એકબાજુ કોરોના સંકટ અને બીજીબાજુ અઘટીત ધટનાઓ અટકવાનું નામ જ નથી લેતી, એવી જ એક દુર્ઘટના સામે આવી છે. કોરોનાના સંકટ વચ્ચે દેશમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. અને હવે મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલી પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં બુધવારે સવારના સમયે આગ લાગી હતી. આગ લાગવાના કારણે દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં 4 દર્દીઓના મોત થયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે.
થાણે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 3:40 કલાકે થાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. ફાયર વિભાગની બે ગાડીઓ અને અન્ય એક બચાવ વાહને ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.આ પહેલાં પણ અગાઉ વિરાર ખાતે વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 14 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં કોરોનાના 17 દર્દીઓ આઈસીયુમાં હતા જેમાંથી 14ના મોત થયા હતા. આગ લાગી તે સમયે હોસ્પિટલમાં કુલ 90 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને 3 આઈસીયુ દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે. આગ લાગવાના કારણની પણ તપાસ થશે