સરકારનું કાગળ પર ફુલગુલાબી ચિત્ર,  જમીની વાસ્તવિકતા અલગ છે, મેદાન પર ઉતરી કામ કરવાની જરૂર : હાઇકોર્ટ

કોરોનાની બીજી લહેર સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં કાલે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે સરકારને કહ્યું હતું કે આગામી પંદર દિવસમાં કેસની સંખ્યા પાંચ લાખ થાય તેવી શક્યતા છે, પરંતુ સરકાર પાસે કોઇ નક્કર તૈયારી નથી. ‘આઇવરી ટાવર’ પર બેસીને એટલે કે જ્યાં કોઇ ચિંતા કે મુશ્કેલીનો અનુભવ ન થાય તેવાં પદ પર બેસીને આયોજન કરવાથી કંઇ થતું નથી. અત્યારે જમીની વાસ્તવિકતાને સમજી મેદાનમાં ઉતરી કામગીરી કરવાની જરૃર છે. સરકાર તેના સોગંદમામાં ફૂલગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિનો કોઇ ઉલ્લેખ નથી. અમે એવું નથી કહેતાં કે સરકાર કાંઇ કરી રહી નથી પરંતુ જે પ્રયત્નો થઇ રહ્યાં છે તે પારદર્શક અને સંતોષકારક નથી, તેથી મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. સરકાર વધુ વિચારણીય, વાસ્તવિક અને અર્થસભર કામગીરી કરશે તો લોકો હોસ્પિટલોની બહાર લાઇનમાં સારવાર વગર મરશે નહીં. કોર્ટે આગામી સુનાવણી ચોથી મેના રોજ નિયત કરી છે.

વિવિધ અરજદારો તરફથી ઉઠાવાયેલા મુદ્દા

રાજ્ય સરકાર કહી રહી છે કે ગુજરાતમાં કુલ ૬૮૭ ૧૦૮ છે પરંતુ રાજ્યમાં રોજ ૨૦૯૫ ઇમરજન્સી કેસ આવે છે તો આ પરિસ્થિતિ દર્શાવે છે કે સરકાર પાસે પૂરતી વ્યવસ્થા નથી. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ હોસ્પિટલોમાં અમદાવાદના રહેવાસીઓને જ દાખલ કરવાનો નિર્ણય અવિચારણીય છે. કોર્પોરેશન હેઠળની ચારેય હોસ્પિટલોની ક્ષમતા ૨૫૦૦ બેડની છે અને ત્યાં નિષ્ણાત તબીબો ઉપલબ્ધ છે. આ હોસ્પિટલોમાં તમામ જરૃરિયાતમંદ દર્દીઓને સારવાર મળે તે જરૃરી છે. ગત દિવસોના આંકડાઓ પર નજર કરવામાં આવે તો ગુજરાતને તેની માગ કરતા થોડો ઓછો પુરવઠો મળી રહ્યો હતો, આ તફાવત સમજી શકાય તેમ છે. જો કે હવે માગની સરખામણીમાં મળતા પુરવઠામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી આ અંગે જરૃરી પગલાં લેવામાં આવે તે જરૃરી છે

રાજ્ય સરકાર તેમજ તમામ અરજદારોને સાંભળી હાઇકોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એમ કહી રહી છે કે દર્દીઓને જલદી સારવાર મળી રહે તે માટે ૧૦૮ની વ્યવસ્થા છે. જો દર્દી તેમના વાહનમાં આવે અને જે-તે હોસ્પિટલમાં જગ્યા ન હોય તો હોસ્પિટલે-હોસ્પિટલે ફરવું પડે. તેથી ૧૦૮ના સ્ટાફ પાસે માહિતી હોય છે કે કઇ હોસ્પિટલમાં જગ્યા ખાલી છે, જેના આધારે દર્દીને ત્યાં લઇ જવામાં આવે છે. આ આયોજન કરતા સરકારે દરેક હોસ્પિટલ બહાર ડેશબોર્ડ બનાવવું જોઇએ, જેમાં હોસ્પિટલમાં કેટલાં બેડ ખાલી છે તેની માહિતી હોય, આમ આવી સુવિધાના કારણે દર્દીઓને હોસ્પિટલે-હોસ્પિટલે ફરવાનો વારો નહીં આવે. અમદાવાદમાં ૧૦૮થી જ આવનારા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિયમ ન હોવો જોઇએ. આ ઉપરાંત અમદાવાદનું જ આધાર કાર્ડ ધરાવતા દર્દીઓને કોર્પોરેશનની ચારેય હોસ્પિટલોમાં દાખલ કરવાનો નિર્ણય પણ વાજબી નથી. સરકાર આ અંગે ફરી પગલાં અને આયોજન કરી આવાતા અઠવાડિયાની સુનાવણીમાં કોર્ટને જાણકારી આપે. કેસની વધુ સુનાવણી ચોથી મેના રોજ હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *