ગામોમાં રોજના 4થી 5 લોકો મરે છે, શું કરી રહી છે સરકાર? – ગુજરાત હાઈકોર્ટ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો પર ઓનલાઈન સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા એફિડેવિટ પર સિનિયર એડવોકેટ પર્સી કવીનાએ ધારદાર રજૂઆત કરી હતી. બીજી તરફ એડવોકેટ જનરલે રજૂઆત કરી કે, કોરોના વાઈરસની ચેન તોડવા માટે સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ઘટ્યા, તે વાત સાચી, પરંતુ જેમનામાં કોરોનાના કોઈ લક્ષણ ના હોય તેવા લોકો ટેસ્ટિંગ નથી કરાવતા. આથી ટેસ્ટિંગની સંખ્યા ઘટી હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યની 15 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે, જ્યારે અન્ય 6 યુનિવર્સિટીમાં આગામી અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે. આ સાથે રાજ્યમાં ઑક્સિજનની માંગ ઘટી છે.

જેની સામે કોર્ટે સવાલ પૂછ્યો કે, જ્યાં પુરતી સુવિધાઓ નથી ત્યાં અને ગ્રામીણ વિસ્તારોમાં પોઝિટિવ કેસો સતત વધી રહ્યાં છે. તેના માટે શું તૈયારી છે?આ જવાબની પુરતી વિગતો ભરીને સોગંદનામુ રજૂ કરો. જસ્ટિસ ભાર્ગવ કારિયાએ જણાવ્યું કે, અમારી પાસે રહેલી માહિતી મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. એક ગામમાં દરરોજ 4-5 લોકો મોતને ભેટી રહ્યાં છે. ગામડાઓમાં લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અંગેની પણ જાણકારી નથી હોતી. આ માટે સરકાર શું કરી રહી છે? રેમડેસિવિર ઈન્જેક્શનની અછત મુદ્દે જસ્ટિસ કારિયાએ સરકારને સવાલ પૂછ્યો કે, દરરોજ 25 હજાર રેમડેસિવિરની જરૂર છે, જેની સામે 16,115 જ ઈન્જેક્શનો મળી રહ્યા છે. શું સરકાર ઈન્જેક્શનના અભાવે દર્દીઓને મરવા દેશે? આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ કો-ઓર્ડિનેશન દેખાતું નથી.

આ પણ વાંચો – ટ્રેનમાં બે છોકરાઓએ ‘મેરે રશ્કે કમર’ વાઈરલ વીડીયો વારંવાર જોવામાં આવી રહ્યા છે વીડિયો

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન વતી પર્સી કવિનાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે સરકાર પાસે કોઈ આયોજન નથી. સરકારમાં લીડરશિપનો પણ અભાવ જોવા મળે છે. સરકારે કંઈ વિચાર્યા વિના કોરોના ટેસ્ટિંગમાં ઘટાડો કરી દીધો છે. આ સાથે જ મોતના આંકડાનું અંડર રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જેમને કોવિડની કામગીરી સોંપવામાં આવી છે, તે આશાવર્કર બહેનો અને MBBSમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું હજુ સુધી વૅક્સિનેશન નથી કરવામાં આવ્યું. આથી તેમનું પ્રાથમિક ધોરણે રસીકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વૅક્સિનેશન મામલે સરકારનું કોઈ પ્રોપર પ્લાનિંગ નથી.

સરકાર માત્ર માહિતી આપવાનું જ કામ કરે છે, પરંતુ સંપૂર્ણ માહિતી આપતી નથી. રિયલ ટાઈમ પર માત્ર બેડ જ નહીં, તમામ માહિતી ડેશબોર્ડ પર મૂકવી જોઈએ. માત્ર બેડ નહીં, ઑક્સિજનના કેટલા અને વૅન્ટિલેટરના કેટલા બેડ ખાલી તેની પણ માહિતી મળવી જોઈએ. જ્યારે સિનિયર એડવોકેટ મિહિર ઠાકોરે મ્યુકર માઈકોસિસ મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું કે, હાલમાં આ રોગના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે તેના ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ રોગની સારવાર માટે એક ઈન્જેક્શન 7000 રૂપિયાનું આવે છે અને દર્દીને 100 જેટલા આપવા જરૂરી છે. એવામાં હાલ સરકાર પાસે માત્ર 5000 જેટલા જ ઈન્જેક્શનો છે. કેન્દ્ર તરફથી મળતો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ દિન-પ્રતિદિન ઘટી રહ્યો છે. રેમડેસિવિરની કાળાબજારીયાઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે. હાલ રાજ્યમાં એવી સ્થિતિ છે કે, રેમડેસિવિલનો આજે ઓર્ડર કરો તો બીજા દિવસે તે દવા દર્દીને મળે છે.

ગામડામાં તો જાણે મોતનું તાંડવ….! – નેલ્સન પરમાર, ધ હાર્ટ

અમારાં નજીકના સંબધીના ઘરમાં છેલ્લા એક મહિનામાં જ પહેલા કુટુંબમાં ભાઈ ઓફ થઈ ગયાં પછી એમના મમ્મી ઓફ થઈ ગયાં, પછી કુટુંબના એક ભાઈ ઓફ થઈ ગયાં પછી આજે એક બહેન ઓફ થઈ ગઈ એમ એક જ કુટુંબમાં એક સાથે એક જ મહિનામાં ઉપરાછાપરી ચાર મરણ થયાં…..! આ તો એક જ કુટુંબની વાત કરી પણ અમારાં ગામની વાત કરું તો પાછલાં એક મહિનાથી દરરોજ એક બે વ્યક્તિ મરણ પામે છે. આજુબાજુના ગામડાંના પુછ્યું તો બધે જ આ પરિસ્થિતિ છે. અમારાં ગામમાં જ છેલ્લા ત્રીસ એક લોકો મરણ પામ્યા હશે. બધાં જ ગામમાં આવી હાલત છે. ભલે સરકારી ચોપડે આ આંકડાં ન નોંધાયા હોય, મુખ્યમંત્રી દાવો કરતાં હોય કે કોઈ ઓક્સિજનની અછતથી મર્યા નથી. પણ આ એકદમ ખોટી વાત છે. વિચારો શહેરમાં આટલી તકલીફ હતી તો ગામડાંની શું હાલત હશે? શહેરના લોકો તો ફેમીલી ડોક્ટર પણ રાખતાં હોય છે જાણે ગામડાના લોકો તો દવાખાન જવાનું પણ ટાળે છે. હજું એટલી જાગૃતિ નથી કે, સારવાર કરાવે, ગામડાંના લોકો હજૂય પણ એવું વિચારે છે ને હોસ્પિટલ જવાથી મોત થાય છે એટલે હોસ્પિટલ જવાનું ટાળે છે. પ્રાથમિક સુવિધાઓ નો પણ જે ગામમાં અભાવ હોય ત્યાં તમે શું આશા રાખી શકો? સરકારી ચોપડે ન નોંધાયેલ આ આંકડાઓ લાખોની સંખ્યામાં છે. તોય કહેવું પડે ‘સબ ચાંગા હૈ’ હકીકત આપણે સહુ જાણીએ છીએ પણ આપણે જાણી જોઈને આંધળા બનીએ છીએ. સરકાર નિષ્ફળ જ છે એમાં કોઈ બેમત નથી, ગામડાની પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે એને નજર અંદાજ ન કરી શકીએ.

દેખી સફેદ કપડું જાણે કોઈનું મડદું,
મરવાનું ન્હોતું, શોધો હત્યાનું પગેરું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *