દલિત યુવાનને ધોડા પર ન બેસવા દેવાના કેસમાં નવ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી ગાંધીનગર કોર્ટ

માણસા તાલુકાના પારસા ગામે ત્રણ વર્ષ અગાઉ લગ્ન સમયે ગામના જ લોકોએ વિરોધ કરીને વરરાજાને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા હતા-એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટનો ચુકાદો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ ઉંચનીચની પ્રથા જોવા મળી રહી છે ત્યારે જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે ત્રણ વર્ષ અગાઉ દલિત યુવાનના લગ્ન સમયે તેને ઘોડા ઉપર નહીં બેસવા દઈ જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા હતા. જે સંદર્ભે ગામના જ નવ વ્યક્તિઓ સામે માણસા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને આ કેસ ગાંધીનગર એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતાં તપાસ અધિકારીઓ અને ૧૮ સાહેદોની જુબાની બાદ નવ આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા અને દસ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે ગત તા.૧૭ જુન ર૦૧૮ના રોજ બપોરના સુમારે ગામમાં દલિત યુવાનના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવા માટે ઘોડી મંગાવવામાં આવી હતી. આ સમયે ગામમાં રહેતા નટવરસિંહ જીવણજી પરમાર, કુલદીપસિંહ અજીતસિંહ ચૌહાણ, અનિરૃધ્ધસિંહ દિનેશસિંહ રાઠોડ, દેવેન્દ્રસિંહ નટવરસિંહ ચાવડા, વિજયસિંહ ભરતસિંહ ચૌહાણ, વિપુલ ભરતજી ચૌહાણ, જીગરસિંહ ભરતસિંહ ચૌહાણ, નરેશકુમાર બાબુલાલ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણ ત્યાં પહોંચ્યા હતા અને એકસંપ થઈ વરરાજા અનુ.જાતિના હોવાથી પોતાની સાથે ઘોડી લઈને આવ્યા હોવાથી ઘોડી ઉપર ગામમાં દરબારો સિવાય અન્ય કોઈએ બેસવું નહીં અને ઘોડી લઈ ચાલ્યા જાવ તેવી ધમકી આપી જાતિ વિષયક શબ્દો બોલ્યા હતા. જેના પગલે આ મામલે માણસા પોલીસ મથકમાં આ નવ આરોપીઓ સામે જાનથી મારી નાંખવાની ધમકીની સાથે એસટી/એસસી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગરના એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી એસ.એન.સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં સરકારી વકીલ પી.ડી.વ્યાસે ફરીયાદપક્ષે ૧૮ સાહેદો અને તપાસ અધિકારી ફરીયાદીની જુબાની લીધી હતી. જેના અંતે કોર્ટે આ નવ આરોપીઓને પાંચ વર્ષની કેદ અને દસ હજાર રૃપિયાના દંડની સજા ફટકારી હતી.

~ માહીતી અને સંકલન – ગુજરાત સમાચાર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *