ગામડાઓમાં સરખું નેટવર્ક પણ ન આવે ત્યાં વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેટલું યોગ્ય?

¶ રીપોર્ટ૧૮ થી ૪૪ વર્ષનાં વ્યક્તિઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં :- ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો માર પડ્યો છે ત્યારે લોકોમાં વધુમાં વધુ રસીકરણ થવું ખૂબ જરૂરી છે. વેક્સિન લેવા માટે કરવામાં આવેલ ઓનલાઈન રજીસ્ટ્રેશન વ્યવસ્થામાં ઘણી બધી સમસ્યાઑ સામે આવે છે જેના કારણે લોકો રસી લઈ નથી શકતા ત્યારે કેન્દ્રએ હવે ઓન સાઇટ એટલે કે સ્થળ પર જ રજીસ્ટ્રેશનની છૂટ આપી છે પરંતુ ગુજરાત સરકાર આ નિયમ લાગુ કરવા તૈયાર નથી. હકીકતમાં ઘણા રાજ્યોએ વેક્સિન માટે સ્લોટ બુક કરાવ્યો હોવા છતાં પણ લોકો વેક્સિનેશન સેન્ટર આવી રહ્યાં નથી. તેથી વેક્સિન વેસ્ટેજના કેસો વધી રહ્યાં છે. આ રિપોર્ટને આધારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. તે ઉપરાત ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પણ વેક્સિનેશન માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. કેન્દ્ર સરકારે આ નોટિફિકેશન તમામ રાજ્ય સરકારોને મોકલ્યું છે અને તેમને ઓન સાઈટ એટલે કે સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિધા શરુ કરવાનું જણાવ્યું છે. આ સુવિધા શરુ કરવાની જવાબદારી રાજ્ય સરકાર પર છોડાઈ છે. કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના આ નિર્ણયને કારણે 18-44 વર્ષના લોકોને મોટી રાહત મળશે. હવે 18-44 વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની જરુર નથી. સરકારના નવા નિયમો પ્રમાણે, આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને એપોઈનમેન્ટ લઈ શકશે. જોકે આ સુવિધા હાલ પૂરતી સરકારી વેક્સિનેશન સેન્ટર પર આપવામાં આવશે.

¶ ગુજરાતમાં આ નિયમ લાગુ નહીં

આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18થી 45 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.

¶ ઓનલાઇન રજીસ્ટ્રેશન પર વિશેષ ટીપ્પણી

નોટબંધી હોય, GST હોય, કૃષી કાનુન હોય કે પછી કોઈપણ એવો નિર્ણય હોય સરકારની અણઆવડત ઊડીને આંખે વળગે છે. અને લોકો ખોટી હેરાનગતિ સહન કરે છે‌. હાલની જ વાત જોઈ લો, વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો નિયમ બનાવ્યો હતો. પાછો કેન્દ્ર સરકારે રદ પણ કર્યો. હવે તમે જ વિચારો ઓનલાઇન રજીસ્ટ્રેશન શક્ય છે? અહીંયા પહેલી વાત તો એજ કે, શું ભારત સરકાર પાસે કોઈ આંકડા છે કે, કેટલાં લોકો સ્માર્ટફોન વાપરે છે? અને વાપરે છે તો કેટલા ગામડે સુધી નેટવર્કની સુવિધા છે? એવા અઢળક ગામડાંઓ છે જેમાં લાઈટની પણ સરખી સુવિધા નથી, નેટવર્કની તો વાત જ જવા દો, ગામડાઓમાં ઢંગના નેટવર્ક નથી જ આવતાં, કુદરતી આપતી વખતે સાત સાત દિવસ સુધી પણ લાઈટ ન આવતી હોય ત્યા તમે કેવી રીતે ઓનલાઇન પ્રક્રિયા રાખી શકાય? આપણે સરકારી ઓફીસોમાં જઈએ તોય, નેટ નથી આવતું, સર્વર ડાઉન છે, લાઈટ નથી એમ સાંભળવાં મળે છે ત્યારે આ ઓનલાઇન રજીસ્ટ્રેશન રાખી હેરાનગતિ નથી તો બીજું શું એટલે શું છે વ્યક્તિઓ રજીસ્ટ્રેશન ન કરી શકે કોઇપણ કારણોસર તો શું એને વેક્સિનથી વંચિત રાખવાનાં? ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં પણ એટલી ખામીઓ છે કે ન પુછો વાત. ખાલી મોટી મોટી વાતો કરવી છે. બાકી જો એક ઢંગનો નિર્ણય લેતા હોય. હવે એકબાજુ કેન્દ્ર સરકારે ૧૮-૪૪ વર્ષના માટે રજીસ્ટ્રેશની પ્રક્રિયા રદ કરી ત્યારે ગુજરાતનના આરોગ્ય સચિવ કહે છે આ ખોટા ન્યુઝ છે બાકી હાલ આ રજીસ્ટ્રેશન વાળુ ચાલું જ રહેશે. આમ કેન્દ્ર અને રાજ્ય આમાંય સામ સામે છે.

¶ ગામડાંઓમાં જ નહીં શહેરમાં પણ નેટવર્કની તકલીફ

હજૂ પણ આપણે અહીંયા નેટવર્કની વાત કરીએ તો કેટલાંય એવા ગામડાઓમાં આજે પણ નેટવર્ક નથી આવતું. આવે છે તો 2G ની સ્પીડમાં નેટ ચાલે છે. સરકારી નોકરી માટે અરજી કરવાની હોય તોય લોકો સાયબર કાફેમાં જઈને ઓનલાઇન અરજી કરતાં હોઈએ છીએ, કારણ કે, એટલી સમજણ નથી પડતી હોતી અથવા તો નેટવર્ક પ્રોબ્લેમ હોય છે. આવા સમયે વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા કેટલી યોગ્ય એ સવાલ પેદા થાય છે. ઘણાં સમયથી જોઈએ તો હવે તો શહેરના લોકો પણ નેટવર્ક પ્રોબ્લેમ બાબતે બૂમો પાડતાં જોવા મળે છે. નેટવર્કની સમસ્યા ગામડાથી લઈ શહેર સુધી આ તકલીફ મોટા પ્રમાણમાં છે ત્યારે લોકો વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકે એ વિચારવું જોઈએ.

આ પણ વાંચો – હાઈકોર્ટે પોલીસ કમિશ્નરને કહ્યું : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી?

¶ રાજકીય કાર્યકમો, રેલીઓ, સભાઓ કેમ ઓનલાઇન નથી કરતાં?

આપણે જોઇએ છે કોરોનાનો આટલો ખરાબ સયમ હોવાં છતાં જે કામ ઓનલાઇન થઈ શકે એમ હતું ત્યાં પણ ભીડ ભેગી કરવામાં આવી હતી. કોવીડ સેન્ટરોના ઉદ્ઘાટન હોય કે નાના મોટા રાજકીય કાર્યકમો હોય એ ઓનલાઇન થઈ જ શકે પણ એમ નહીં કરે, ચુંટણી પ્રચાર, રેલીઓ, સભાઓ કેમ ઓનલાઇન કરવામાં નથી આવતી? વેક્સિન કરતાં પણ એ વધારે મહત્વની હશે કેમ? આ બાબત સરકાર અને રાજકીય પાર્ટીઓ જાણે છે કે, હજુ પણ લોકો સ્માર્ટફોન વાપરવામાં કાચાં છે. નેટવર્કના પ્રોબ્લેમ છે એટલે એમના કાર્યક્રમ ઓનલાઇન નહીં યોજે, પણ સામન્ય લોકોને તકલીફ પડે એનું ધ્યાન રાખ્યાં વગર વેક્સિનની ઓનલાઇન રજીસ્ટ્રેશની પ્રક્રિયા રાખવામાં આવી છે. ત્યારે આ બાબતે પણ ગંભીરતાથી વિચારવું જ જોઈએ.

© નેલ્સન પરમાર

Leave a Reply

%d bloggers like this: