લોકોના હાથમાં સત્તા હોય તો જે કેબિનેટ મિનિસ્ટર છે; એમને સરપંચ તરીકે પણ ન ચૂંટે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : હું 22 ઓગષ્ટ 2021 ના રોજ અમદાવાદથી વતન માલપરા [જિલ્લો બોટાદ] જઈ રહ્યો હતો. બોટાદ પછી ગોરડકા/ગઢડા ખાતે રોડ ઉપર સત્તાપક્ષની ઝંડીઓ જોવા મળી; લોખંડની ફ્રેમથી ગેઈટ ઊભા કરેલ હતા. ગુલાબી કલરના કાપડથી ગેઈટ શોભતા હતા. ગેઈટ ઉપર મંત્રીઓના પોસ્ટર હતા. મનમાં સવાલ થયો કે શામાટે આ ઊજવણી થઈ રહી છે? સત્તાપક્ષે કોઈ લોકલક્ષી કામ કર્યું હોય તો એની ઊજવણી થાય તે સમજી શકાય; પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતના અમુક મંત્રીઓને પ્રમોશન આપ્યું અને અમુકનો સમાવેશ કર્યો તેની આ ઊજવણી હતી !

સવાલ એ છે કે જે મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું તેમણે કોઈ સારું કામ કર્યું હતું? ત્રણ કૃષિ કાનૂનનો બચાવ કર્યો એ જ એમની લાયકાત ગણીને વડાપ્રધાને ગુજરાતના બે મંત્રીઓને કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે ! મતલબ કે કિસાન વિરોધી અને કોર્પોરેટ હાઉસની તરફેણ કરવા માટે તેમને ઈનામ આપવામાં આવ્યું છે ! વડાપ્રધાનને આંગળી ઊંચી કરે તેવા મિનિસ્ટર વધુ ગમે છે. આવડતવાળાને મિનિસ્ટર બનાવતા નથી; બનાવે તો તેમની ઉપર સચિવ મારફતે ‘પાકી સેન્સરશિપ’ મૂકી રાખે છે ! સવાલ એ છે કે આવા આંગળી ઊંચી કરનારાઓને મિનિસ્ટર બનાવે તેમાં ‘જન આશીર્વાદ યાત્રા’ શરૂ કરવાનો શો અર્થ? શું લોકોને ગેરમાર્ગે દોરવાનો હેતુ નથી? ‘જન આશીર્વાદ યાત્રા’માં ધરાર આશીર્વાદ લેવાના? કોર્પોરેટ મિત્રોના અઢળક નાણાંના ઉપયોગથી અને ગોદી મીડિયા/IT Cell દ્વારા નફરત ફેલાવવાથી સત્તાપક્ષને મતો મળી જાય છે; પછી જન આશીર્વાદ યાત્રાનું નાટક કરવાની જરુર શી? માત્ર ‘જન સમર્થન’નું લેબલ લગાડવાનું !

રાજકારણમાં

આવી યાત્રાઓ કોરોના ગાઈડ લાઈનનો ભંગ કરીને કાઢવાની? શાળા/કોલેજ બંધ છે; સાંસ્કૃતિક ઉત્સવો બંધ છે; પણ સત્તાપક્ષની યાત્રાઓ અટકી નથી ! સવાલ એ છે કે સત્તાપક્ષને શરમ આવતી નહીં હોય? કોરોના કાળમાં અંદાજે 47/50 લાખ લોકોએ જીવ ગુમાવ્યા. ગંગામાં હજારો લાશો તરતી રહી ! વિશ્વના અખબારોમાં સામૂહિક અગ્નિ સંસ્કારના ફોટાઓ છપાયા; સરકારની બેજવાબદારીની આલોચના થઈ. સરકારે જૂઠનો અણુબોમ્બ ફેંક્યો કે ઓક્સિજનની અછતના કારણે કોઈનું મોત થયું નથી ! સરકારની આ ગુનાહિત બેજવાબદારીને ઢાંકવા માટે ‘જન આશીર્વાદ યાત્રા’ કાઢતા હશે? પેટ્રોલ-ડીઝલના આકાશી ભાવો/વિમા કંપનીઓ દ્વારા ખેડૂતોનું શોષણ/વેપાર ધંધા ઠપ/બેરોજગારી/મોંઘવારી/અતિ મોંઘું શિક્ષણ/મોંઘી આરોગ્ય સેવા/કોરોના પીડિતોને કોઈ સહાય નહી વગેરે મુદ્દાઓ અગત્યના છે કે ‘જન આશીર્વાદ યાત્રા’? લોકોની દરકાર કરવાની બિલકુલ જરુર નહીં; માત્ર કોર્પોરેટ મિત્રોને સાચવો; એ સત્તાપક્ષની નીતિ રહી છે ! લોકોના હાથમાં સત્તા હોય તો જે કેબિનેટ મિનિસ્ટર છે; એમને સરપંચ તરીકે પણ ન ચૂંટે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *