
રમેશ સવાણી નિવૃત્ત આઈપીએસ અધિકારી : અંધશ્રદ્ધા ખતરનાક છે. અંધશ્રદ્ધા વિવેક હરી લે છે. અંધશ્રદ્ધાળુઓને ખોટી બાબતો સાચી લાગે છે; ખોટા માણસો દિવ્યશક્તિ વાળા લાગે છે; અસત્ય સત્ય લાગે છે ! કેટલાંક અંધશ્રદ્ધાળુઓ; અંધશ્રદ્ધાનો વિરોધ કરતા- કરતા બીજી અંધશ્રદ્ધામાં અટવાઈ જતાં હોય છે ! અનેક પુસ્તકોના લેખક રોહિત શાહે અંધશ્રદ્ધાની વિરુદ્ધ પુષ્કળ લખ્યું છે. પરંતુ તેઓ બીજી અંધશ્રદ્ધામાં અટવાઈ ગયા છે !
રોહિત શાહ લખે છે : [1] મને વડાપ્રધાનની પ્રતિભામાં ‘સંભવામિ યુગેયુગે’ની ઝલક દેખાય છે. જો તેઓ પોલિટિક્સમાં ન આવ્યા હોત તો એમની વિવિધ ક્ષમતાઓ અને સિદ્ધિઓ જોઈને સૌએ એમને ચમત્કારિક દૈવીપુરુષ તરીકે જરૂર બિરદાવ્યા હોત ! [2] કૌરવોના હાથમાંથી હસ્તિનાપુર બચાવવાનું આવશ્યક હતું એમ કોંગ્રેસના હાથમાંથી હિન્દુસ્તાનને બચાવવાનું આવશ્યક હતું. એમાં તેમણે અર્જુન અને શ્રીકૃષ્ણની સંયુક્ત ભૂમિકા ભજવી છે એમ કહેતાં આપણને કોણ રોકવાનું છે ? [3] ગાંધીજીની અહિંસાને આપણે જોરશોરથી બિરદાવીએ છીએ, પરંતુ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી તદ્દન અહિંસક રીતે 370ની કલમ હટાવી અને કોઈપણ પ્રકારના કોમી તનાવ કે હુલ્લડબાજી વગર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરાવી દીધું એનું ગૌરવ કરવામાં આપણે અંચઈ કરીએ છીએ. [4] દેશ-વિદેશમાં હિન્દુત્વનો જયજયકાર કરનાર, તેમની સાથે કે સામે ઊભો રહી શકે એવો સમર્થ બીજો કોઈ વિપક્ષી નેતા છે ખરો ? [5] આગલા દિવસે સાંજે અયોધ્યાની ભૂમિ પર આરતી ઉતારે અને બીજા દિવસે સવારે કારગિલની બર્ફિલી ભૂમિ પર દેશના અસલી હીરો ફોજી જવાનો સાથે દીપોત્સવ ઉજવવા પહોંચી જાય ! કાં તો સાધુઓ સાથે કાં તો સૈનિકો સાથે, કાં તો મંદિરમાં કાં તો યુદ્ધના મેદાન પર ! તેમને તમે ક્યારેય બગાસું, છીંક કે ખાંસી ખાતા જોયા નહીં હોય ! જ્યારે જુઓ ત્યારે મર્દાનગીભરેલી સ્ફૂર્તિ અને ખુમારીથી છલોછલ બોડીલેંગ્વેજ ! જાહેર સભાઓમાં બોલતી વખતે ગંભીર ભૂલો કરતા વિપક્ષના અનેક નેતાઓને આપણે વારંવાર જોયા છે; પરંતુ વડાપ્રધાને એક પણ વખત એવી ભૂલ કરી હોય એવું આજ સુધી તો બન્યું નથી ! [6] વિપક્ષો મોંઘવારી અને બેકારીનાં વર્ષોજૂનાં રોદણાં રડવા બેસી જાય છે ! વિરોધીઓનો અંધાપો વડાપ્રધાને દેશમાં સ્વાવલંબન અને સ્વરોજગારની પેદા કરેલી લાખો તકો જોઈ શકતો નથી ! દસ વર્ષ અગાઉ ભારતના યુવાનો વિદેશમાં જઈને પોતાની કરિયર બનાવવા ઉત્સુક રહેતા હતા, આજે ભારતના યુવાનોને વિદેશની કોઈ ગરજ રહી નથી !
રોહિત શાહની બળૂકી અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરીએ : [1] મુખ્યમંત્રી થયા પહેલાં 35 વરસ સુધી ભિક્ષા માંગી તેઓ જીવતા હતા ત્યારે ‘એમની વિવિધ ક્ષમતાઓ અને સિદ્ધિઓ’ કેમ સૂતી રહી હતી? મુખ્યમંત્રી/વડાપ્રધાન થયા બાદ તેઓ ચમત્કારિક દૈવીપુરુષ કઈ રીતે બની ગયા? શું અદાણી-અંબાણીના સ્પર્શ પછી જ દૈવીપુરુષ બન્યા નથી? IT Cell અને ગોદી મીડિયાએ કલઈ કર્યા પછી જ દૈવીપુરુષ બન્યા નથી? અદાણી-અંબાણીએ અડવાણીનો વિરોધ ન કર્યો હોત તો આ દૈવીપુરુષ બન્યા હોત ખરા? [2] આ દૈવીપુરુષે; કૌરવોએ જે જાહેર સાહસો ઊભા કર્યા હતા તે પોતાના કોર્પોરેટ મિત્રોને શામાટે ભેટમાં આપી દીધાં? અર્જુન અને શ્રીકૃષ્ણની સંયુક્ત ભૂમિકા ભજવનાર બળાત્કારીઓને મુક્ત કરે ખરા? આદિવાસીઓ/દલિતો માટે સંઘર્ષ કરનારાઓને જેલમાં પૂરે ખરા? [3] ગાંધીજીએ સત્તાના બળે નહીં, લોકશક્તિ જાગૃત કરીને કામ કર્યું હતું; તેમની સાથે સતત જૂઠ બોલનાર વડાપ્રધાનની સરખામણી થઈ શકે? આર્ટિકલ-370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરનો વિકાસ થઈ ગયો? રામમંદિરનું નિર્માણ સત્તામાં ટકી રહેવા કર્યું છે કે ધાર્મિક ભાવથી? [4] ભારતમાં એક નહીં હજારો સમર્થ નેતા છે. સમર્થ લાગે તેનું ચરિત્રહનન કરવા IT Cell/ગોદી મીડિયા/CBI/EDને, વડાપ્રધાન 24 કલાક કામે શામાટે લગાડે છે? શું એક વ્યક્તિ સમર્થ છે; તેમ કહેવું તે લોકશાહીનું અપમાન નથી? [5] ‘કાં તો સાધુઓ સાથે કાં તો સૈનિકો સાથે, કાં તો મંદિરમાં કાં તો યુદ્ધના મેદાન પર !’ શું વડાપ્રધાનનું આ કામ છે? સૈન્ય અને મંદિરોનો સત્તા માટે ઉપયોગ કરી શકાય? નોટબંધી પહેલાં/ લોકડાઊન કરતા પહેલાં વિચાર કર્યો હોત તો દેશની આર્થિક સ્થિતિ કંગાળ બની ન હોત ! ઐતિહાસિક બેરોજગારી ન હોત ! ‘વડાપ્રધાને એક પણ વખત એવી ભૂલ કરી હોય એવું આજ સુધી તો બન્યું નથી !’ એક નહીં અનેક વીડિયો છે જેમાં વડાપ્રધાને લોચા માર્યા છે; ગપ્પાં માર્યા છે; પરંતુ અંધભક્તિને કારણે ઉત્તમ ગપ્પાં/જૂઠ પરમ સત્ય લાગે છે ! વડાપ્રધાન માટે બોડીલેંગ્વેજ નહીં, મેન્ટલલેંગ્વેજ મહત્વની હોય છે ! એમ તો અસામાજિક તત્વોની બોડીલેંગ્વેજ સારી હોય છે; પણ એથી ફાયદો શું? [6] દૈવીપુરુષે કેટલી રોજગારી ઊભી કરી? કેટલી સ્વરોજગારી ઊભી કરી? શું દૈવીપુરુષ પાસે આંકડા નથી? ગોળગોળ આરતી જ ઉતાર્યા કરવાની? વિપક્ષો મોંઘવારી અને બેકારી વિશે બોલે તો તે વર્ષો જૂનાં રોદણાં અને આ રોદણાં રડીને 2014માં દૈવીપુરુષ સત્તામાં ગોઠવાઈ ગયા તો તેનો શ્રેય બોડી લેંગવેજને આપવાનો? ભક્તોને અંધાપો નડે છે; વિરોધીઓને નહીં ! ‘દસ વર્ષ અગાઉ ભારતના યુવાનો વિદેશમાં જઈને પોતાની કરિયર બનાવવા ઉત્સુક રહેતા હતા, આજે ભારતના યુવાનોને વિદેશની કોઈ ગરજ રહી નથી !’ શું આ દૈવીપુરુષની સ્ટાઈલનું જૂઠાણું નથી? US/UK/કેનેડા/ઓસ્ટ્રેલિયા/ન્યૂઝીલેન્ડ વગેરે દેશોના વિઝા મેળવવાની લાંબી લાઈનો દેખાતી નથી?
ચાલો, બેસતા વર્ષે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળીએ !rs
Leave a Reply