GPSC; મેરિટવાળાને કઈ રીતે અન્યાય કરે છે?

1985 પહેલા GPSC-ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ-1/2ની ભરતી માટે 600 માર્ક્સની લેખિત પરીક્ષા હતી; તેની સામે 200 માર્ક્સનું ઓરલ હતું; પસંદગીના ઉમેદવારોને 200માંથી 150 સુધી માર્ક્સ આપવામાં આવતા; ફેઈલ થનારને ઓરલમાં માત્ર 20-25 માર્ક્સ મળતા ! એટલે મૌખિક પરિક્ષા વેળાએ ઘણું બધું આઘુંપાછું થતું ! રિટનમાં સૌથી વધુ માર્ક્સ હોય છતાં ઓરલમાં ફેઈલ થનારાઓ હાઈકોર્ટ પહોંચ્યા. હાઈકોર્ટે ઠરાવ્યું કે ‘રિટનના પ્રમાણમાં મૌખિક પરિક્ષા 80 માર્ક્સની જ રાખી શકાય. 12.5% થી વધુ ગુણ મૌખિક પરિક્ષામાં રાખી શકાય નહીં.’ તે પછી 80 માર્ક્સનું ઓરલ કરવામાં આવ્યું ! આ નવી સીસ્ટમથી કેટલાંય મેરિટવાળા ઉમેદવારો ક્લાસ-1માં સીલેક્ટ થયા; જેમાં હું પણ હતો. હાલે GPSC ક્લાસ-1/2ની સ્પર્ધાત્મક પરિક્ષામાં 900 માર્ક્સની લેખિત પરીક્ષા છે અને 100 ગુણની મૌખિક પરિક્ષા છે; મેરિટ 1000 ગુણમાંથી બને છે.

ઊંટે કાઢ્યા ઢેકા, તો માણસે કર્યા કાંઠા; એ કહેવત GPSCએ ચરિતાર્થ કરી છે ! કેવી ચતુરાઈ કરી છે? 19 સપ્ટેમ્બર 2020ના રોજ જયેશ વરિયાએ GPSCના ચેરમેનને પત્ર લખ્યો છે અને તેની જાણ રાજ્યના ગવર્નર/CMને કરી છે. આ પત્ર સ્ફોટક છે. GPSCએ વર્ષ 2016/17 માં ગુજરાતી વિષયના મદદનીશ પ્રોફેસરની જાહેરખબર આપી હતી. રિટન 300 ગુણનું અને ઓરલ 100 ગુણનું હતું. 300ના પ્રમાણમાં 100 ગુણ ! GPSCએ કાંઠો કર્યો ! આટલેથી સંતોષ ન થયો અને મેરિટવાળા ઉમેદવારોને અન્યાય કરવા અને પસંદગીના ઉમેદવારોને સીલેક્ટ કરવા GPSCએ વધુ એક કાંઠો કર્યો ! 300 માર્ક્સના રિટનના ગુણભાર 50 નક્કી કર્યા અને 100 માર્ક્સના ઓરલના ગુણભાર 50 નક્કી કર્યા ! મતલબ કે રિટન અને ઓરલ પરિક્ષા સરખી ! મતલબ કે રિટનમાં ભલે મેરિટ હોય; પણ ઓરલમાં વધુ ગુણ આપીને પસંદગીના નબળા ઉમેદવારને સીલેક્ટ કરી શકાય અને મેરિટવાળા ઉમેદવારને બેરોજગાર રાખી શકાય ! કેવી ચતુરાઈ !

GPSCનો દાવો છે કે ઈન્ટરવ્યૂ વેળાએ કોડ આપીને ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને પારદર્શક બનાવી છે ! જયેશ વરિયા ચેરમેનને પૂછે છે : ‘કોડ આપીને આપ ઉમેદવારોનો ચહેરો, પ્લાસ્ટિક સર્જરી વિના જ કઈ રીતે બદલી શકો છો? 97 ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવા માટે જ્યારે GPSC તરફથી એક જ પેનલ હોય/સાત દિવસ ઇન્ટરવ્યૂ ચાલે/પેનલમાં ફિક્સ ત્રણ તજજ્ઞ હોય ત્યારે કોડ આપવાનો શું અર્થ? ઓળખાણવાળા/ ધનિષ્ઠ સંબંઘવાળા ઉમેદવારોને ઓરલમાં 50 ગુણમાંથી 30-33 ગુણ અને રિટનમાં મેરિટમાં હોય તેને ઓરલમાં માત્ર 5-9 ગુણ?’ રિટનમાં ત્રીજા ક્રમાંકે આવેલ અરવિંદ ઠાકોરને રિટનમાં ગુણભાર 30.18 હતો; જ્યારે ઓરલમાં માત્ર 7.5 ગુણ; જેથી તેમની પસંદગી ન થઈ ! જયેશ વરિયા મેરિટમાં 19માં ક્રમાંકે હતા, રિટનમાં ગુણભાર 26.82 હતો; જ્યારે ઓરલમાં માત્ર 9.5 ગુણ ! 26 જગ્યા ભરવાની હતી; રિટનમાં 19મો ક્ર્માંક હતો પરંતુ ઓરલમાં ઓછા ગુણ મળવાથી તેની પસંદગી ન થઈ ! મતલબ કે મેરિટવાળા ઉમેદવારને અન્યાય કરવા GPSCએ ગુણભારનો કાંઠો ઊભો કરી દીધો છે ! આ તો મદદનીશ પ્રોફેસરની જગ્યાની વાત છે; GPSC દ્વારા બીજી અનેક જગ્યાઓની ભરતી થાય છે; તેમાં આ ‘ગુણભારના કાંઠા’એ/‘ગુણભારની ચતુરાઈ’એ, કેટલાંય મેરિટવાળા યુવાનોની જિંદગી બગાડી હશે? શામાટે GPSC ગુણભારનું તૂત ચલાવે છે? યુવાનો જાગો, નહીંતો અન્યાય ચાલુ જ રહેશે !rs

– રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી )

Leave a Reply

%d bloggers like this: