. જ્યારે વિના કંપનીઓએ ખેતીમાં નુકશાન પેટે કિસાનોને માત્ર 87,320 કરોડ રુપિયા જ ચૂકવ્યા ! કિસાનોએ નુકશાન વળતર તરીકે 92,954 કરોડ રુપિયાની માંગણી કરી હતી. વિમા કંપનીઓએ 69% જ વળતર ચૂકવેલ. 2017-18માં ‘ભારતી એક્સ’ કંપની બિમા ફસલ યોજનામાં સામેલ થઈ અને 3 વર્ષમાં તેણે 1576 કરોડ રુપિયા પ્રિમિયમ તરીકે વસૂલ કર્યા અને વળતર માત્ર 439 કરોડ રુપિયા ચૂકવ્યું ! રીલાયન્સ GIC લિમિટેડે પ્રિમિયમ પેટે 6150 કરોડ વસૂલ્યા અને કિસાનોને વળતર આપ્યું માત્ર 2580 કરોડ રુપિયા ! જનરલ ઈન્શ્યોરન્સે 62%; ઈફકોએ 52% અને HDFC એગ્રોએ 32% નફો રળ્યો હતો ! મધ્યપ્રદેશના 2 લાખથી વધુ કિસાનોને ત્રણ વર્ષથી PMFBYનો લાભ મળ્યો નથી ! કિસાનો બેન્ક અને વિમા કંપનીઓ વચ્ચે ફૂટબોલ બની ગયા છે !

Pradhan matry fasal yojna

કિસાનોએ ઊહાપોહ કરતા PMFBY સ્વૈચ્છિક બની છે. શામાટે કિસાનો આ યોજનાનો વિરોધ કરે છે? [1] વિમો હંમેશા વ્યક્તિગત હોય. પશુ/વાહન/ વ્યક્તિ માટે. જ્યારે PMFBY જિલ્લા માટે/તાલુકા માટે/અમુક એરિયા માટે હોય છે ! કિસાનોને વળતર ત્યારે મળે જ્યારે જે તે વિભાગમાં 50% ફસલ નિષ્ફળ જાય ! વરસાદ પૂરા વિભાગમાં એક સરખો ન પણ પડે. અમુક ગામમાં વરસાદ પડે અને બાજુના ગામમાં વરસાદ ન પડે; એવું પણ બને. આવા કિસ્સામાં કિસાનોને વળતર મળતું નથી. પ્રિમિયમ વ્યક્તિગત છે તો વિમો વ્યક્તિગત કેમ નહીં? [2] કિસાનોની મરજી વિના બેંક પ્રિમિયમની રકમ કાપી લે; પરંતુ વિમા કંપનીમાં સમયસર જમા ન કરાવે. તેથી કિસાનોને લાભ મળતો નથી. [3] પ્રિમિયમની રકમ કાપવી નહીં, એવું કિસાનોએ લેખિત આપવાનું હોય છે. જે ઘણા કિસાનોને ખ્યાલ નથી. [4] કિસાનો પાસે વિમાના કોઈ ડોક્યુમેન્ટ હોતા નથી. એટલે વિમા કંપની સામે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. કિસાનોને પ્રિમિયમ ભર્યાની રસીદ પણ મળતી નથી ! [5] ફસલ/પાકને નુક્શાન થાય તેના 72 કલાકમાં વિમા કંપનીને જાણ કરવી ફરજિયાત છે. માનો કે એક જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાકનો નાશ થયો તો જિલ્લાના દરેક ખેડૂતો કઈ રીતે વિમા કંપનીને જાણ કરે? વિમા કંપની પાસે આ માટે એક ફોન હોય, તેમાં એકી સાથે જાણ કઈ રીતે થઈ શકે? જાણ થાય તોપણ નુકશાનીનો સર્વે કરવા મામલતદાર/કૃષિ વિભાગ/નાણા વિભાગ/વિમા કંપનીના અધિકારી આવે. ખરાઈ કરે. રીપોર્ટ તૈયાર થાય. વળતર મળતા મહિનાઓ નીકળી જાય ! કિસાનો આગલા પાકની તૈયારી કઈ રીતે કરે? 2019 નો પાક વિમો 2021માં મળેલ નથી ! [6] એવી વિમા કંપનીઓ છે, જેની ઓફિસ જિલ્લામાં નથી; કિસાનો રજૂઆત કરવા ક્યાં જાય?

સવાલ એ છે કે શું PMFBYનો હેતુ ખાનગી વિમા કંપનીઓને મદદ કરવાનો છે? વાસ્તવિકતા એ છે કે ગરીબ કિસાનોને ફાયદો ઓછો અને ખાનગી કંપનીઓને લીલાલહેર !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *