ગોધરાની મેકકેબ મેમોરિયલ સ્કૂલે લઘુમતીનો દરજ્જો મેળવવા બોગસ પ્રમાણપત્ર બનાવ્યું, જવાબદાર સામે FIR

  • ટ્રસ્ટીઓએ વડોદરાની હિલ મેમોરિયલ શાળાના પ્રમાણપત્રમાં ચેડાં કરીને બોગસ પ્રમાણપત્ર બનાવી સરકારી સહાયો પ્રાપ્ત કરી
  • બોર્ડની તપાસમાં લઘુમતીના બોગસ પ્રમાણપત્રનો ઘટસ્ફોટ : DEO કચેરીના શિક્ષણ નિરીક્ષકે ફરિયાદ નોંધાવી

દિવ્યભાસ્કર :  પંચમહાલનાના ગોધરા શહેરના દાહોદ રોડ પરની મેકકેબ મેમોરીયલ શાળાના જે તે વખતના ટ્રસ્ટીઅે બોગસ લધુમતિ પ્રમાણપત્ર રજુ કરીને શાળાનો 27 વર્ષ સુઘી લધુમતિ દરજ્જો મેળવીને સરકારી સહાય મેળવીને ખોટા પ્રમાણપત્રને સાચા તરીકે બતાવી પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કરતાં શાળાના પ્રમુખ, મંત્રી તથા આચાર્ય સામે પોલીસ ફરીયાદ નોધાઇ હતી. ગોધરાના દાહોદ રોડ પરની મેથોડીસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયા ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ વાવડી બુજર્ગ ગોધરા સંચાલિત મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ દ્વારા શાળાના શિક્ષકોને કાયમી બહાલીના હુકમ માટે અને માઇનોરીટી સર્ટી મેળવવાની દરખાસ્ત પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં કરી હતી. જેના માટે પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. જ્યાં કચેરીએ શાળના લધુમતી પ્રમાણપત્રની ખરાઇ કરતાં પ્રમાણપત્રમાં સહી સાચી ન હોવાનું જણાયું હતું. તપાસમાં શાળા દ્વારા હિલ મેમોરિયલ હાઈસ્કૂલ ફતેગંજ વડોદરા દ્વારા આપવામાં આવેલા લઘુમતી પ્રમાણપત્રમાં છેડછાડ કરી હિલ મેમોરિયલ હાઈસ્કૂલ, ફતેગંજ વડોદરાની જગ્યાએ મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલનું નામ લખ્યુ હોવાનું બહાર આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂ થયેલા લઘુમતી પ્રમાણપત્ર બનાવટી હોવાનું જાણમાં આવ્યું હતું. જેનો તેઓએ પોતાના અંગત ફાયદા માટે સાચા દર્શાવીને ઉપયોગ કરી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂ કર્યું હતું.

સ્કૂલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતા પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક જીગ્નેશકુમાર પટેલ દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે શાળાના પ્રમુખ રેવ.સાયમન જે.કિશ્ચયન, મંત્રી રેવ.ઇમાનુ એલ.એસે.કાન્ત તથા આચાર્ય સુરેશભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોધાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રકારની ફરીયાદ નોંધાવામાં આવતાં સમગ્ર પંથકમાં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. દિવસભર લોકમુખે આ બનાવની ચર્ચા ચાલી હતી સાથે વિદ્યાર્થીઓનું શું તેવા પ્રશ્નો પણ લોકમુખેથી થયા હતાં.

સર્ટિફિકેટ 1977નું છે અને શાળા 1984માં અસ્તિત્વમાં આવી છે
આચાર્ય સુરેશભાઇ પરમારે જણાવ્યું કે, મેકકેબ મેમોરિયલ હાઇસ્કુલ ગોધરાએ ધાર્મિક લઘુમતી સંસ્થા છે જ્યાં 1984 થી 9 થી 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ચાલે છે. સદર સંસ્થાએ કોઈ બનાવટી સર્ટિ રજૂ કરીને એન.ઓ સી, બહાલી કે અન્ય કોઈ લાભો મેળવેલ નથી. સર્ટિ લઘુમતી સંસ્થાનું તા 13/7/1977નું હિલ મેમો. હાઈસ્કુલ વડોદરાનું છે. જે સમયે અમારી શાળાનું અસ્તિત્વ જ નહોતું. અમારી શાળા 15/6/1984ની સ્થાપના છે. શાળા મેનેજમેન્ટ સાથે વાત કરી આગળનો ખુલાસો અને આગળની કાર્યવાહી રજૂ કરીશું.

બોર્ડનો જે નિર્ણય આવશે તે પ્રમાણે કચેરી દ્વારા કાર્યવાહી કરાશે
પંચમહાલ ડીઇઓ ભાનુભાઇ પંચાલે કહ્યું- મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ગોધરાનું લધુમતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસ ફરીયાદ નોધાવી છે. શાળાએ લધુમતી પ્રમાણપત્ર મેળવીને સહાય મેળવી છે. જો માન્યતા રદ થશે તો શાળાના બાળકોને અન્ય શાળા કે અન્ય વ્યવસ્થા કરીશું. અને લધુમતિ દરજ્જાની સહાયની લીધેલી સહાય અંગે બોર્ડનો જે નિર્ણય આવશે તે મુજબની કાર્યવાહી કરીશું.

Leave a Reply

Your email address will not be published.