મદદ લેનારની મનોદશા – હિતેશ યાદવ 

હિતેશ યાદવ : જ્યારથી કોરોના કાળ બેઠો છે ત્યારથી આપણે જોઈએ છીએ કે બધા લોકો જરૂરિયાતમંદ લોકોને ખુબ જ સહાય કરે છે, આમ તો આપણા ગુજરાતની તાસીર મા જ છે આ મદદ કરવાનુ, લોકો કોઈને કોઈ રીતે બીજાઓને મદદ કરતા જ હોય છે, ઘણા લોકો પોતાની આવક માથી અમુક ટકા હિસ્સો કાઢતા હોય છે જે દાન પુણ્ય ના કામમા વાપરતા હોય છે, તો ઘણા બધા લોકો પોતાના કોઈ સ્પેશિયલ દિવસને જરૂરિયાત મંદ લોકોની મદદ કરીને ઉજવતા હોય છે, ઘણા બધા લોકો ચેરીટી કે ટ્રસ્ટ બનાવીને કાયમી લોકોને મદદ કરતા હોય છે, આમા કોઈ નવીન વાત નથી કારણ કે એક મનુષ્ય બીજા મનુષ્યને કોઈપણ રીતે મદદ કરે એજ સાચી માનવતા અને એજ સાચો મનુષ્ય ધર્મ છે એવુ હુ માનુ છુ.

બે ત્રણ દિવસથી આ બાબતે સોશિયલ મીડિયા ઉપર થોડી વધારે પોસ્ટો જોવા મળે છે કારણ કે ઘણા બધા લોકોનુ કહેવુ એવુ છે કે તમે જેને મદદ કરો એમના ફોટાઓ અને નામ જાહેરમા ના મૂકવા જોઈએ,

હવે જો મારો વિચાર રજુ કરુ તો હુ એવુ માનુ કે જ્યારે આપણે કોઈને વ્યક્તિગત મદદ કરતા હોઈએ તો જે તે વ્યક્તિનો ફોટો ના મુકવો જોઈએ, ભલે તેની મંજુરી હોય તો પણ ના મુકવો જોઈએ કારણ કે તે પોતે નથી ઈચ્છતો હોતો પરંતુ તમો જ્યારે તેને પુછો કે હુ ફોટાઓ મુકુ તો તે શરમના લીધે ના નથી કહી શકતો હોતો,

ફોટાઓ કોના મુકવા? જો એવો પ્રશ્ન થાય તો એના જવાબ મા હુ એવુ માનુ કે આપણે કોઈ સંસ્થા, ચેરીટેબલ ટ્રસ્ટ કે કોઈ એવા સંગઠનો કે કોઈ એવા વ્યક્તિઓ જે સતત બીજાઓને કાયમ મદદરૂપ થતા હોય ત્યા આપણે દાન કે મદદ આપીએ તો તેના મુકી શકાય કારણ કે તેના થકી લોકોને જાણ થાય કે આ સંસ્થા, ચેરીટી કે વ્યક્તિ બધાને મદદ કરે છે અને બીજા લોકો તેમા મદદ કરી શકે.

હવે મદદ લેનારની મનોદશા કેવી હોય એ જણાવુ, એ કાલ્પનિક નહી પણ મારી પોતાની જ મનોદશાની વાત કરુ છુ અને એના ઉપરથી અભિપ્રાય બાંધુ છુ કે લગભગ હરકોઈ મદદ લેનારની આવી જ મનોદશા થતી હશે !

થોડા સમય પહેલા મે એક મદદ માટેની પોસ્ટ મુકી હતી એ તો બધાને ખ્યાલ જ હશે, તેમા ઘણા બધા મિત્રોએ જુદી જુદી રીતે પોતાનાથી બનતી મદદ કરી હતી અને મારી સમસ્યા નુ સમાધાન થઈ ગયુ હતુ, એ ઘટના બનતા તો બની ગઈ પણ એના પરિણામ મારા ધાર્યા કરતા અલગ જ જોયા, કોઈ પણ વસ્તુની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ હોય છે, મે ફક્ત ઇફેક્ટ વિશે જ વિચાર કર્યો હતો તેની સાઇડ ઇફેક્ટ વિશે કશુ વિચાર્યુ નહોતુ, હરકોઈ માણસ પોતાના સ્વાભિમાનથી જીવવા માંગતો હોય છે પરંતુ જીવનમા ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવતી હોય છે કે જ્યારે પોતાના સ્વાભિમાનને પણ ગીરવે મુકવુ પડતુ હોય છે, કોઈ પણ વ્યક્તિને માંગવુ સારુ લાગતુ જ નથી હોતુ, એમા પણ એવો વ્યક્તિ હોય કે જે ગમે ત્યારે બીજાઓને મદદ કરવા માટે તત્પર હોય અને જ્યારે પોતાના માટે માંગવુ પડે એ ક્ષણ એના જીવનમા મૃત્યુ કરતા પણ ભયંકર હોય છે, છતા પણ એ મન મક્કમ કરીને મદદ લેતો હોય છે, એ જ્યારે માંગે છે ત્યારે સૌ પ્રથમ તો તે પોતાની જ નજર માથી ઉતરી જાય છે, તે કદાપી પછી ઉંચુ જોઈ નથી શકતો, તે સતત કાયમ એવુ જ વિચારતો હોય છે કે લોકો તેના વિશે કેવા કેવા અભિપ્રાયો બાંધતા હશે, તે જ્યારે પણ કોઈ એવા વ્યક્તિઓ ને મળે છે કે જેઓને ખબર હોય કે આને મદદ લીધી છે તો તે એ વ્યકિતઓ સાથે ખુલીને વાત પણ નથી કરી શકતો હોતો તથા જેમ બને તેમ એ વ્યકિતોથી દુર જતો રહે છે, તે કોઈ દિવસ કોઈની સાથે ચર્ચામા નથી ઉતરતો હોતો, તેના મનમા કાયમ માટે એ ડર પેસી જાય છે કે કોઈ તેને માંગવા બાબતે ઉતારી ના પાડે એટલે બને ત્યા સુધી તે કામથી કામ રાખતો થઈ જાય છે, જે એક સમયે ખુલ્લીને હસતો હસાવતો હતો તે મદદ બાદ ખુલ્લીને નથી હસી શકતો કે નથી હસાવી શકતો હોતો, હર કોઈ વ્યક્તિને એ જ્યા રહેતો ત્યા વધારે ઓળખતા હોય છે, શહેર હોય તો કોઈ ચિંતા નહી પણ જો મારી જેમ ગામડામા રહેતો હોય તો એ વાત આખા ગામમા ફેલાય કે ફલાણા વ્યક્તિને ફલાણાએ મદદ કરી એટલે તે વ્યક્તિની ગામમા બે પ્રકારની છાપ પડે છે એક તો ઘણા લોકોને એવુ લાગે કે તે તકલીફ મા છે તો મદદ કરવી જોઈએ અને ઘણાને એવુ લાગે કે હવે આની પાસે કંઈ નથી તો આની સાથે કોઈ વેવાર ના કરાય, ક્યારેક કોઈ વસ્તુ ઉધાર દેતા હોય કે ક્યારેક કોઈ ઉછીના પાછીના દેતા હોય તે પણ નથી દેતા હોતા તથા તે વ્યક્તિ જ પછી ઉધાર કે ઉછીના નથી માંગતો હોતો કારણ કે તેના મનમા જ પોતાના વિશે નકારાત્મક છાપ પડી ગઈ હોય છે કે મને ના પાડશે તો મારે સાવ નીચા જોયા જેવુ થશે, બીજુ કે જ્યારે આ વાતની સગા વ્હાલાઓ અને મિત્રોમા ખબર પડે છે ત્યારે જો કોઈ સારા સગા હોય તો સામેથી ફોન કરે કે કંઈ જરૂરિયાત હોય તો કહેજો તો ઘણા સગાઓ,મિત્રો અમસ્તા ફોન કર્યો હોય તો ફોન પણ નથી ઉપાડતા હોતા! મે અનુભવ્યુ છે કે કાયમ જેના ફોન આવતા હતા તેઓના ફોન અચાનક આવતા બંધ થઈ ગયા, આવી તો ઘણી બધી તકલીફો પડતી હોય છે આ તો મે ખાલી સાવ સામાન્ય જ વાત કરી છે, હજુ આ બાબતે લખુ તો ઘણુ બધુ લખાય એમ છે, બાકી માનસિક સ્થિતી તો ઘણી ખરાબ હોય છે એના વિશે તો લખતો નથી,

આ પણ વાંચો : મદદ લેનારની મનોદશા – હિતેશ યાદવ 

ઘણા મિત્રો કહેતા હોય છે કે તમે હવે કોઈ પોસ્ટ કેમ નથી કરતા? અમે તમારી પોસ્ટ ની રાહ જોતા હોઈએ છીએ ,

ત્યારે હું કંઈ જવાબ નથી આપતો પણ આ પોસ્ટ ના માધ્યમથી કહુ છુ કે ઉપર જણાવ્યા પ્રમાણે મનોદશા છે તો પોસ્ટ મુકવાનુ પણ મન નથી થતુ બસ મગજમા એક જુદા જ પ્રકારની ગડમથલ ચાલતી હોય છે , આમ તો બધા મિત્રો ખુબ જ સારા અને સમજુ છે છતા પણ માનસિક સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે,

આજે આ પોસ્ટ દ્રારા મે બદલાઈ ગયેલી માનસિક સ્થિતી અને પરિસ્થિતિ માથી નીકળવાનો નાનો એવો પ્રયાસ કર્યો છે – હિતેશ યાદવ 

Leave a Reply

%d bloggers like this: