સામાન્ય‌ વાત જીંદગીની – કેતન પટેલિયા “અદ્રશ્ય”

કેતન પટેલિયા “અદ્રશ્ય” : ડિપ્રેશન (માનસિક તણાવ) એ આપઘાત પાછળ નો કદાચ જવાબદાર કારણ હશે અથવા છે. માનસિક અસ્વસ્થતા કોઈપણ વ્યક્તિને ગમે તે કરવા માટે પ્રેરણા આપતું હોય છે. ડિપ્રેશન કોને ન હોય એક સામાન્ય નાના બાળકથી લઈને કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી વ્યક્તિને ડિપ્રેશન હોય છે. ન્યૂઝમાં જોવા મળતું જ હોય છે કે ફલાણી વ્યક્તિ એ ડિપ્રેશનના કારણે આપઘાત કરી લીધો

તાજેતરમાં જ એક આપઘાતના દુખદ સમાચાર સામે આવેલ છે. બોલિવૂડના અભિનેતા જેઓએ છિછોરે, p.k, કાઈપો છે જેવી હિટ ફિલ્મો આપી હોય તેવા સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આપઘાત કરી લીધો વળી છીછોરે ફિલ્મમાં તો તેઓએ પોતાના કિરદારમાં કરોડો બાળકો ને આપઘાત ન કરાય તેવો ખૂબ જ સારો સંદેશ આપ્યો હતો છતાં આ વ્યક્તિએ આજે પોતે જ આપઘાત કરવાનું પગલું ભરવું પડ્યું. બોલિવૂડના અભિનેતા ને વળી શું ખોટું હોય, કરોડો ચાહકો, અબજો રૂપિયા, સામાન્ય વ્યક્તિની કલ્પના બહાર હોય કદાચ એવી બધી જ બાબતો પોતાની પાસે હોવા છતાં એ અભિનેતાએ આપઘાતનો રસ્તો અપનાવવો પડ્યો.

આપણા જેવા સામાન્ય માણસો પોતાની જિંદગી જીવી રહ્યા છે ત્યારે લાગે છે આ મોટા લોકોને (રૂપિયાવાળા ઓને) ડિપ્રેશન જેવું હશે ખરું?, તેમની જિંદગી કેટલી સારી છે?, તેઓ કેવું સરસ જીવી રહ્યા છે, એમને કંઈ ખોટ નથી, ઈચ્છે તે બધું મેળવી શકે છે વગેરે વગેરે… જેવી બાબતો આપણા મનમાં ઘર કરી ગઈ છે. આપણને આપણી મહામૂલી જિંદગી દયનીય લાગે છે એમાં વળી જો સામાન્ય માણસ તકલીફમાં હોય કે વધુ પડતો તો ડિપ્રેશનમા હોય તો જિંદગી તેને અભિશાપ લાગતી હોય છે તે પોતાની સમજ અનુસાર પોતાની જિંદગીને સમજવા લાગે છે, ડિપ્રેશનમાં વ્યક્તિ પોતાની સારી બાબતોની ભૂલી જાય છે અથવા તેને પણ ખરાબ ઘણી પોતાની જાતને કોશ્યા કરે છે કે મારી જીંદગીમાં જ આ બધી તકલીફો છે, ફલાણો કે ફલાણી વ્યક્તિની જિંદગી જીવવાની પદ્ધતિ કે રીત ભાત જોઈ એની ઇર્ષ્યા કરે છે તેને લાગે છે કે દુનિયાની બધી સમસ્યાઓ માત્ર તેના માટે છે પણ તે જાણતો નથી કે દુનિયામાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ ખોટ છે. જિંદગીમાં દરેક વ્યક્તિ કંઈક વધારે મેળવવાની ઝંખના સેવતો હોય છે કંઈક ન મેળવ્યાં ના દુઃખમાં અને સતત એની ચિંતામાં ને ચિંતામાં વ્યક્તિ માનસિક તણાવ અનુભવે છે, માનસિક તણાવમા ઘણી વખત વ્યક્તિથી સારા-ખોટા નિર્ણયો લેવાતા હોય છે.

જિંદગીથી થાકી ગયેલા લોકો માનસિક તણાવ અનુભવતા હોય છે અને પછી તેઓને જિંદગી છોડી મોત વહાલું લાગતા કદાચ તેઓ આપઘાતનું પગલું ભરતા હોય છે. દર વર્ષે હજારો લોકો આપઘાત કરી લે છે SSC, HSC ની પરીક્ષામાં નાપાસ થયેલા બાળકો, દેવાદારો, ખેડૂતો, વ્યાપારીઓ, સાંસારિક જીવનથી કંટાળી ગયેલા ઘણાં પુરુષો અને મહિલાઓ, ગંભીર બીમારીનો ભોગ બનેલાં ઘણા લોકો, ઘણાં બધા પ્રેમી યુગલો, ઘણાં ખરા કિસ્સામાં મોટા બિઝનેસમેન, ઘણા બેરોજગારો વગેરે લોકોને ભલે અલગ-અલગ કારણો હોય પણ તેમને માનસિક તણાવ તો હોય જ છે. નેવું ટકા લોકો માનસિક તણાવથી જ આત્મહત્યા તરફ દોરાતા હોય છે.

આ પણ વાંચોવિશ્વ પર્યાવરણ દિવસ : પર્યાવરણને લઈને આપણે ચિંતિત થવાની જરૂર છે – હિદાયત પરમાર

જે લોકો માનસિક તણાવ સમજી અને તેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શોધે છે તે દરેક વ્યક્તિને રસ્તો મળે છે અને તે રસ્તો અપનાવ્યા બાદ તેમાંથી બહાર આવી પોતાની જિંદગી જીવવા લાગે છે. માનસિક તણાવ પોતાની જિંદગી પર હાવી થઈ જાય એના પહેલા દરેક વ્યક્તિએ તેને સમજી તેના ઉપર હાવી થઈ જવાનું હોય જેનાથી તે તણાવનું કંઈ ખરાબ પરિણામ ન આવે.

કારણ અને પરિણામ વચ્ચેનો સમય જ ઘણી વખત સામાન્ય વ્યક્તિની જિંદગીની વ્યાખ્યા બની જતો હોય છે આ વ્યાખ્યાને વિસ્તૃત સમજૂતી દ્વારા સમજી લે તો તેના જીવનની દરેક ક્ષણની કિંમત તે સમજી શકે છે્ આપણી પાસે જે છે તે જ જિંદગી છે એટલે તેમાં જ ખુશ રહેવું, ફલાણો કે ફલાણી સુખી છે એવું માની ન લેવું. આપણી જિંદગી જ જિંદગી છે તેવું માની જીવાય ત્યાં સુધી જીવો, ના જીવાય તો પણ જીવો કારણકે તમે જે જીવો છો તે ઘણા બધા માટે હજુ સ્વપ્ન સમાન છે.

આમેય જિંદગી જીવવાની બધાની ઔકાત ક્યાં હોય છે ઘણા બધા તો માત્ર સમય પસાર કરતા હોય છે અને મૃત્યુની રાહ જોતા હોય છે. જિંદગી જીવનારા તો જિંદગી જીવીને મોતને સામેથી બોલાવતા હોય છે. સ્વામી વિવેકાનંદ, કલાપી, ભગતસિંહ જેવા ઘણા નામો છે જેઓએ ખૂબ જ ટૂંકું આયુષ્ય ભોગવ્યું છે, આવા લોકો ખૂબ ટૂંકા આયુષ્યમાં પણ જિંદગી જીવી ગયા બીજાની માટે તેઓ પ્રેરણા બનતા ગયા. આજે લાખો લોકો આવા મહાપુરુષો ના જીવનમાંથી પ્રેરણા લેતા હોય છે તેમના જેવું જીવન જીવવા પ્રયત્ન કરતા હોય છે. માનસિક તણાવ માંથી નીકળવા માટે આવા લોકોની આત્મકથા વાંચવી ખૂબ હિતાવહ થાય છે. પુસ્તકો ને મિત્રો બનાવો કારણ કે પુસ્તકો પાસે તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું હોય છે.

જે મળે તે અને જેટલું મળે તેટલું પણ એમાં ખુશ રહે, જીવાય ત્યાં સુધી ખુશીથી, આનંદથી અને ચેનથી જીવી જાણે એ જ જિંદગી જીવી ગયો કહેવાય.

– કેતન પટેલિયા “અદ્રશ્ય”

Leave a Reply

%d bloggers like this: