ફાધર્સ ડે : બાપુ રોટલો જ લાવ્યા…! – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે : કોઈકે ખુબ જ સુંદર શબ્દોમાં કહ્યું છે કે આજકાલ ફાધર્સ ડે, મધર્સ ડે, હસબન્ડ ડે, વાઇફ ડે, સિસ્ટર ડે અને બ્રધર્સ ડે એમ જુદા જુદા દિવસનું નામ આપીને પ્રેમને દિવસોમાં વ્હેચી નખાયો છે. આ સંબંધો દિવસના નહીં પરંતુ પ્રેમના હોય છે. આ બતાવવા માટે તે ચોક્કસ દિવસના આવવાની રાહ જોવાની જરૂર નથી. જે દિવસ અને જે ક્ષણમા આ તક મળી જાય ત્યારે પ્રેમ બતાવીને તેની ઉજવણી કરીએ. કારણ આપણા જીવનમાં સંબંધો ઘણા વધુ છે અને દિવસો ખૂબ જ ઓછા છે. ચાલો આવા જ મુડમા ફાધર્સ ડે ઉપર થોડું ચિંતન કરીએ.

ગામના રમણભાઈનો દીકરો છગન ભણવામાં તેજસ્વી તો ખરો પણ સાથે સાથે તોફાની પણ એટલો જ. તોફાન કરવાની એક પણ તક છોડતો નહીં. છગનના તોફાનો જોઈ મા-બાપ પુત્રને લઈ એક રાત પણ સગા સંબંધીઓને ત્યાં જઇ રહેતા ગભરાતા. છગન પણ આદતથી મજબુર તોફાનો કરવા તો જોઈએ જ.

આવા સમયે બાજુના ગામમાં માતા મરિયમનો પ્રસિધ્ધ મેળો ભરાવાનો હતો. દૂર-દૂરના લોકો આ મેળામાં આવતા. તેઓ મેળામાં માતા મરિયમનું સરઘસ, મીશ-પ્રાર્થના અને ગરબામાં અવશ્ય ભાગ લેતા. જે લોકો દૂરના હોય તે બસ કે ટ્રેક્ટર દ્વારા કે પોતાનું વાહન લઈ આવતા. અને જે નજીકના હોય તે મોટાભાગે ચાલતા આવી જાત્રાનું પુણ્ય કમાતા. આ મેળામાં બાળકો માટે એક ખાસ આકર્ષણ રહેતું અને તે જુદા જુદા દુકાનવાળા. અહી રમકડા,ચા-ભજીયા, કબાબ-સમોસા અને કપડાની દુકાન નખાતી. મા-બાપ પોતાના બાળકો સાથે મેળાના મધ્ય ભાગમાં આ જગ્યાની મુલાકાત લઇ અવશ્ય આનંદ લેતા.

છગનના જાણવામાં આવ્યું કે તેના ગામના લોકોનો એક સંઘ પણ આ મેળામાં વહેલી સવારે ચાલતા જવાનો છે. છગનને પણ ત્યાં જવાની એક જિજ્ઞાસા જરૂરથી હતી. તેણે પોતાના ઘરે જઈ સાંજના વાળુ કરવાના સમયે મા-બાપને વાત કરી. જોકે અંદરથી તો મા બાપને પણ આ મેળામાં જવાની તાલાવેલી હતી. પરંતુ દીકરાના તોફાનોથી તે થોડા ગભરાતા. તેમણે છગનને તેના તોફાનોને કારણે જાત્રાએ જવા માટેની ના પાડી દીધી. હવે છગન પાસે એક જ વિકલ્પ બાકી હતો કે પિતાને વચન આપવું કે તે મેળામાં કોઈ જ તોફાન નહીં કરે. આખરે  મા-બાપે છગનની વાત માની લીધી.

આ પણ વાંચો : લો. બોલો : ભાજપે પૂર્વ IAS અધિકારી એકે શર્માને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા

નિસ્ચિત તારીખે તે ગામમાં મેળો ભરાયો. તે દિવસે છગન નાહીધોઈ તૈયાર થઈ એક ડાહ્યા-ડમરા દીકરાની જેમ બેસીને મા-બાપની સાથે મેળામા જવાની રાહ જોવા લાગ્યો. જો કે આગલા દિવસે બાજુમાં રહેતા પસાકાકાએ તેને મેળામાં વાપરવા દસ રુપિયા આપ્યા હતા તે પણ તેણે તેના ખિસ્સામાં મૂકી દીધા. નવ વાગ્યે મા-બાપના પહેરા વચ્ચે બાર વર્ષનો છગન એક બાજુએ પિતાની તો બીજી બાજુ માતાની આંગળી પકડી મેળામાં પહોંચી ગયો. મેળામાં રેલવે સ્ટેશનથી લઇને દેવળના કમ્પાઉન્ડ સુધી સરઘસ ચાલુ થયું. મા-બાપને લાગ્યું કે આજે છગન ખરેખર ભક્તિવાન બની સુંદર રીતે ભક્તિમાં ભાગ લઇ રહ્યો છે. પણ બીજી બાજુ છગનની નજર કમ્પાઉન્ડ બહાર આવેલી દુકાનો અને તેમાં ખાસ કરીને કબાબ-સમોસાની દુકાન પર પડી.

સરઘસ પછી તરત જ મિશ-પ્રાર્થના શરુ થતી હતી. મિશ-પ્રાર્થનામા એક બાજુ ભાઈઓ તો બીજી બાજુ બહેનો બેસે. છગનના પિતા એક તરફ તો માતાએ બીજી તરફ પોતાની જગ્યા લીધી. પરંતુ આ વહેંચણીમાં છગન મા-બાપની આંગળી છોડીને છૂમંતર થઈ ગયો. માતા જાણે છગન પિતાની પાસે છે અને પિતા જાણે છગન માતા પાસે. મિશ પ્રાર્થના સુંદર રીતે પૂરી થઈ. ફરીથી છગનના મા-બાપ ભેગા મળ્યા પણ ત્યાં જ તેમના નજરમાં આવ્યું કે છગન તો ગુમ છે. બંને એકબીજાને પૂછવા લાગ્યા કે છગન ક્યાં??? મા-બાપ ખરેખર બેબાકળા બનીને આંખોમાં આંસુ સાથે એકના એક પુત્રને શોધવા લાગ્યા. માઇકમાં છગનના નામનુ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. અડધા કલાકની મહેનત બાદ ગામના લોકોએ તેમને સમાચાર આપ્યો કે છગન તો કમ્પાઉન્ડની બહાર આવેલી દુકાનમાં બેસીને કબાબ-સમોસા ખાય રહ્યો છે.

માતા-પિતાતો ત્યા પહોંચી ગયા. જોયુ તો છગન આનંદમાં નાસ્તો આરોગી રહ્યો હતો. પિતાએ અકળાતા અવાજે છગનને પૂછ્યું કે અમે તને શોધી શોધીને થાકી ગયા, તું ક્યાં હતો??? તેવામાં જ છગને જવાબ આપ્યો કે બાજુવાળા પશાકાકાએ દસ રુપિયા વાપરવા આપ્યા હતા. તો પછી હુ ક્યા હોવાનો??? અહીં કબાબ-સમોસાની દુકાને જ તો હોવાનો. આ વાતને હું અહીંથી જ અટકાવું છું. આટલું બન્યા પછી પિતાએ કે માતાએ છગનનું શું કર્યું તેની મને કંઈ જ ખબર નથી.

પણ હા બે હજાર વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ પવિત્ર કુટુંબ એટલે કે યોસેફ, મરિયમ અને ઈસુના જીવનમાં પણ બને છે. ઇસુ પોતાના મા-બાપની સાથે ૧૨ વર્ષની ઉંમરે યરુશલેમની જાત્રાએ નીકળે છે. જાત્રાની ઉજવણી પૂરી થતા હવે આ કુટુંબ પોતાના ઘર તરફ પાછું વળે છે. ઘર તરફની પાછી વળતી મુસાફરીમાં તેઓ એક દિવસની મજલ તો કાપી નાખે છે અને ત્યાં જ રસ્તામાં યોસેફ અને મરિયમને ખબર પડે છે કે તેમનો દીકરો ઈસુ તેમની પાસે નથી.  આથી બેબાકળા બનેલા આ માતા-પિતા એક દિવસની વળતી મજલ કરી છેક ત્રીજે દિવસે ઈસુને મંદિરમાંથી શોધી કાઢે છે. ઉપર છગનને પૂછવામા આવ્યો  હતો તેવો જ પ્રશ્ન માતા મરિયમ દીકરા ઇસુને પૂછે છે કે બેટા તે આમ કેમ કર્યુ? જો, તારા બાપુ અને હુ તો તને શોધી શોધીને અરધા થઇ ગયા. અને ઇસુ જવાબ આપે છે કે શું તમને ખબર નહોતી કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ.

પરંતુ આ વાતને અંતે માતા-પિતાનો ભાવ કેવો છે તે જાણવુ ખુબ જ જરુરી છે.  આપણને ખબર પડે છે કે માતા મરિયમ પોતાના હૃદયમાં આ વાત સંઘરી રાખે છે. આશ્ચર્યજનક રીતે આપણને માલુમ પડે કે અહીંયા યોસેફની કોઈ જ વાત કરાઈ નથી. એનો મતલબ એટલો જ થયો કે યોસેફ સ્થિતપ્રજ્ઞનું સ્વરૂપ ધારણ કરે છે. અને તેને જ કહેવાય કે પોતાના દીકરાને મૌનવ્રત રાખીને સમજવું. એટલે હવે ઇસુ પણ હવે પછીનો સમય પોતાના મા-બાપના કહ્યામાં રહેશે.

યોસેફના જેવું મૌનવ્રત રાખીને દુનિયાના દરેક પિતા પોતાના સંતાનોને જીવનનો કોઈક ને કોઈક પાઠ તો જરુરથી શીખવાડીને જાય છે. જુઓને, આમ તો નાનપણથી જ મારો માતા પ્રત્યેનો પ્રેમ પિતા કરતા કંઈક વધારે હતો. તેમ છતાં મારે મારા માતા કરતાં પિતાની પાસે રહેવાનું વધારે થયું. આજે જીવનમાં પાછળ જોતા લાગે છે કે મારે મારા પિતાને જેટલો પ્રેમ કરવો જોઈતો હતો તેથી થોડો ઓછો પ્રેમ હુ તેમને કરી શક્યો છુ. હુ મારા પિતા સાથે નાના ગામમાં રહેતો. પિતા મીલમા એક કામદાર તરીકે નોકરી કરતા. જોકે મારા મોટા ભાઈઓ કે જે તેમને બપોરે અથવા તો સાંજના સમયે મિલમાં ટિફિન આપવા જતાં તે ઘણી વખતે કહેતા કે આજે તો મીલમા ઉડેલા રૂમા પિતાજી એટલા તો લદબદ હતા કે  ઓળખવા ખરેખર મુશ્કેલ પડે. વળી મીલમા કામદારો પાસે લેવામા આવતા સખત કામનો ઉલ્લેખ કરવાનું પણ તેઓ ચૂકતા નહીં.  આમ બાળપણથી જ મારા દિલમાં એક વાતની છાપ તો જરૂર બેસી ગઈ કે પિતામા બીમારીના લક્ષણ  હોવા છતાં મીલમાં સખત કામકાજ કરવું જ પડે છે. સાંજે ચાર વાગે હું પિતાને રસ્તામાં મળતો અને એ મારા માટે શું લાવ્યા છે તે અંગે પૂછપરછ કરતો. તે તરત પોતાના હાથમાંનું બે ડબ્બાનું એલ્યુમિનિયમ ટિફિન મારા હાથમાં ધરી દેતા. ટિફિનમાં કંઈ હોવાની અપેક્ષામાં હુ ટીફીન લઇ ઘર તરફ દોડતો. ઘરે જઈ ટિફિન ખોલતા તેમાંથી બાજરીના રોટલાની એક ફાળ મને મળી આવતી. જો કે હું કંઈક બીજુ  લાવવાની ફરિયાદ જરૂર કરતો. પણ અંતે તે મીઠા રોટલાની ફાળને ચડ્ડીના ખિસ્સામાં નાખી ફરતાં ફરતાં ખાતો.

આજે ફરીથી આ પ્રસંગો એક પિક્ચરના સ્વરૂપે મારા મગજમાંથી દોડી રહ્યા છે. પોતાને મળતા ત્રણ રોટલામાંથી એક ફાળ તોડીને દીકરા માટે રાખી મૂકવી, રસ્તામા મળતા દિકરાને તે ફાળ આપવી તે કંઈક મને દિકરા માટે પિતાના મૌન પ્રેમની યાદ અપાવી જાય છે. આપણી જરૂરિયાતો માટે પોતાની જરૂરિયાતો અને સ્વપ્નો તોડી નાખનાર એટલે પિતા. આપણા પિતાનું આપણા કુટુંબ માટેનું યોગદાન એટલે કે પોતાની જાતને બાળી નાખી આખા ઘરને અજવાળું આપવુ. ધન્ય છે દુનિયાના સર્વ પિતાને. આમીન.

જય ઈસુ
———————————
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 
 
*તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)*

Leave a Reply

%d bloggers like this: