રોયલ ખ્રિસ્તી : શોષણ, શોષણ અને શોષણ; જ્યાં જુઓ ત્યાં શોષણ. કોઈની મજબૂરીનું શોષણ તો કોઈની કાબેલિયતનું શોષણ. કોઈની કલાનું શોષણ તો કોઈની લાગણીઓનું શોષણ. જાતિના નામે પણ શોષણ થાય છે. તો વળી ધર્મમાં પણ શોષણે અડિંગા લગાવેલા છે. શોષણે આડો આંક વાળેલો છે! કોણ છે આ શોષણ કરનારાઓ? કેમ કરે છે તેઓ શોષણ?
અત્યારે જ્યાં જુઓ ત્યાં દરેક ક્ષેત્રમાં શોષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. પ્રાઇવેટ કંપનીઓ, સંસ્થાઓ, ઓફિસો કે સરકારી ખાતાઓમાં કામ કરતા કર્મચારીઓનું બોસ, માલિકો અને અધિકારીઓ દ્વારા છડેચોક રીતે ખૂબ જ શોષણ થતું આવ્યું છે. અને અત્યારે પણ થઈ રહ્યું છે.
સૌ પ્રથમ તો જ્યારે કોઈપણ કર્મચારીને નોકરી ઉપર રાખવામાં આવે ત્યારે તેને બોન્ડ, કોન્ટ્રાક્ટ તથા નીતિનિયમો દ્વારા લાચારી સાથે જકડીને બાંધી દેવામાં આવે છે. અને કર્મચારી બિચારાને નોકરીની જરૂરિયાત અને મજબૂરીના કારણે બધી જ શરતો સાથે નોકરી સ્વીકારવા સિવાય કોઈ છૂટકો નથી હોતો. ત્યારબાદ થોડો સમય નોકરીમાં વિતાવ્યા પછી તેને ખ્યાલ આવે છે કે મારું તો અહીં શોષણ કરવામાં આવી રહ્યું છે. નિયમ કરતાં વધારે સમય કામ કરવાનું, રજા ના મળવી અને મળે તો તેનો પગાર કપાઈ જવો, સમયસર પગાર ના થવો અને બે ત્રણ મહિના સુધી પગાર અટકી જવો. જેવી ઘણી સમસ્યાઓનો તે મજબૂરીમાં સામનો કરી કામ કર્યે જ રાખે છે. જો વિરોધ કરે તો નોકરી છૂટવાનો ડર, પરિવારની ચિંતા અને બીજી ઘણી બધી તકલીફો.આ બોસ, માલિક કે અધિકારીઓ મીઠું મીઠું બોલી કર્મચારીની આવડતનો ભરપૂર ઉપયોગ કરીને પછી જ્યારે તેઓની કોઈ જરૂર ના રહે ત્યારે ચુસાયેલા ગોટલાની માફક તેઓને નોકરી કે કામમાંથી કાઢી મૂકતાં સહેજ પણ ખચકાતા નથી. અને પછી તે કર્મચારીની જગ્યાએ ઓછા પગાર અને વધુ કામ કરનાર વ્યક્તિને નોકરી ઉપર રાખી લેતા હોય છે. અને દુનિયામાં જરૂરિયાતમંદ તથા મજબૂર માણસોની તો કોઈ કમી જ નથી…!
આ પણ વાંચો – વિવિધ વાદ (Different isms) – નૌતમ વાઘેલા
ઉપરાંત આ બોસ, મલિક કે અધિકારીઓ અલગ અલગ નાના વ્યવસાયકારો, કલાકાર, કસબીઓ અને કારીગરોનું પણ આ જ રીતે શોષણ કરતા હોય છે. જેટલું બને તેટલું તેઓનું મહેનતાણું ઓછું કરી કામ આપતા હોય છે કે ખરીદી કરતા હોય છે. અને કામ પત્યા બાદ તેઓના બિલ અટકાવી ધક્કા ખવડાવતા હોય છે. તેઓને આ લોકો સાથે ખરાબ કરવામાં સહેજ પણ ઈશ્વરની બીક લાગતી નથી હોતી. તેઓ ભૂલી જતા હોય છે કે જેમ પોતાનો તેમ બીજાઓનો પણ પરિવાર અને સઘળી જરૂરિયાતો પણ હોય છે. તેઓને તો હંમેશા કંપની, સંસ્થા, ઓફિસની અને પોતાની પ્રગતિમાં જ રસ હોય છે. કેમ કરીને પોતાના ખિસ્સાં ભરાય છે તેવું જ વિચારતા હોય છે. બીજા લોકોનું જે થવું હોય તે થાય…! એવું નથી કે ફક્ત આ બોસ, મલિક કે અધિકારીઓ જ શોષણ કરતા હોય છે. દુનિયામાં ઘણાં પૈસા પાત્ર અને લાલચુ લોકો પણ પોતાની આસપાસ કેટલાયે મજબૂર અને ગરીબ લોકોનું શોષણ કરતા હોય છે. ત્યાં સુધી કે પોતાની નજીકની વ્યક્તિઓ અને સગાંવહાલાંનું પણ લાગણીઓ કે પૈસા બાબતે શોષણ કરતા હોય છે.
ક્યાં જઈને અટકશે આ બધું. માનવતા એ જ સાચો ધર્મ અને ભક્તિ છે, તે ક્યારે સમજશે તે? આપણે પ્રાર્થના કરીએ કે તેઓનામાં સુધારો થાય અને કુદરતના પ્રકોપથી ઈશ્વર તેઓને બચાવે.
@ રોયલ ખ્રિસ્તી