વાવણીથી વેચાણ સુધી, દરેક પગલે સરકાર ખેડુતોની સાથે છે?

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાત સરકારે 5 ઓગષ્ટ 2021ના રોજ અખબારોમાં મોટી જાહેરખબર આપી છે. ઠેરઠેર હોર્ડિંગમાં પણ સરકાર પોતાની પીઠ થાબડી રહી છે. યોજનાના નામ પણ ભ્રામક રાખે છે : ‘કિસાન સૂર્યોદય યોજના !’ દાવાઓ પણ છેતરામણા હોય છે : ‘કિસાન સન્માન દિવસ !’/ ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના!’ /‘2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી !’/ ‘ટેકાના ભાવે ખરીદી !’

ગુજરાત સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે કેટલી બિનસંવેદનશીલ છે તે જોઈએ. વડાપ્રધાન મનમોહનસિંહે 2013માં ખેડૂતોના હિતમાં કાયદો બનાવ્યો : જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-The Right to fair Compensation and Transparency in Land acquisition, Rehabilitation and Resettlement Act-2013. ગુજરાત સરકારનો 1 ઓગષ્ટ 2014નો ઠરાવ કહે છે કે આ કાયદો 1 જાન્યુઆરી 2014થી અમલમાં આવેલ છે. આ કાયદાની કલમ-51 (1) હેઠળ જમીન સંપાદન/વળતર/પુન:સ્થાપન/પુન:વસવાટને લગતી તકરારો માટે સત્તાતંત્ર-Authorityની રચના કરવાની રહેતી હતી. સરકારે આ સત્તાતંત્રની રચના કરવા 5 ફેબ્રુઆરી 2018ના રોજ ઠરાવ કર્યો. આ સત્તાતંત્રમાં નિવૃત જજને મૂકવાના હોય છે. જમીન સંપાદન પેટે વળતરની રકમથી અસંતોષ હોય તો ખેડૂત ખાતેદારો વધારાના વળતર માટે કલમ- 64 હેઠળ વળતર મેળવવા સત્તાતંત્ર સમક્ષ અરજી કરી શકે છે. ગુજરાતમાં ત્રણ જગ્યાએ સત્તાતંત્રોની રચના કરવામાં આવી- અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે. ઓગષ્ટ- 2021ની સ્થિતિએ જોઈએ તો સુરત ખાતે સત્તાતંત્ર ચાલુ થયું છે; અમદાવાદ અને રાજકોટ ખાતે સત્તાતંત્ર ચાલુ થયેલ નથી ! આ છે સરકારની સંવેદનશીલતા !

Farmers

માની લઈએ કે બીજા કામોના કારણે ખેડૂત માટેનું આ કામ રહી ગયું હોય; પરંતુ સરકારને ગુજરાત હઈકોર્ટે 22 ઓક્ટોબર 2019ના રોજ ત્રણ મહિનાની અંદર સત્તાતંત્ર/Authority ચાલુ કરવા તાકીદ કરી હતી, છતાં ગુજરાત સરકારે રાજકોટ/અમદાવાદની ઓથોરિટી હજુ સુધી કાર્યરત કરી નથી ! સવાલ એ છે કે ખેડૂતોના હિત માટેના કાયદાનો અમલ 1 જાન્યુઆરી 2014થી શરુ થઈ ગયેલ છે; પરંતુ ખેડૂતોની વળતર અરજીઓ અંગે ન્યાય આપનાર સત્તાતંત્ર ઓગષ્ટ-2021 સુધી સરકાર કેમ ગોઠવી શકી નથી? મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અને બીજી પરિયોજનાઓમાં જમીન ગૂમાવનાર ખેડૂતોએ લાચાર બની સરકારને તાકીને બેસી રહેવાનું? ગુજરાત સરકાર આ કાયદાના અમલમાં 8 વરસથી ઠાગાઠૈયા કરે છે; શું આ ખેડૂતોની મજાક નથી? વાવણીથી વેચાણ સુધી, દરેક પગલે સરકાર ખેડુતોની સાથે; એ દાવો ખોટો નથી?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *