જીવન જીવવાનો અધિકાર: બંધારણની દેન

સતિષ મકવાણા :- ભારતનું બંધારણ દરેક વ્યક્તિને શારીરિક સ્વતંત્રતાની સાથે સાથે શોષણથી મુક્ત ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર પ્રદાન કરે છે. જે ભારતીય બંધારણના ભાગ-૩ માં આપેલા અનુચ્છેદ-૨૧ માં ઉલ્લેખિત છે. જે બંધારણનો સૌથી મહત્વપૂર્ણ અનુચ્છેદ છે. અનુચ્છેદ-૨૧ મુજબ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી વિના કોઈપણ વ્યક્તિની સ્વતંત્રતા કે એનું જીવન છીનવી શકાય નહીં. આ અધિકાર ભારતીય નાગરિકો ઉપરાંત વિદેશી નાગરિકોને પણ સંરક્ષણ પ્રદાન કરે છે.

જીવન જીવવાના અધિકારમાં બંધારણના અમલ થયા બાદ સમયે સમયે ન્યાયાલય દ્વારા તેની વ્યાખ્યા અને સુધારાઓ કરવામાં આવેલ. જે મુજબ ઇસ. ૧૯૫૦ માં સર્વોચ્ચ ન્યાયાલયે અનુચ્છેદ-૨૧ ની સૂક્ષ્મ વ્યાખ્યા કરેલ અને જણાવેલ કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા મુજબ જ્યારે કોઈ વ્યક્તિની સ્વતંત્રતાનો ભંગ થઈ રહ્યો હોય ત્યારે ન્યાયપાલિકા આ કાયદાને ગેરકાયદેસર ઘોષિત ન કરી શકે.! પરંતુ ઇસ. ૧૯૭૮ માં સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના જ ચુકાદાને ફેરવી અને અનુચ્છેદ-૨૧ ની વિસ્તૃત વ્યાખ્યા કરીને જણાવેલ કે સંસદ દ્વારા નિર્મિત કાયદાઓ તાર્કિક અને ન્યાયપૂર્ણ હોવા જોઈએ અને જો કોઈ કાયદો જીવન જીવવાનો અધિકાર છીનવે તો ન્યાયપાલિકા આ કાયદાને ગેરકાયદેસર ઘોષિત કરી શકે. સમયે સમયે ન્યાયપાલિકા દ્વારા પોતાના અલગ અલગ ચુકાદાઓમાં જીવન જીવવાના અધિકારને ફક્ત સ્વાચ્છોશ્વાસ નો અધિકાર નહિ પણ ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર તરીકે વિસ્તૃત રીતે વ્યાખ્યાયિત કરેલ છે.

આ પણ વાંચો – CR પાટીલને ‘માજી બુટલેગર’ કહેતાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ સાત જગ્યાએ ફરિયાદ

ભારતીય બંધારણના અનુચ્છેદ-૨૧ મુજબ વ્યક્તિને વિદેશયાત્રાનો અધિકાર, મફત કાનૂની સહાય, રાઈટ ટુ પ્રાઇવસી, એકાંતવાસ વિરુદ્ધ નો અધિકાર, હાથકડી લગાવવા વિરુદ્ધનો અધિકાર, ઝડપી સુનાવણીનો અધિકાર, અમાનવીય વ્યવહાર વિરુદ્ધનો અધિકાર, રહેવા યોગ્ય પર્યાવરણનો અધિકાર, આજીવિકાનો અધિકાર, જાહેરમાં ફાંસી વિરુદ્ધનો અધિકાર, પ્રતિષ્ઠાનો અધિકાર, આશ્રયનો અધિકાર, આરોગ્ય અને ઇમરજન્સી તબીબી સુવિધાઓ તેમજ ઇસ. ૧૯૯૬માં પશ્ચિમ બાંગ્લા ખેત મજદૂર સમિતિ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના ન્યાયાલયના ચુકાદા મુજબ સરકારી દવાખાનામાં સમયસર ઈલાજને પણ અનુચ્છેદ-૨૧ મુજબ મૂળભૂત અધિકારમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રદુષણ મુક્ત હવા, પાણી અને સારા રસ્તાઓ, ફેમિલી પેન્શન, અવાજના પ્રદૂષણ માંથી મુક્તિ, ઉપરાંત સ્ત્રીઓ સાથે માનવીય અને ગરિમાપૂર્ણ વર્તન નો પણ જીવન જીવવાના અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જાણીને નવાઈ લાગે કે પ્રત્યેક વ્યક્તિને ઊંઘવાનો અધિકાર પણ આ દેશના બંધારણના જીવન જીવવાના અધિકારમાં સમાવિષ્ટ છે.!

બંધારણના અનુચ્છેદ-૨૧ દ્વારા અપાયેલા બધા અધિકારો સર્વોપરી નથી. સંસદ કોઈ વ્યક્તિને કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા દ્વારા જીવન અને શારીરિક સ્વતંત્રતાથી વંચિત પણ કરી શકે છે પરંતુ આવા કાયદા ન્યાયપૂર્ણ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરવા જોઈએ. સમગ્ર દેશ અથવા દેશના કોઈ ભાગ માં જ્યારે કટોકટી લાદવામાં આવેલી હોય ત્યારે રાષ્ટ્રપતિ મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકે છે પરંતુ અનુચ્છેદ-૨૦ અને અનુચ્છેદ-૨૧ માં ઉલ્લેખિત મૂળભૂત અધિકારોને કટોકટીના સમયમાં પણ સ્થગિત કરી શકાતા નથી.! ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સર્વોચ્ચ ન્યાયાલયની ત્રણ સભ્યો વાળી ખંડપીઠે ઈન્ટરનેટના વપરાશને પણ મૂળભૂત અધિકાર ગણાવ્યો છે.!
આમ ભારતીય બંધારણ દ્વારા વ્યક્તિને ફક્ત જીવન જીવવાનો નહિ પણ ગરિમાપૂર્ણ અને સુવિધાયુક્ત જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે. અને આ અનુચ્છેદ-૨૧ એ ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ અને અત્યંત મહત્વપૂર્ણ અનુચ્છેદો પૈકીનો એક અનુચ્છેદ છે.

~સતિષ મકવાણા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *