ફાધર વર્ગીસ પોલ એસ જે, દસમી એપ્રીલે સદાને માટે પૃથ્વી પરનું જીવન પુરૂં કરી સ્વર્ગે સિધાવી ગયા.

The heart

મુખ્યત્વેલેખન અને વિવિધ લોકોને ઈસુ પ્રભુ વિશે જ્ઞાન આપવાના સેવાકાર્યમાં તેમણે પોતાનું જીવન વિશિષ્ટ રીતે ગુજરાતને સમર્પણ કર્યું. ગુજરાતી સાહિત્યમાં જેમનો અમૂલ્ય ફાળો છે એવા ફાધર ને સ્નેહી ભરી શ્રધ્ધાંજલિ.

છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં તેમની સારવાર ચાલતી હતી. આજે સવારે, ૭.૩૦ વાગે હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેઓ વર્ષો સુધી દૂતના તંત્રીપદે સેવા આપી હતી. તેમનાં લખાણો થકી તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરી છે. તેમણે સમાજના ઘણાં યુવક-યુવતીઓને પત્રકારત્વ અને લેખનકળામાં આગળ વધવા પ્રોત્સાહન, દોરવણી અને સહકાર આપ્યો છે. ગુજરાતી પ્રજા તેમની ઋણી રહેશે. ફાધર વર્ગીસ પોલની ઉંમર ૭૮ વર્ષ હતી, 44 વર્ષ – પુરોહિત તરીકે અને 57 વર્ષ – ઈસુસંઘમાં સંન્યસ્ત જીવન જીવ્યાં. તેમની દીક્ષા રોમમાં જૂન, 1977માં થઈ હતી. દૂતના તંત્રી તરીકે પંદર વર્ષથી વધુ સેવા આપી હતી. SAR સમાચાર સંસ્થાના ડિરેક્ટર તરીકે તથા દક્ષિણ એશિયાના કૅથલિક પ્રેસ એસોસિયેશનના પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. કૅથલિક ઇન્ફોર્મેશન સર્વીસની સ્થાપના તેમણે કરી હતી. 1984 થી 2018 સુધી તેઓ આ સંસ્થાના ડાયરેક્ટર તરીકે રહ્યા હતા. આ સંસ્થા થકી તેમણે હજારો લોકોને પ્રભુ ઈસુ વિશે પત્ર-વ્યવહાર દ્વારા શિક્ષણ પૂરું પાડ્યું હતું. ગુજરાતી ક્રિશ્ચયન પ્રેસ કાઉન્સિલના સ્થાપક અને આજીવન અધ્યક્ષ રહીને તેમણે ઘણાંને પુસ્તક પ્રકાશન માટે મદદ કરી હતી.

ફાધર વર્ગીસ ગુજરાતમાં ઈસુસંઘની સાધુ – સંસ્થાના ધર્મગુરુ હતા. તેઓ એ ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને ગુજરાતી ભાષાઓ સાથે સ્નાતક થયા હતા. તેઓ પૂણે ખાતે જ્ઞાનદીપ વિદ્યાપીઠમાંથી તત્ત્વજ્ઞાનમાં અને રોમ ઇટલી ) ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાંથી ધર્મશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રીઓ ધરાવતા હતા. તેમણે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વ્યાવસાયિક પત્રકારત્વનો અભ્યાસ કરેલો છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સર્જનાત્મક લખાણો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મેળવનાર ફાધર વર્ગીસ કુલ 43 કરતાં વધારે પુસ્તકોના લેખક છે . ઉચ્ચ અભ્યાસ માટે અને આંતરરાષ્ટ્રીય કૅથલિક અખબાર પરિષદ ( UCIP ) ની કારોબારીમાં કે વિશ્વસંમેલનમાં ભાગ લેવા માટે પત્રકાર તંત્રી અર્થે ફાધર વર્ગીસે યુરોપ , ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયાના 34 દેશોની અવારનવાર મુલાકાત લીધી છે. તેમના લેખન કાર્ય માટે તેમને દેશવિદેશમાં ઘણાં પારિતોષિકો અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં. પોતે બિનગુજરાતી હોવા છતાં, ૪૩થી વધુ પુસ્તકો લખીને તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધિ બક્ષી. ગુજરાતી લેખન-જગતને તેમની ખોટ સાલશે.

ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષની જાની લખે છે કે, – ફાધર વર્ગીસ પોલ ને પ્રેમાંજલિ ..આખરી સલામ !
ગુજરાતી લેખક મંડળ ના અધ્યક્ષ એટલે ફાધર વર્ગીસ પોલ.સદાય હસતું, પ્રેમાળ વ્યક્તિત્વ. છેલ્લાં બાવીસેક વર્ષથી મંડળની શુક્રવારી સભાઓમાં નિયમિત હાજરી.માત્ર હાજરી નહીં, સક્રિય ભાગીદારી. મંડળમાં તમામ કામો સૌની ભાગીદારી થી કરવાનો આદર્શ છે. મંડળ ના અમારા અધ્યક્ષ ફાધર બધાં માટે ચા પણ મૂકે, સૌને આપે અને વાસણ પણ સાફ કરી નાંખે..! એમની આ સહજતા એ મંડળના સૌ કોઈ ને સૌ કોઈ કામ કરતાં કરી દીધાં !જાણે કે મંડળની આંતરિક લોકશાહી ઘૂંટાતી રહી…
મંડળ પાસે શરુઆત માં ટાંચા સાધનો.ગુજરાત માં દૂરસુદૂર આવેલી શૈક્ષણિક સંસ્થાઓ માં લેખન કૌશલ શિબિરો કરવા જવાનું થાય.ફાધર પોતાની જીપ તો લે જ,જાતે જ ચલાવે અને એટલી જ સ્ફૂર્તિ થી વિદ્યાર્થીઓ સાથે એકાકાર થઈ જાય..!મને યાદ છે એકવાર જસદણ પાસે ના આટકોટ ની શાળા-કોલેજ માં શિબિર હતી.ડિસેમ્બર મહિના ની છેલ્લી તારીખો માં.નાતાલ ના દિવસો.મને એમ કે ફાધર નહીં આવે.ફાધર કહે ‘કામ કરવું એ જ નાતાલ !’
અને પહેલી જાન્યુઆરી ની વહેલી સવારે મેં જાગીને જોયું તો ફાધર એક ખૂણામાં બેસીને રોજની જેમ જ લેખન કાર્ય કરી રહ્યા હતા.
ફાધરે 50 થી વધુ પુસ્તકો લખ્યાં છે.મોટાભાગના પુસ્તકો યુવાનો માટે.યુવાનો માં ફાધર નાં પુસ્તકો ખૂબ વંચાય છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે ફાધરની માતૃભાષા મલયાલમ.પણ કર્મભૂમિ ગુજરાત.ગુજરાતી ભાષામાં જ આજીવન લખ્યું. અને ગુજરાત ની પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાઓએ તેમનાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. ખાસ કરીને ગુજરાતી લેખક મંડળ ને એમણે ઘણું બધું આપ્યું છે.મંડળ લેખકોના હક,હિત, ગૌરવ માટે છેલ્લાં સત્યાવીસ વર્ષથી કાર્યરત છે,એ હજીયે કામ કરી રહ્યું છે તેમાં ફાધર ની ભૂમિકા મહત્વની છે.લેખક મંડળ પાસે પોતાની કોઈ કાયમી જગ્યા નથી.એકવાર એકાએક પ્રશ્ન ઊભો થતો કે હવે મંડળ ક્યાં કામ કરશે ? આપણે ત્યાં ઘણી સાહિત્યિક સંસ્થાઓ છે, તેમનાં મોટા મકાનો છે,પણ રખે ને કોઈ પચાવી પાડશે એવી મધ્યમવર્ગીય માલિકપણાની ભયગ્રસ્ત માનસિકતા થી પીડાઈ ને કોઈ ના માટે દરવાજા ખોલે નહીં..! ફાધરે તાત્કાલિક તો પ્રશાંત માં આવેલી પોતાની ખાલી ઓફિસ આપી દીધી..ને તે પછી જુની હાઈકોર્ટ પાસે આવેલી પોતાની ચાલુ ઓફિસમાં જ બધી વ્યવસ્થાઓ ઉભી કરી દીધી..અને મંડળ ટકી ગયું… નિયમિત કામ કરતું રહ્યું..કરી રહ્યું છે…ફાધર મંડળના દરેક કાર્યમાં ડગલે ને પગલે યાદ આવશે.. ફાધર, તમે કસમયે વિદાય લીધી.. છેલ્લા સવા વર્ષથી વડોદરા હોસ્પિટલમાં હતા.. ફોન પર અવારનવાર વાત થતી પણ કોરોના કાળમાં રૂબરૂ નહીં મળાયું..! તમારું પ્રેમભર્યું સ્મિત મંડળને સદાય ધબકતું રાખશે..
અલવિદા ફાધર વર્ગીસ પોલ ! ગુજરાતી લેખક મંડળ વતી સો સો સલામ..!

ફાધર વર્ગીસ પોલને શ્રધ્ધાંજલિ આપવા માટે આ નાની ડોક્યુમેન્ટરી બનાવી છે એ અવશ્ય જોશો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *