બિલ્ડરોની છેતરપિંડી અને રહીશોને હેરાનગતિ !

રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : કોઈ વ્યક્તિ બેંક લોન લઈને/સગાસંબંધી-મિત્રો પાસેથી પૈસા ઊછીના લઈને/માતા કે પત્નીના દાગીના ગિરવી મૂકીને/વ્યાજે નાણા મેળવીને પોતાના માટે ઘર ખરીદે છે; ત્યારે તેને અરમાન હોય છે કે હવે ‘ઘરના ઘરમાં’ શાંતિથી જીવી શકાશે ! પરંતુ બિલ્ડર જ છેતરપિંડી કરે તો? અમદાવાદમાં એવા પણ કિસ્સા બન્યા છે કે બિલ્ડરે એક ફ્લેટ બે જુદી જુદી વ્યક્તિને વેચેલ હોય ! બિલ્ડર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ઊભી કરે; સભ્યોને મકાન વેચે પરંતુ કોમન પ્લોટમાં મકાન બનાવીને પૈસા બનાવી લે ! હાઉસિંગ સોસાયટી ઊભી કરનાર પ્લોટના બોગસ એલોટમેન્ટ લેટર આપે ! મકાન વેચે પણ મકાનનું ધાબું કોઈ બીજાને વેચે. ધાબા ઉપર મોબાઈલ કંપનીનો ટાવર ઊભો કરાવે/ જાહેરખબરનું મોટું હોર્ડિંગ મૂકાવી પૈસા રળે ! સોસાયટી માટે મેઈન્ટેનન્સના નામે એકત્ર કરેલ રકમ પણ ખાઈ જાય ! મારી સોસાયટીમાં બિલ્ડરે સોસાયટીના કોમન પ્લોટમાં મકાન બનાવી પૈસા બનાવી લીધા છે ! બિલ્ડરો મકાનની ક્વોલિટીમાં હલકી કક્ષાની સામગ્રી વાપરી પૈસા બનાવે છે. 2001ની ભૂકંપ વેળાએ હું અમદાવાદના શાસ્ત્રીનગરના સરકારી લો રાઈઝ ફ્લેટમાં રહેતો હતો; જર્જરિત મકાન હતું છતાં પડ્યું ન હતું. મોટા ભાગના બિલ્ડરોએ બનાવેલ હાઈ રાઈઝ અને લો રાઈઝ મકાનો ઢગલો થઈ ગયા હતા !

ઘોડાસરમાં અંતિસર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમોટર રોનક ભટ્ટે સોસાયટીના ચાર પ્લોટ હડપ કરવા ખોટા એલોટમેન્ટ લેટર બનાવી, બોગસ દસ્તાવેજ કરવાના આરોપ સબબ તેમને પોલીસે જેલમાં મોકલેલ. રોનક ભટ્ટે ઘોડાસરમાં આકાંક્ષા કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પણ બનાવેલ; તેના રહીશોને સોસાયટીનો વહીવટ સોંપવાને બદલે પોતે જ વહિવટ કરતા હોવાથી રજિસ્ટાર કો-ઓપરેટિવ સોસાયટીને ફરિયાદ કરતા રહીશોને વહિવટ સોંપવો પડ્યો ! રહીશોએ વહિવટ સંભાળ્યો ત્યારે ખબર પડી કે પ્રમોટર રોનક ભટ્ટ અને તેમના પરિવારે મોટું કૌભાંડ આચર્યું છે. સોસાયટીના રહીશ રાજેશ ટાંકે IPC કલમ-406/ 420/475/467/ 468/ 471/ 114/120B હેઠળ પ્રમોટર સામે કોર્ટમાં ફરિયાદ કરતા ચીફ મેટ્રોપોલિટન માજિસ્ટ્રેટે 9 ડીસેમ્બર 2020ના રોજ CrPC કલમ- 256(3) હેઠળ SP, CID Crimeને તપાસ કરવા હુકમ કરેલ છે. છેતરપિંડી/વિશ્વાસઘાત/ખોટા દસ્તાવેજ બનાવવા/ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા/ઠગાઈના હેતુથી કાવતરું કરી એકબીજાને મદદ કરવાના આરોપ છે; જે ઘણા જ ગંભીર છે. તંત્રનો ચમત્કાર જૂઓ; કૌભાંડીઓ દ્વારા ફરિયાદી રાજેશ ટાંક તથા સોસાયટીના રહીશો સામે ખોટી અરજીઓ શરુ થઈ. પોલીસે રાજેશ ટાંકને તથા રહીશોને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને CrPC કલમ-151 હેઠળ ત્રણ કલાક લોકઅપમાં પૂરી દીધાં ! કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી નહીં અને કૌભાંડનો ભોગ બનનારને લોકઅપ ! બિલ્ડર છેતરપિંડી તો કરે છે; સાથે પૈસાના બળે ખોટી ફરિયાદ કરાવીને સોસાયટીના રહીશોને હેરાન પણ કરે છે ! આકાંક્ષા સોસાયટીમાં લોકપ્રિય લેખક રજનીકુમાર પંડ્યા પણ રહે છે. તેમની નવલકથા ‘કુંતી’ ઉપરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે વખત ટીવી સિરિયલ બની ચૂકી છે. ‘ચિત્રલેખા’ સામયિકે 63 ગૌરવવંતા ગુજરાતીની યાદી બહાર પાડેલ તેમાં તેમનું સ્થાન હતું. 10 ઓગષ્ટ 2021 ના રોજ તેમની સાથેની મુલાકાત વેળાએ પોતાની સોસાયટીના રહીશો ઉપર પ્રમોટરના ઈશારે હેરાનગતિ થઈ રહી છે, તેની વ્યથા તેમણે વ્યક્ત કરી હતી.

બિલ્ડર

થોડાં પ્રશ્નો : [1] 1997 બાદ, કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ ઓડિટ કરાવવાનું હોય છે; છતાં ઓડિટ કેમ થતું નથી? [2] હાઉસિંગ સોસાયટીએ કોમન પરપઝના પ્લોટમાં ગેરકાયદે બાંધકામ કરેલ છે કે કેમ? ખરેખર કોમન પ્લોટનું અસ્તિત્વ છે કે કેમ? તેની ખરાઈ કરવાની કોઈ મિકેનિઝમ છે કે નહીં? [3] અમદાવાદના કો-ઓપરેટિવ રજિસ્ટ્રારની કોઈ જવાબદારી હોય કે નહીં? આવી જગ્યાએ ચોક્કસ અધિકારી 10 વરસથી ફરજ બજાવે છે; તેમની ટ્ર્રાન્સફર નહી થવાનું રહસ્ય શું હોઈ શકે? જમીનોમાં રાજકીય નેતાઓ કાળું ઘન રોકે છે; તેમની વ્યવસ્થા સાચવવાનો હેતુ હશે? [4] સોસાયટીના રહીશો ન્યાય માટે કોર્ટ સમક્ષ જાય તો પ્રમોટરના ઈશારે ખોટી અરજી થાય ત્યારે સુલેહ-શાંતિ માટે જામીન લેવાય તે સમજી શકાય; પરંતુ તેમને લોકઅપમાં પૂરવાનો કોઈ અર્થ ખરો? [5] બિલ્ડરોની છેતરપિંડી અને રહીશોને થતી હેરાનગતિ અટકાવવા સરકાર જાગશે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *