ગુજરાત સાહિત્ય અકાદમી : સરકારી નાણાંથી ચાલતા ‘શબ્દસૃષ્ટિ’માં ઝેર કોણે ઓક્યું?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : સરકારી નાણાંથી એટલે કે આપણા ટેક્સના પૈસાથી ગુજરાત સાહિત્ય અકાદમી ચાલે છે. તેના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. અકાદમી તરફથી સાહિત્યનું મેગેઝિન ‘શબ્દસૃષ્ટિ’ બહાર પડે છે; તેના તંત્રી પણ વિષ્ણુ પંડ્યા છે. જૂન 2021ના અંકમાં લેખકના નામ વિનાનો લેખ- “ના, આ કવિતા નથી, ‘કવિતા’નો અરાજકતા માટેનો દુરુપયોગ છે !” પ્રગટ થયેલ છે. પારુલ ખખ્ખરની કવિતા-‘શબવાહિની ગંગા’ની વાત છે. સવાલ એ છે કે સરકારી નાણાંથી ચાલતા શબ્દસૃષ્ટિમાં ક્યા ‘ભૂતિયા લેખકે’ ઝેર ઓક્યું હશે? ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ શબ્દો એક સાથે મૂકી શકે તેવી નાદાની માત્ર વિષ્ણુ પંડ્યા જ કરી શકે. એટલે આ લેખ તંત્રી વિષ્ણુ પંડ્યાએ જ લખેલો હશે; તેમ કહી શકાય. શું છે તેમની બળતરા? [1] ’શબવાહિની ગંગા’ કવિતા નથી; ‘કવિતા’નો અરાજકતા માટેનો દુરુપયોગ છે. [2] ‘શબવાહિની ગંગા’ની વાહ, વાહ કરનારા ખોટા છે. કેટલાંક ‘તત્વો’ તેને કવિતા કહીને સામાજિક છિન્નભિન્નતાનું હથિયાર બનાવેલ છે. [3] આ ‘કાવ્ય’ છે જ નહીં; આવેશમાં આવીને કરેલો વ્યર્થ આક્રોશ છે. ભારતીય પ્રજા/લોકતંત્ર/સમાજને લાંછન લગાડનારું શબ્દોનું તિકડમ છે. પ્રાસનો ત્રાસ છે. [4] લોકતંત્રના આધારરુપ પ્રતિનિધિત્વને/નેતૃત્વને માટે પ્રયોજાયેલા શબ્દો- રંગા-બિલ્લા’ તથા ‘રાજા મેરા નંગા’ કોઈ રીતે કાવ્યમાં ન શોભે. તેનો દુરુપયોગ વામપંથીઓ/ લિબરલ્સ/કેન્દ્રવિરોધીઓ/કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાના વિરોધીઓ; ભારતમાં અવ્યવસ્થા/અરાજકતા ફેલાવવા કરે છે. આ લિટરરી નક્સલો છે. [5] અકાદમીનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે; વસુધૈવ કુટુમ્બકમ્ છે. કવિતા તો આત્માની કળા છે. તે શબ્દને સત્ય/શિવ/સુંદરની સંગાથે અનુભવે છે. [6] કવિતા સમાજને નુકશાન કરે તેવી હોઈ શકે નહીં. અકાદમી આવી રચના અને આવા વલણો સાથે શતપ્રતિશત સંમત ન્હોતી, નથી અને નહીં હોય.

મુદ્દા વાઈઝ ચર્ચા કરીએ : [1] માની લો કે મનમોહનસિંહ વડાપ્રધાન હોત તો ‘શબવાહિની ગંગા’ ઉત્તમ/સર્વશ્રેષ્ઠ કવિતા તરીકે તમે પોંખત કે નહીં? જવાબ આપો. તો તમને અરાજકતાને બદલે સર્જકતા દેખાતી હોત કે નહીં? હાલના વડાપ્રધાને; તત્કાલિન PM મનમોહનસિંહ વિશે સરકારી ખર્ચે યોજાયેલ જાહેરમંચ ઉપરથી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી તે શું સંસ્કૃતિ કહેવાય? વિપક્ષના નેતા સોનિયાજી માટે ‘કોંગ્રેસની વિધવા’ શબ્દો રંગા-બિલ્લા જ બોલી શકે; બીજા કોઈ બોલી શકે ખરા? બોલો. ‘શબવાહિની ગંગા’ સાચી જનવાદી કવિતા છે. આ કવિતાએ શાસકનો ચહેરો ખૂલ્લો કર્યો છે; લોકોને જાગૃત કર્યા છે; લેખક તરીકે અને નાગરિક તરીકે રાજી થવું જોઈએ; બળતરા શામાટે? [2] ‘કેટલાંક તત્વો’ને ‘શબવાહિની ગંગા’ કવિતા લાગતી હોય તો; ‘કેટલાંક’ની ચિંતા કેમ કરો છો? કેટલાંક તત્વો કવિતા થકી; શું સમાજને છિન્નભિન્ન કરી શકે? સરકાર પાસે IT Cell છે/કોર્પોરેટ મીડિયા છે/ગોદી પત્રકારો-લેખકો છે/પબ્લિસિટી માટે સરકારી પ્રકાશનો છે/હોર્ડિંગ છે/આકાશવાણી છે/દૂરદર્શન છે; છતાં એક નાનકડી કવિતાથી સનેપાત કેમ ઉપડ્યો છે? [3] ‘શબવાહિની ગંગા’ કાવ્ય જ ન હોય તો આટલી ચિંતા કેમ કરો છો? ‘વ્યર્થ આક્રોશ’ સામે ઝેરીલો આક્રોશ કેમ? નાનકડી કવિતા ભારતીય પ્રજા/લોકતંત્ર/સમાજને લાંછન કઈ રીતે લગાડી શકે? શબ્દોનું તિકડમ હોય; પ્રાસનો ત્રાસ હોય તો ચિંતા શામાટે કરો છો? લોકોને ગમશે તો કવિતાને માણશે. લોકોની વિવેકબુદ્ધિ ઉપર છોડોને ! શામાટે ટ્રોલસેના દ્વારા મા-બેનની ગાળો આપવાની ઝૂંબેશ કરવામાં આવે છે? આ કેવો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ?

આ પણ વાંચો : પોલીસ સુધારણા ન થાય તો લોકશાહી બચી શકે નહીં !

Gujarat sahitya accedami

Gujarat sahitya accedami

[4] ગૌરી લંકેશની હત્યા પછી એક ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી’એ સોશિયલ મીડિયામાં તેને ‘કૂતરી’ કહી ત્યારે વડાપ્રધાને તેનું સમર્થન કરેલ; તે ભૂલી ગયા? વડાપ્રધાને, એક મહિલાને 50 લાખની ગર્લફ્રેન્ડ કહીને ઊતારી પાડી; તે ભૂલી ગયા? નેતાઓ મર્યાદા મૂકી દે તે ચાલે; અને કવિતામાં નેતાના ચરિત્રને ઉઘાડું કરે તો વાંધો શામાટે? ગાંધીજીએ કહ્યું હતું કે ચોરને ચોર કહેવાનાં બદનક્ષી થતી નથી. રંગા-બિલ્લા જેવા ગુનાહિત કામો કરનારને રંગા-બિલ્લા કહે તો વાંધો શું? નીચલી અદાલતે કેસ ચલાવ્યા વિના જ સત્તાપક્ષના નેતાને ‘ત્રિપલ મર્ડર’ કેસમાં/ સુપ્રિમકોર્ટે ‘લાર્જર કોન્સપરન્સી’ કહીને ત્રણ મર્ડર કેસ ‘ક્લબ’ કરેલ; તે કેસમાં છોડી મૂક્યા ત્યારે ઉપલી કોર્ટમાં અપીલ નહીં કરવા CBIના હાથ કચકચાવીને બાંધી દેનારને શું કહીશું? બોલો. શું લોકપ્રતિનિધિ દેવદૂત હોય છે? બિહાર/ઉત્તરપ્રદેશ/ગુજરાતમાં ગુંડાઓ ચૂંટાતા નથી? લતીફ કેટલી જગ્યાએથી યૂંટાયો હતો? લોકપ્રતિનિધિ બદમાશ હોય/નાગો હોય તો તેને મૂળ રુપે પોંખવાનો નાગરિકને હક્ક છે. ‘રંગા-બિલ્લા’ અને ‘રાજા મેરા નંગા’ શબ્દો જ કવિતાને જનવાદી બનાવે છે. વડાપ્રધાનની આલોચના કરવાથી કોઈ ‘લિટરરી નક્સલ’ કઈ રીતે બની જાય? આ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ તો હાલના વડાપ્રધાનને તો ‘મહાનક્સલ’ કહી શકાય; કેમકે તેમણે 2014 પહેલા તત્કાલિન PM મનમોહનસિંહને સવાર/બપોર/સાંજ અભદ્ર શબ્દોમાં ટીકા કરતા હતા ! તમારી સંકીર્ણ વિચારધારા સાથે સહમત ન હોય તેને રાષ્ટ્રીય વિચારધારાના વિરોધી કઈ રીતે કહી શકો? શું તમને તેનો ઠેકો મળ્યો છે? ધર્મવાદ ફેલાવનારા/લિંચિગ કરનારા અવ્યવસ્થા/અરાજકતા ફેલાવે છે કે નાનકડી કવિતા? સર્જક તો ઈશ્વર સાથે ઝઘડો કરી શકે; ‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ એવું ચોખ્ખું ચોપડાવી દે; તો સર્જક શાસકને રંગા-બિલ્લા ન કહી શકે? બોલો. [5] ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ બન્ને વિરોધાભાસી વિચારધારા છે. તમે જ કહો, ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના હોય તો લિચિંગની ઘટના બને? લધુમતી સમુદાયની બાળકી ઉપર ગેંગ રેપ કરનારાઓના સમર્થનમાં ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ’ રેલી કાઢે? ‘વસુધૈવ કુટુમ્બકમ્’માં નફરતની ખેતી હોઈ શકે ખરી? વિવેકની વાત કરનાર 80 વર્ષના સ્વામિ અગ્નિવેશનું વસ્ત્રાહરણ કરી તેમને ગાળો આપે/માર મારે ખરા? સત્યની અનુભૂતિ કવિતામાં પ્રગટે ત્યારે કવિતા રચાતી હોય છે. એટલે જ ‘શબવાહિની ગંગા’ ભાવકોને ગમી છે. [6] ચાપલૂસી સમાજને નુકશાન કરે છે. શાસકોની આલોચના કરતી કવિતાથી સમાજને ફાયદો થાય છે. લોકસમજણ એ જ લોકતંત્રનો પ્રાણ છે. ‘શબવાહિની ગંગા’ જેવી રચના સાથે અકાદમી/શબ્દસૃષ્ટિ સંમત ન થાય તે સમજી શકાય તેમ છે. અકાદમીની રચના જ શાસકની/સત્તાની વાહવાહી માટે થઈ છે. સવાલ એ છે કે શું સાહિત્ય અકાદમી પણ ‘ભક્તો’ ઘડનારી ફેક્ટરી છે?rs

Leave a Reply

%d bloggers like this: