પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવું હોય તો આકાશી સ્વર્ગનો નાશ કરવો પડે ! [ભાગ-1]

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : સમાજનું પતન ત્યારે થતું હોય છે જ્યારે સત્યાગ્રહીને ભૂલીને જૂઠાગ્રહીનું મહિમામંડન કરવામાં આવે. 1934 માં ગુજરાતના એક ક્રાન્તિકારી લેખકે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ હતું- ‘ઈશ્વરનો ઈન્કાર’. લેખક હતા : નરસિંહભાઈ પટેલ. [13 ઓક્ટોબર, 1874-27 ઓક્ટોબર, 1945] આઝાદીની ચળવળના સશસ્ત્ર ક્રાન્તિકારી. તેમનો જન્મ ખેડા જિલ્લાના નાર ગામે થયો હતો. સરદાર પટેલ કરતા એક વરસ મોટા પરંતુ સ્કૂલમાં સરદારની સાથે ભણેલા. 1899 માં, 25 વરસની ઉંમર સુધી તેઓ ‘શ્રધ્ધાજડ’ હતા; શિવાલયમાં દિવો કર્યા વિના જમતા નહીં. પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતો હતો. 1899 માં આર્યસમાજના પુસ્તકો વાંચ્યા અને વિચારોમાં સળવળાટ થયો. 1900માં આર્યસમાજમાં દીક્ષા લીધી; પરંતુ વેદને ઈશ્વરે લખ્યા છે, તે વાત તેમના ગળે ન ઊતરી ! શરુઆતથી બળવાખોર સ્વભાવ હતો. મોટાભાઈના લગ્ન પ્રસંગે પિતાએ કન્યાપક્ષ પાસેથી દહેજ માંગ્યું. નરસિંહભાઈએ વિરોધ કર્યો. પિતાએ દલીલ કરી કે દહેજ નહીં લઉં તો તારી કોલેજનો ખર્ચ કઈ રીતે નીકળશે? નરસિંહભાઈને દહેજના પૈસે ભણવું ન હતું એટલે કોલેજનો અભ્યાસ છોડી વડોદરા, ગાયકવાડ રાજ્યમાં 1902-5 સુધી લાઇબ્રેરીયન તરીકે રહ્યા. તે દરમિયાન પુષ્કળ પુસ્તકો વાંચ્યા. તેઓ નિરીશ્વરવાદી બની ગયા. 1907માં ‘ગેરિબાલ્ડી’ અને 1909માં ‘પ્રેસિડેન્ટ મહાવીર ગાર્ફિલ્ડ’ પુસ્તકો લખ્યાં. બન્ને પુસ્તકોમાં ક્રાન્તિની વાત હતી. અંગ્રેજ સરકારે આ બન્ને પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકી દીધો. તેમણે બોમ્બ બનાવવાની રીત અંગેના પુસ્તકનો બંગાળીમાંથી અનુવાદ કર્યો હતો; અંગ્રેજ સરકારને છેતરવા પુસ્તકનું નામ રાખ્યું : ‘વનસ્પતિની દવાઓ !’ અંગ્રેજ સરકારના દબાણથી ગાયકવાડી રાજે આ પુસ્તક જપ્ત કર્યું અને રાજમાંથી 6 વરસ સુધી તડિપાર કર્યા.

Ishwar no inkar

1910 માં તેમણે ‘જૈન સમાચાર’ સાપ્તાહિક માટે લેખ લખ્યો- ‘ક્યા ઈશ્વરે આ વિશ્વ રચ્યું?’ 1913 માં આફ્રિકા ગયા. 28 જુલાઈ 1914ના રોજ વિશ્વયુદ્ધ શરુ થયું.1916 માં યુગાન્ડા ગયા. જર્મન ભાષા શીખ્યા. તે સમયે ટોલ્સટોયના પુસ્તક દ્વારા ‘અહિંસાધર્મ’ અંગે વિચારમંથન શરુ થયું. 1920 માં ભારત પરત આવ્યા અને શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં ત્રણ વર્ષ સુધી જર્મન ભાષાના શિક્ષક તરીકે રહ્યા. 1923 માં પરત આણંદ આવી; ઓક્ટોબર 1924થી ‘પાટીદાર’ માસિક શરુ કર્યું; જે 21 વરસ સુધી ચલાવ્યું અને પાટીદાર સમાજની રુઢિઓ ઉપર પ્રહાર કરી; સુધારાવાદી વિચારોનું સિંચન કર્યું. તેમણે લખ્યું હતું : “ ‘પાટીદાર’ કે ‘હિન્દુ’ એ નામનો નાશ થવો જોઈએ; ‘માનવી’ એ જ સ્વાભાવિક નામ હોઈ શકે. ‘પાટીદાર’ પાટીદાર મટી માણસ થાય એ જ ‘પાટીદાર’ ચલાવવાનો હેતુ છે. અંતિમ ધ્યેય છે.” 1930ના સત્યાગ્રહમાં ભાગ લીધો.; એ વખતે ખાન અબ્દુલ ગફારખાન તેમના આણંદ ખાતેના ઘેર રોકાયા હતા. સરકારે તેમને જેલમાં પૂર્યા. નરસિંહભાઈ ગાંધીજીને પણ સાચું કહી શકતા. જગન્નાથ મંદિરમાં દલિતોને પ્રવેશ અપાતો ન હતો તેથી તે મંદિરમાં જવું ન જોઈએ એવું ગાંધીજી માનતા હતા; પરંતુ કસ્તુરબા તે મંદિરમાં ગયા એટલે ગાંધીજીએ કસ્તુરબાને પૂછ્યું કે ‘મારે તમારાથી છૂટાછેડા કેમ ન લેવા?’ નરસિંહભાઈએ ‘પાટીદાર’માં લખ્યું : ‘કસ્તુરબાએ મંદિરમાં જવું કે નહી; એ એમનો સ્વતંત્ર પ્રશ્ન છે. પતિ સાથે સંકળાયેલો નથી ! પુરુષમાં સદીઓથી ચાલ્યું આવતું ધણીપણું મહાત્મા ગાંધીમાં પણ પૂરેપૂરું લુપ્ત થયું નથી !’ અમેરિકામાં ફેમિનિઝમનો દોર શરુ થયો તે પહેલા તેમણે સર્વકાલીન યાદગાર પુસ્તક ‘લગ્નપ્રપંચ’ લખ્યું હતું. (માહિતી સૌજન્ય : ઊર્વિશ કોઠારી) પૂરતા મનોમંથન બાદ, પોતાના 60 માં જન્મદિન નિમિત્તે ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક તેમણે ગુજરાતના યુવકોને આપ્યું હતું.

આ પુસ્તક 1934 ના બદલે 2021 માં લખાયું હોત તો નરસિંહભાઈને; ટ્રોલસેનાએ લાખો ગાળો આપી હોત ! આ પુસ્તકની ઈ.બૂક અભિવ્યક્તિ બ્લોગના ગોવિંદભાઈ મારુએ બનાવીને ગુજરાતના લોકોની મોટી સેવા કરી છે. શું છે આ પુસ્તકમાં? આખા પુસ્તકને નિચોવીએ તો આટલો સાર નીકળે : ‘પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવું હોય તો આકાશી સ્વર્ગનો નાશ કરવો પડે !’rs

Leave a Reply

Your email address will not be published.