આંકડાની માયાજાળ થકી સુશાસન ! જાદુગરો જ નહીં; સરકાર પણ મેજિક કરી શકે છે !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : જાદુગરો જ નહીં; સરકાર પણ મેજિક કરી શકે છે ! ઉત્તરપ્રદેશમાં, મે-2021માં ગંગા નદીમાં હજારો લાશ તરતી હોય કે ગંગાના પટમાં હજારો લાશ દફનાવેલ હોય છતાં જુલાઈ- 2021માં ઉત્તરપ્રદેશ દેશમાં નંબર-1 બની જાય છે ! આવો ચમત્કાર ખુદ ઈશ્વર પણ ન કરી શકે ! તમે નહીં માનો. હમણા જ રજૂ થયેલ PLFS-Periodic Labour Force Survey દેશને એ બતાવવાની કોશિશ કરે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં LFPR-Labour Force Participation Rate અને unemployment rate સુધર્યો છે ! આ સર્વેને વાસ્તવિકતા સાથે કંઈ સંબંધ નથી. વાસ્તવમાં બેકારીના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. દેશ બેરોજગારીના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે unemployment rate સુધર્યો છે; તેમ કહેનાર પેંતરાબાજી કરનાર જાદુગર જ હોઈ શકે ! કોરોના મહામારી આવી તે પહેલા જ બેરોજગારી વધી ગઈ હતી, એટલે LFPR અને unemployment rate ને ખરાબ કરી દીધો હતો; જ્યારે દેશની અર્થવ્યવસ્થા ઐતિહાસિક પડતીમાં પસાર થઈ રહી હોય; 2019-20માં વિકાસ દર પણ ઘટીને માત્ર 4.2% જ રહ્યો હોય ત્યારે unemployment rateમાં સુધારો કઈ રીતે શક્ય બને?

આ પણ વાંચો : ડોનેશન માટે અપીલ :  ક્રાઉડ ફંડીંગ એટલે શું? ઓનલાઇન કેમ કરી શકાય? ફાયદો શું? – જાણો વિગતે

દેશમાં વડાપ્રધાન; ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં આંકડાની jugglery/માયાજાળ થકી સુશાસનનું જંગલ ઊગી નીકળ્યું છે ! કોરોના મહામારીની બીજી લહેરમાં દેશમાં કેટલા લોકોના મોત થયા તેના સાચા આંકડા કેન્દ્ર સરકાર પાસે/ઉત્તરપ્રદેશ કે ગુજરાત સરકાર પાસે નથી. કેટલા લોકોના મોત ઓક્સિજનની અછતના કારણે થયા, તેના આંકડા નથી. છેલ્લા ત્રણ વરસમાં કેટલા લોકોની રોજગારી જતી રહી, તેના આંકડા નથી. માર્ચ- 2021માં, સરકારે રાજ્યસભાને જણાવેલ કે “દેશમાં હાથથી મેલું સાફ કરનાર સફાઈ કર્મચારીઓની સંખ્યા 66,692 છે; પરંતુ ગટર સફાઈ કરતા કોઈ સફાઈ કામદારનું મોત થયું નથી !” ગટરમાં ઊતરી સફાઈ કરનારને સરકાર ‘મેલું ઉપાડનાર’ ગણતી નથી ! ઉત્તરપ્રદેશમાં જ 37,379 હાથથી મેલું સાફ કરનાર સફાઈ કર્મચારીઓ છે; છતાં તે દેશમાં નંબર-1; આનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? સરકાર પાસે એ આંકડા છે કે કેન્દ્ર સરકાર કઈ રીતે ઐતિહાસિક કામ કરી રહી છે; ઉત્તરપ્રદેશ કઈ રીતે નંબર-1 છે; ગુજરાત સરકારે પાંચ વરસમાં કેટલું અદ્વિતીય કામ કર્યું છે ! દરેક ચાર રસ્તા ઉપર હોર્ડિંગમાં સરકારી આંકડાઓ જોવા મળે છે ! ટૂંકમાં સાચા આંકડા છૂપાવીને; અનુકૂળ આંકડાઓની માળાજાળ રચીને લોકોને નશીલા ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ડોઝની કિંમત કરોડો રુપિયા છે, જે લોકોના ટેક્સના પૈસા છે.

Corona

એપ્રિલ-2020 થી માર્ચ-2021 સુધીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ ટીવી ચેનલોને 160 કરોડ રુપિયાની જાહેરખબર આપી હતી ! ઉત્તરપ્રદેશ સરકારે; મે-2020 માં કેન્દ્ર સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન શરુ કરેલ તેના પ્રચાર માટે આ ખર્ચ કર્યો હતો ! શું આવા બાદશાહી ખર્ચાથી દેશ આત્મનિર્ભર બની શકે? ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની છબિ ચકચકિત કરવા સરકારી નાણાંનો બગાડ કરે છે. વડાપ્રધાન પોતાની જાહેરખબર માટે જે સરકારી નાણા ખર્ચે છે તેનો આંકડો તો આકાશે પહોંચે તેટલો છે ! જ્યારે દેશના લોકોને શિક્ષણ અને આરોગ્ય સેવાના ફાંફા હોય તે સ્થિતિમાં લોકોના ટેક્સના પૈસા વેડફે તે સીરિયસ ક્રાઈમ છે જ; પરંતુ આ જાહેરખબરો દ્વારા જૂઠા આંકડાઓની માળાજાળ રચી લોકોને ભ્રમિત કરવામાં આવે છે તે અતિ વાંધાજનક છે. સત્તાપક્ષના આ વિશેષાધિકાર ઉપર નિયંત્રણ મૂકવું જ જોઈએ; તો જ લોકશાહી બચી શકે તેમ છે. ભ્રમિત લોકો સાચા PM/CM મેળવી શકે નહીં ! દરેક સરકાર પાસે પોતાનું મેગેઝિન હોય છે; પોતાની વેબસાઈટ હોય છે; લોકો સરકારની કામગીરી ત્યાંથી જાણી શકે છે. પરંતુ સરકારી મેગેઝિન કોઈ વાંચતું નથી; સરકારી વેબસાઈટ કોઈ જોતું નથી; એટલે સરકાર સરકારી નાણાંથી ઢોલ પીટે છે ! સરકારી જાહેરખબરો/હોર્ડિંગ/બેનર/પોસ્ટર દ્વારા નિષ્ફળ નેતાઓના ડાધ દૂર કરી તેમને ચકચકિત કરવામાં આવે છે ! સરકારી જાહેરખબરો એટલે કટાઈ ગયેલ વાસણોની કલઈ !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *