મારા જીવનમાં પહેલીવાર મેં જોયું કે મારે કોઈની અંતિમક્રિયા માટે પણ લાગવગ લગાવવી પડે – ડો.કુમાર વિશ્વાસ

ડો.કુમાર વિશ્વાસ ( ગુજરાતી ટ્રાન્સલેશન – ડો. ભગરીથ જોગીયા ) : એ દિવસે એક જુવાન છોકરી કોરોનામાં ગંભીર થઈ ગયેલી. મારા પર બેડની, ઓક્સિજનની વ્યવસ્થા માટે ફોન આવ્યો. મેં જે તે શહેરના કલેકટરને ફોન કર્યો તો જવાબ મળ્યો કે તમે મંત્રી છો? સાંસદ છો? તમે કવિ છો તો કવિતાઓ કરો. મેં હતાશ થઈને આખી વાત ટ્વીટર પર મૂકી ત્યાં યુપીના એક મિનિસ્ટરનો ફોન આવ્યો કે કુમારભાઈ, તમે કહો તો એ કલેકટરને સીધો કરી નાંખીએ. પણ મેં ના પાડી. કારણ કે એમની કોઈ ભૂલ નહોતી. એમને મારા જેવા ઘણાના ફોન આવ્યા હશે.

કવિ તરીકે મારી લોકપ્રિયતાને કારણે રોજેરોજ ફોન ને મેસેજ વધવા માંડ્યા. મારી દીકરી અને પત્નીને પણ મારા નામે મેસેજ આવતા કે સરને કહો કે આટલું કરાવી આપે. કોઈને બેડ, કોઈને ઓક્સિજન, કોઈને પ્લાઝમા તો કોઈને રેમડેસિવિર. પણ ધીમે ધીમે મને અનુભવ થયો કે ઉંચા પદ પર બેઠેલા પ્રતિષ્ઠિત માણસો મને અવગણવા માંડ્યા. જે લોકો પહેલા ઓટોગ્રાફ કે સેલ્ફી માટે પડાપડી કરતા હતા એ જ લોકો હવે મારો ફોન ઉંચકતા ગભરાતા હતા. ભૂલ એમની નહોતી એ અધિકારીઓ પોતે મજબુર હતા. એમના ખુદના સગાઓ માટે જ વ્યવસ્થા નહોતી થતી એ મારા માટે કંઈ રીતે વ્યવસ્થા કરી શકે! એક દિવસ મારે ત્યાં કામ કરતો છોકરો આવીને મને કહે કે મારા ગામમાં ઘણા લોકોને પુષ્કળ તાવ ને ખાંસી છે. પણ ગામના આરોગ્ય કેન્દ્રમાં દવાઓ નથી. મેં તરત જ અમુક પ્રધાનો સાથે કોનફરન્સ કોલમાં વાત કરી. એમને મેં કહ્યું કે તમે ખાલી અમુક તમુક ગામડાઓમાં જગ્યાની વ્યવસ્થા કરી આપો. દવાઓ અને બીજી જરૂરિયાતો હું મારી રીતે ઉભી કરી લઈશ.

Dr. Kumar vishwash

એ પછી મેં અંગત મિત્રો, અમુક ડોક્ટરો અને સોશિયલ મીડિયામાં વાત મૂકી. ડોકટર મિત્રો પોતાના વ્યસ્ત શિડયુલમાંથી થોડો થોડો સમય ફાળવીને ગામડાઓમાં ચેકઅપ કરવા આવતા થયા. દોસ્તોની અને મારી રોકડ સહાયથી કોવિડ કિટ વિતરણ શરૂ કર્યું. એ કિટમાં ICMR ની ગાઈડલાઈન પ્રમાણેની દસ દિવસની દવાઓનો કોર્સ હતો. ધીમે ધીમે લોગ મિલતે ગયે ઔર કારવા બનતા ગયા. ટેમ્પરેચર ગન, રેપીડ ટેસ્ટ કિટ, પલ્સ ઓક્સીમીટર જેવી વ્યવસ્થાઓ થતી ગઈ. અને આ રીતે 200 ગામોમાં શરુ થયું ‘વિશ્વાસ કોવિડ કેર સેન્ટર’ પણ સરકારોની જેમ અમુક લોકો પણ નક્કામાં હોય છે. અમુક લોકોએ કહ્યું કે આ તો મોદી ને યોગીની ભૂલો ઢાંકવાની કોશિશ છે. ભાઈને ચૂંટણી લડવી છે એટલે નાટકો કરે છે. યુપીના 200 ગામોમાં જ કેમ કરે છે? દિલ્હીમાં કેમ નથી કરતા? પંજાબમાં કેમ નથી કરતા? પણ હું મારા સાથીઓને કહું છું કે આપણે હજારો માણસોની દુઆઓ સામે નજર રાખવાની છે. નહિ કે પાંચ પંદર નવરા માણસોની કૉમેન્ટ્સ સામે.આસપાસની દુનિયા જોઈને મને નફરત થાય છે. જે ટીવી ચેનલો કરોડો કમાઈને બેઠા છે એ સરકારની ચાપ્લુસીઓ કરે છે. જેના પોતાના સગાઓ અકાળે ગુજરી ગયા છે એ ફાલતુ જોક્સ ફોરવર્ડ કરે છે કે ” પાંચ માણસની રસોઈ હોય ને સો માણસ આવી ચડે તો આમ જ થાય…” અરે, સો માણસો અચાનક નથી આવ્યા. પરિવારના વડીલો કહેતા જ હતા કે આટલા માણસો આવશે. અને ત્યારે તમે અંદરોઅંદર લડવામાં વ્યસ્ત હતા. અને, પાછા સો માણસો આવ્યા ત્યારે તમે વ્યવસ્થા કરવાને બદલે દારૂ પીને સુઈ ગયેલા.

એક ટીવી ચેનલનો ચમચો એન્કર મને કહે છે કે કુમારભાઈ, તમારે ને મારે આવુ કાર્ય કરવું જ જોઈએ. મેં કીધું કે શટ અપ, આ કામ સરકારનું છે. મારું કે તમારું નથી. મારુ કામ કવિતા કરવાનું છે અને તમારું કામ ઇમાનદાર પત્રકારિતાનું છે. પણ તમે એમ કરતાં નથી. સરકારની ચમચાગીરી બંધ કરો ને દેશ માટે બોલતા શીખો.બીજા એક એન્કર મહોદયને મારા સેવાકાર્યના બદલે ખેડૂત આંદોલન વિશે મારા ઓપિનિયન જાણવામાં રસ હતો. મેં એને પણ હાથ જોડીને દૂરથી નમસ્કાર કરીને ચાલતી પકડી. મને આ કટોકટીના કાળમાં કોઈ બ્રેકીંગ ન્યૂઝ આપવામાં રસ નહોતો.અફસોસ એ પણ છે કે કહેવાતા મોટા માણસો જે મને સરકાર બનાવવા માટે અડધી રાતે મદદ કરવા તૈયાર હતા એ લોકોનો મને આ સેવાકાર્યમાં સહકાર ના મળ્યો. અને ખુશી એ વાતની છે કે સાવ સામાન્ય માણસોએ પોતાના ખિસ્સા મારા ‘વિશ્વાસ ટ્રસ્ટ’ માટે ખાલી કરી આપ્યા.

Dr. Kumar vishwash

કોનો વાંક કાઢું? સરકારનો? વર્ષોથી સડી ગયેલી સિસ્ટમનો? કે પછી ગુલામ બદનસીબ પ્રજાનો? કહેવા માટે ઘણું બધું છે. પણ મને હમણાં રાજકારણ રમવામાં કે એને લગતી કૉમેન્ટ્સ કરવામાં રસ નથી. બધી જ સરકારો કોરોનાને હરાવવામાં અને પોતાના નાગરિકોની રક્ષા કરવામાં નિષ્ફળ ગઈ છે એ કડવી હકીકત છે. પણ મારે હમણાં એ બાબતે પણ કોઈ મત નથી આપવો. 200 ગામમાંથી 1000 ગામડાઓ સુધી મારી ટીમની સેવા પહોંચે એ જ મારી પ્રાથમિકતા છે.

હમણાંથી મેં કોઈ નવી કવિતા લખી નથી. કારણ કે જ્યારે તમે સારા ખરાબ અનુભવો કેળવવામાં વ્યસ્ત હો ત્યારે અભિવ્યક્તિ થઈ શકતી નથી. તમે જ્યારે ભાવનાત્મક હો ત્યારે સર્જનાત્મક બની શકતા નથી..

-ડો.કુમાર વિશ્વાસ – ગુજરાતી ટ્રાન્સલેશન ભગીરથ જોગીયા 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *