પ્રશ્ન : પોલીસ મને મારે તો હું સામે મારી શકું? પોલીસ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી? પોલીસને માર મારવાનો અધિકાર છે?

નેલ્સન પરમાર : જવાબ : પોલીસના મારથી તો ભલભલા ડરતા હોય છે, અને ક્યારેક પોલીસ પોતાને મળેલા પાવરનો દુરુપયોગ પણ કરતી હોય છે, જેના ઘણા કિસ્સા આપણી સામે અવારનવાર આવતા જ રહે છે. તેવામાં પોલીસ પાસે પોતાની કસ્ટડીમાં રહેલા આરોપીને માર મારવાનો કોઈ અધિકાર છે કે કેમ તે જાણવું કોઈપણ સામાન્ય નાગરિક માટે અત્યંત જરુરી છે. કેટલીકવાર પોલીસ આરોપીને જ નહીં, પરંતુ કોઈ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કરીને પણ તેના પર ત્રાસ ગુજારતી હોય છે. આપણાં દેશમાં બનાવટી એન્કાઉન્ટર થતાં હોય ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ પર પોલીસ દ્વારા થતો જુલ્મ જાણે મોટી વાત જ ન હોય તેમ તેના કિસ્સા અવારનવાર મીડિયામાં આવતા રહે જ છે. જેનો ભોગ મોટાભાગે એવા લોકો બને છે કે જેમની પાસે કાયદાકીય લડાઈ લડવાની ક્ષમતા નથી હોતી. ઘણીવાર તો પોલીસ કોઈ વ્યક્તિ પાસેથી જબરજસ્તી ગુનાની કબૂલાત કરાવવા માટે પણ તેને ભયાનક રીતે ટોર્ચર કરતી હોય છે. તેવામાં પોલીસનો ત્રાસ સહન કરવાને બદલે તે વ્યક્તિ લાચાર થઈને ગુનો કબૂલી લેવામાં જ શાણપણ સમજતી હોય છે, અને પોલીસ આખા કેસમાં ખોટા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી દે છે. આ ખાખી વર્દીના વ્યકિતઓ ધ્વારા આચરવામાં આવેલ ગુનાઓ જોતા ઘણીવાર સામાન્ય લોકો પોલીસ સ્ટેશન જતાં પણ ડરતાં હોય‌ છે. આમ તો હકીકતમાં પોલીસને જોઈને નાગરિકોને સલામતીનો અહેસાસ થવો જોઈએ પણ હાલની પરિસ્થિતિ એવી છે કે, પોલીસને જોઈને લોકો ડરનો અહેસાસ કરે છે. પોલીસ એ છાપ બનાવી નથી શકી જેમાં નાગરિકઘને સલામતીનો અહેસાસ કરાવી શકે, કાયદાનું ઉલ્લંઘન ખુદ કાયદાના રક્ષકો કરતાં હોય છે. જે આપણા દેશમાં દુ:ખદ બાબત છે. પોલીસ કોન્સ્ટેબલ હોય કે પછી મોટો IPS ઓફિસર હોય, તેની પાસે એમ જ આરોપીને માર મારવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં, પોલીસ જો આરોપીને માર મારે તો તે કોર્ટ સમક્ષ તેની ફરિયાદ પણ કરી શકે છે. ભારતનું બંધારણ દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર આપે છે, અને આ બંધારણિય અધિકારનું સ્થાન તમામ અધિકારોમાં સૌથી ઉપર છે, કસ્ટોડિયલ ટોર્ચરમાં તેનો ભંગ થાય છે. જોકે, ક્યારેક જાહેર સ્થળે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સાચવવા પોલીસ ચોક્કસ લાઠીચાર્જ કરી શકે છે. આ વાત અલગ છે. કસ્ટોડિયલ ટોર્ચરના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે, પરંતુ તેમાં કોઈ પોલીસ અધિકારીને સજા થયાના કિસ્સા ભાગ્યે જ સામે આવે છે. આવા કિસ્સામાં અગાઉ જણાવ્યું તેમ મોટાભાગે ભોગ બનનારા લોકો ગરીબ કે સામાન્ય વ્યક્તિ હોય છે, જેમની પાસે ન તો કેસ લડવાના પૈસા હોય છે કે ન તો સમય, માટે ભાગ્યે જ કસૂરવારોને સજા થતી હોય છે.

આ પણ વાંચો – શું આયુર્વેદ બાબા રામદેવની જાગીર છે?

¶ પોલીસ માર મારે તો સામે તમે મારી શકો? રીમાન્ડ દરમિયાન માર મારવામાં આવે તો?

કોઈપણ પોલીસ નાના મોટા અધિકારી હોય. એ પોતાની ફરજ અદા કરતાં હોય, પોતાની ડ્યુટી નિભાવે એમાં કોઈ વાંધો નથી પણ એમાં કોઈ સાથે મારપીટ કરે કે, ગાળો આપે એ ખોટું છે. આમ માર મારવાનો કે ગાળો આપવાનો, કે અસભ્ય વર્તન ન શકે. આપણાં ભારતીય કાયદામાં આઈ.પી.સી ૧૬૬ મુજબ એ પોલીસ સામે ફરીયાદ કરી શકાય છે. IPC 166 અનુસાર કોઈપણ સરકારી કર્મચારી છે બીજાને ઈજા કરવાને ઈરાદે કાયદાનું ઉલ્લંઘન કરે છે. એટલે કે, માર મારે કે તમારું અપમાન કરે તોય તમે આઈ.પી.સી ૧૬૬ અંતર્ગત ફરીયાદ આપી શકો છો. જેમાં જેલ અને દંડ બન્નેની જોગવાઈ છે. આમાં પણ બીજા જેજે પણ અપરાધ કરે એ મુજબ અન્ય કલમો પણ એડ થાય છે. અને એ પોલીસ અધિકારી સામે ફરીયાદ થઈ શકે છે.

¶ પોલીસ મને મારે તો હું સામે મારી શકું?

ચાલો, આ પ્રશ્ન પર વાત કરીએ તો, અહીંયા બે પ્રકારની સિચ્યુએશન ઉભી થાય છે. જે નીચે મુજબ છે.

૧ ) પોલીસ વાળા એમનું કામ કરે છે. એમની પાસે એરેસ્ટ વોરંટ છે. અથવા તો એ પોતની ફરજ બજાવી રહ્યા છે. પોતાની ડ્યુટી નિભાવે છે અને તમે એ સમયે પોલીસ સાથે બતમીજી કરો છો. એ કામનો વિરોધ કરો છો. ગાળો બોલો છો, મારપીટ કરો છો. આ સમયે પોલીસ વાળા તમને મારે તો તમારી પાસે બચવાનો કોઈ રસ્તો બચ્યો નથી, કેમકે ભુલ તમારી છે. તમે જો પોલીસ વાળા પર જાનલેવા હુમલો કરો એ સમયે તો એ તમારી પર ગોળી પણ ચલાવી શકે છે. એટલે આ બાબત ધ્યાન રાખવું કે, જ્યારે પોલીસ કે, કોઈપણ સરકારી કર્મચારી પોતની ફરજ નિભાવવાતા હોય ત્યારે આવું વર્તન ન કરવું. આજકાલ તમે જોયું જ હશે કે, હવે તો ખુદ પોલીસ વાળા આવા સમયે તમારો વીડિયો ઉતારી લેતા હોય છે. જેને પછી પુરાવા સ્વરૂપે પણ મૂકી શકાય. હવે તો દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે ત્યારે જો તમને વગર વાંકે તમને પોલીસ વાળો મારતો હોય તો વીડીયો ઉતારી જ શકો છો. ધ્યાન રાખવું તમારે ઉગ્ર ન થવું અને એની સાથે ન્યાયિક પ્રક્રિયાથી, સભ્ય ભાષામાં વાત કરવી.

૨ ) આ સિચ્યુએશન એવી છે જેમાં, તમને કોઈપણ પોલીસ વાળાએ રોક્યો અને તમને ગાળો આપવા લાગ્યો, મારપીટ કરવા લાગ્યો, કે અસભ્ય વર્તન કરવા લાગ્યો. આ સમયે પણ તમે એને સામે મારી શકતાં નથી. હા, તમે આ સિચ્યુએશનમાં પણ સામે હાથ ન ઉપાડી શકો. તમારી પાસે આ સમયે શાંતિથી માર ખાવા સિવાય રસ્તો નથી. જો તમે સામે મારો તો તમારાં પર આઈ.પી.સી ૩૫૩ અને આઈ.પી.સી ૩૩૨ મુજબ તમારા પર કેસ બનશે. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૩ મુજબ, જો કોઈ સરકારી કર્મચારી છે અને એ જો ઓન ડ્યુટી છે. એ પોતાની ડ્યુટી નિભાવી રહયો છે. એ સમયે એના કામથી રોકવો અથવા તો ડરવાવના હેતુથી, ફરજમાં કોઈપણ રીતે રુકાવટ, હુમલો અથવા અપરાધીક બળ પ્રયોગ કરવો એ આ કલમ અંતર્ગત ગુનો બને છે. એવી જ રીતે આઈ.પી.સી ૩૩૨ મુજબ કોઈપણ સરકારી કર્મચારી પોતાની ફરજ નિભાવવતો હોય એ સમયે એ સમયે ફરજથી રોકી ગંભીર માર મારવો અથવા ચોટ પોંહચાડવી એ ગુનો બને છે. આમ તમારી પર આ બન્ને કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એટલે પોલીસને સામે તમે મારી નથી શકતાં. પણ તમે તમને ખોટી રીતે માર્યા છે એના પુરાવા ભેગા કરી ને પછી ફરીયાદ કરી શકો છો.

¶ તમે ક્યારે મારી શકો છો?

અમૂક ગંભીર બાબતે તમને પ્રાઈવેટ ડિફેન્સ મળે છે. અને સામે તમે મારી શકો પણ એમાં કેટલીક અગત્યની બાબતો છે. જેમાં તમને તમારું પ્રાઈવેટ ડિફેન્સ મળે છે. જ્યારે એ તમને ગંભીર માર મારે છે. જેમાં કેટલીક બાબતો છે જેવી કે, પોલીસ વાળો તમને મારતાં સમયે તમારો હાથ કાપી નાખે/ પગ કાપી નાખે/ આંખો ફોડી નાખે, કાનનો પડદો તોડી નાખે/ તમારા પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર માર મારે, આવી કોઈ સિચ્યુએશન ઉભી થાય જેમાં એવો માર મારે જેમાં ૨૦ થી વધારે દિવસ રીક્વરી આવવામાં લાગી શકે, ( હોસ્પિટલમાં રહેવૂ પડે ) અથવા તો તમને લાગે કે, પોલીસ વાળો તમને ‌જાનથી જ મારી નાંખશે. એની પાસે એનું કોઈ ધારદાર હથિયાર હોય ને હુમલો કરવાનો હોય આવાં સમયે તમારો પ્રાઈવેટ ડિફેન્સ સ્વબચાવમાં ઉભો થાય છે. ને તમે સામે મારી શકો છો. રેર કેસમાં આવી સિચ્યુએશન બનતી હોય છે. રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ ( આત્મરક્ષણનો અધિકાર ) IPC 96 થી ૧૦૬ કલમમાં આ બાબત વિગતે છે. જેમાં આઈ.પી.સી ૧૦૦માં આ અમુક જાનલેવા હુમલાની વાત કરેલી છે. આમ જોવા જઈએ તો આવી પરિસ્થિતિ ભાગ્યે જ ઉત્પન્ન થતી હોય છે. એટલે બની શકે ત્યાં સુધી પોલીસ પર સામે હાથ ન ઉપાડવો હિતાવહ છે. એને બદલે તમે કાયદાકીય રીતે ફરીયાદ કરી શકો છો.

આ પણ વાંચો – કેનેડા : સંસદની ઓનલાઈન બેઠકમાં સાંસદે કેમેરા સામે જ નગ્ન હાલતમાં પેશાબ કર્યો, આ બીજી વાર થયુ

¶ રીમાનડ દરમિયાન કે, માર મારવાના કિસ્સામાં તમે શું કરી શકો? ફરીયાદ ક્યાં કરી શકો.

પોલીસ તમારી ઘરપકડ કરે અટકાયત કરે ત્યારે. આર્ટીકલ રર (ર) જણાવે છે કે કોઇ પણ પકડાયેલ વ્યકિતને ૨૪ કલાકની અંદર નજીકના મેજીસ્ટ્રેટ પાસે રજુ કરવો પડશે. અને કોઇ પણ વ્યકિતને ૨૪ કલાકથી વધુ કોઇ પોલીસ અધિકારી પોતાની કસ્ટડીમાં મેજી.પાસે રજુ કર્યા સિવાય રાખી શકશે નહી. અને કોઇ પણ અટક કરેલ વ્યકિતને સી.આર.પી.સી.ક.૧૬૭ મુજબ ૧૫ દિવસથી વધુ પોલીસ કસ્ટડીમાં રાખી શકાશે નહી. ભારતના બંધારણના આર્ટીકલ રર બી મુજબ અટક કરવામાં આવેલ વ્યકિતને તેના કાયદાકીય વકીલ અથવાતો બચાવ કરવા માટે તક પુરી પાડવાનો હકક નકારી શકાશે નહી. આ સમયે તમને જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે ત્યારે મોટાભાગે બધાને પુછતાં હોય છે કેર તમને પોલીસ સામે કોઈ ફરીયાદ છે. ત્યારે જો તમને માર મારવામાં આવ્યો હોય તો તમે મેજીસ્ટ્રેટ સમક્ષ એ કહી શકો છો અને ફરીયાદ આપી શકો છો. એ પછી જો કોર્ટને લાગશે તો તમારી ફરીયાદ જ્યુડીશનલ તપાસમાં જશે જેમાં બે થી ત્રણ કે વધુ વર્ષનો સમય લાગતો હોય છે. પણ તમને જામીન મળી જાય એટલે તમે બહાર આવ્યા પછી એક અરજી વિજિલન્સ કમિશનર, એક અરજી DGP ઓફીસને, તમારા જીલ્લાના પોલીસ વડા, પોલીસ કંપલેન ઓથોરિટી ( PCA ), રાજ્યનાં અને રાષ્ટ્રીય માનવાધિકાર પંચને, આ અરજીની સર્ટીફાઈડ કોપી જોડી મોકલી આપવી જેમાં તમે કરેલી કોર્ટ ફરીયાદની કોર્ટ માંથી કોપી લઈ એ પણ મોકલી આપવી. આમ કરવાથી એકબાજુ કોર્ટમાં તો કેસ ચાલશે જ પણ બીજી બાજુ આ અરજીઓને કારણે ખાતાકીય તપાસ પણ થશે અને જે તે પોલીસનુ પ્રમોશન, અને બીજા અમુક મળતાં લાભ અટકી જશે. અને ખાતાકીય તપાસમાં દોષી સાબિત થશે તો નોકરી ખોવાનો પણ વારો આવી શકે છે. કોર્ટમાં પણ જો તમે સાબિત કરી દીધું કે, તમારી સાથે મારપીટ કરી હતી તો જે તે પોલીસ ને જેલમાં જવાનો પણ વારો આવી શકે છે.

¶ અરજીમાં નીચેની બાબતો ધ્યાન રાખવી

કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધમાં, ફરીયાદ લખાવવા માટે ભોગ બનનાર અથવા તેના વતી કોઈપણ વ્યક્તિએ પોતાનુ નામ, સરનામુ, સંપર્ક નંબર સહિત એક સાદી અરજી લખવાની રહેશે જેમાં, સંપૂર્ણ માહિતી આપવાની હોય છે, જેમકે, શુ ઘટના બની હતી તેની સંપુર્ણ વિગત કઈ તારીખે અને સમયે બની હતી તેની વિગત, તમે કોના વિરુદ્ધ ફરીયાદ લખાવો છો તેનું નામ, હોદ્દો અને પોલીસ સ્ટેશનની વિગત, ઘટનામાં શુ – શું કહેવામાં અને કરવામાં આવ્યુ હતુ? આ ઘટના બની ત્યારે તે જગ્યાએ અન્ય કોણ કોણ લોકો હાજર હતા જેમણે ઘટના બનતી જોઈ હોય તેના નામ અને વિગત, જો તમને કોઈ આર્થિક નુકશાન થયુ હોય અથવા શારિરિક ઈજા થઈ હોય તો તેની વિગત, જો ઘટના ને લગતા કોઈ ફોટો / વિડિયો કે ફુટેજ હોય તો સાથે જોડવાના, શારીરિક ઈજાઓ થઈ હોય તો તેના ફોટોગ્રાફ પણ જોડવા, જો ઈજા થઈ હોય અને સારવાર લીધી હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોડવુ, પોલીસ સ્ટેશન ડાયરીનો પુરાવો, આર.ટી.આઈ કરી તમે આ અમૂક બાબતો મેળવી શકો છો. જો એમ કરેલ હોય તો એ પણ જોડવુ. કોર્ટમાં આ બાબતે ફરીયાદ કરેલી હોય તો એની સર્ટીફાઈફ કોપી પણ જોડવી આમ આ તમામ બાબતોની કોપી ફરીયાદ સાથે બિડાણ કરીને પોસ્ટ દ્વારા, ઈમેલ દ્વારા કે રૂબરૂમાં જઈને આ બધી જગ્યાએ આપી શકો છો.

નોંધ : આ માહિતીમાં ભુલચુક હોય શકે છે. વધુ માહિતી કાબીલ વકીલ દ્રારા મેળવી શકો છો. છતાં પણ સામન્ય માહિતી દરેક નાગરિકે રાખવી જ જોઇએ. દરેકને બંધારણ સન્માન પુર્વક જીવવાનો અધિકાર આપે છે.

માહિતી અને સંકલન
©નેલ્સન પરમાર
૭૮૭૪૪૪૯૧૪૯

Leave a Reply

%d bloggers like this: