ગુજરાતમાં કોરોના સાથે મ્યુકરમાઇકોસિસનો પણ કાળો કેર, એક જ દિવસમાં 100થી વધુ કેસ

કોરોના રિકવર દર્દીઓ માટે વધુ એક બીમારી જીવલેણ બની રહી છે. આ બીમારી એટલે મ્યુકરમાઇકોસિસ. આ બીમારીને કારણે ગુજરાતમાં ઘણા દર્દીઓએ આંખો ગુમાવવાની નોબત આવી છે. ગુજરાતમાં કોરોના મહામારીનો છેલ્લા દોઢ વર્ષથી કહેર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે કોરોના પછી મ્યુકરમાઇકોસિસથી દિવસે ને દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 24 કલાકમાં મ્યુકર માઇકોસિસના 100થી વધુ નવા કેસ સામે આવ્યા છે.

વડોદરામાં મ્યુકરમાઇકોસિસને કારણે બે દર્દીની આંખો કાઢવાની ફરજ પડી હતી. રાજ્યમાં 700થી વધુ દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર હેઠળ છે. અનેક હોસ્પિટલમાં હવે મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શન અને દવા પણ મળતી ના હોવાની ફરિયાદો વધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઇકોસિસ માટે કુલ ચાર વોર્ડમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. શનિવાર મોડી સાંજે મ્યુકર માઇકોસિસના નવા 40 દર્દીનો વધારો થયો હતો. જેમાં કેટલાક દર્દીના ગંભીર ઓપરેશન પણ કરવા પડ્યા હતા. રાજકોટમાં પણ મ્યુકર માઇકોસિસના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં મ્યુકર માઇકોસિસના 45 નવા કેસ સામે આવ્યા હતા. વડોદરામાં બે દર્દીમાં મ્યુકર માઇકોસિસ વકરતા સર્જરી કરીને તેમની આંખો કાઢી લેવી પડી હતી. સુરતમાં પણ મ્યુકર માઇકોસિસના 10થી વધુ નવા કેસ એક જ દિવસમાં નોંધાયા છે.

આ પણ વાંચો – કાજલબેન ! લોકો રંગા-બિલ્લા નથી !

આ બીમારી કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોને થઇ રહી છે, જે દર્દીને કોરોનાના નજીકના સમયમાં બીમારી થઇ હોય તથા દર્દીને ડાયાબીટીસ હોય કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય અને દર્દીનું બ્લડશુગર લેવલ કંટ્રોલમાં ના હોય તો દર્દીનું ઇમ્યુનિટી પ્રમાણ ઓછુ થવાથી મ્યુકોર માઇકોસિસ બીમારી થવાનો ભય રહે છે. ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઇકોસિસ નામનો રોગ ફક્ત કોરોના માંથી સાજા થયેલા દર્દીઓને જ થાય એવું નથી, આ રોગ જે દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય અને અન્ય કોઈ ગંભીર રોગ હોય તેઓને પણ આ રોગ થવાની શક્યતા રહેલી છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ રોગના કેસ વધ્યા છે અને કોરોનાના દર્દીઓને હાલ મ્યુકરમાઇકોસિસ રોગ વધુ થઈ રહ્યો હોવાનુ જાણવા મળેલ છે.

મ્યુકરમાઇકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે. જે અંગે દમણના જાણીતા ફિઝિશિયન ડૉ. મયુર મોડાસિયાએ જણાવ્યું હતું કે આ બીમારી જૂની છે. હાલમાં કોવિડમાંથી સાજા થયેલા ડાયાબીટીસ પેશન્ટમાં તે વધુ જોવા મળે છે.જે દર્દીને ડાયાબીટીસ હોય અને તે કોરોનાની ઝપેટે આવ્યા બાદ તેને વેન્ટિલેટર પર સારવાર આપી હોય, વધુ પડતું સ્ટીરોઇડ આપ્યું હોય અથવા જરૂર ના હોવા છતાં આપ્યું હોય તેવા દર્દીને કોરોના સારવારમાં સાજા થયા બાદ મ્યુકરમાઇકોસિસ થવાના ચાન્સ વધુ હોય છેઃ ડૉ. મયુર મોડાસિયા, ફિઝિશિયન

મોટા ભાગના કેસમાં એક કરતાં વધુ ડૉક્ટરની જરૂર પડે છે જેમ કે, ઈન્ફેક્શન ડિસિઝ એક્સપર્ટ, ENT સર્જન, મેક્સિલોફેસિયલ સર્જન, ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ. વળી સારવાર લાંબી ચાલતી હોવાથી રૂપિયા 5 લાખથી 30 લાખ સુધીનો ખર્ચ થાય છે. જેથી ગરીબ દર્દીઓ માટે તેની સારવાર મુશ્કેલ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *