અનુભવ : કાર નેહરના ઊંડા પાણીમાં ખાબકી, બન્ને બાળકો ને હું ડુબ્યા. રૂવાંટા ઉભાં કરી દે એવી સત્ય ઘટના

  • મરી પરવારેલો હું…હસમુખ
  • ૧ ફેબ્રુઆરીનોએ ભયાવહ દિવસ

હસમુખ મકવાણા, ઠાસરા :  મારી દિકરી નિધિને જીવનમાં યાદ રાખવા જેવી બાબતો ,જીવનમાં રાખવાની સાવચેતીઓ,મારા પૈસાના હિસાબની નોટબુકની માહિતી અને બીજી મહત્વની વાતો સમજાવી કારની બહાર ધકેલી દીધી…જ્યાં એ યુવાને એને તરત જ પકડી લીધી…અને …
“આવજે નિધિ બેટા…….તારા ભાઇ અને તારી મમ્મી તથા આપણા પરિવારનું ધ્યાન રાખજે..bye “…. કહી કદાચ બીજી જ સેકન્ડે હું કાર સાથે નહેરના ૨૦ ફુટ ઉંડા પાણીમાં ડુબી જ ગયો. એ પછી મારી દિકરીનું શું થયુ એ પણ મને ખબર જ ના હતી. પણ હવે હું ફાઇનલી મરવા જ જઇ રહ્યો હતો. ૧ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ મારી સાથે બનેલો અતિ ભયંકર બનાવ જે મેં એક મિત્ર Deepak samtaની પોસ્ટની ટીપ્પણીમાં બે ટુકડામાં લખ્યો હતો કોઇ બાબતનું ઉદાહરણ આપવા માટે. કદાચ.એ જ ટીપ્પણી ત્યારબાદ મે મારી વોલ ઉપર પોસ્ટ તરીકે પણ મુકી હતી.

Hasmukh makwana

૧ ફેબ્રુઆરી ૨૦૧૪ની એક બપોરે મારે મારા ગ્રાહક પાસે મેં કરેલી લગ્ન ફોટોગ્રાફીના બીલ પેટે નીકળતી લેણાની રકમ લેવા જવા મારા ગામથી ગામ અંઘાડી તાબે આવેલ પરા વિસ્તાર ચપટીયા જવાનું થયુ. મારા ગામથી માંડ ૫/૭ કિમી દુર આવેલા આ ગામ ચપટીયા પહોચવાં માટે હાઇ-વેનો રસ્તો અને શેઢી કેનાલની ઉપર બનાવેલો રસ્તો. એમ બે રસ્તામાંથી મેં શેઢી કેનાલનો રસ્તો પસંદ કર્યો.મેં મારી કારને ચાલુ કરી ત્યાં મારા બે બાળકો નિધિ(૧૨) અને હર્ષિત(૮) એ દિવસે શનિવાર હોવાથી સ્કુલ પુરી કરી ઘરે જ હતા અને મારી સાથે આવવાની જીદ કરવાં લાગ્યા.મેં એ બંને બાળકોને કારની પાછળની સીટમાં બેસાડી મારી કાર કેનાલના રસ્તા તરફ હંકારી મુકી.નહેરની દેખરેખ માટે નહેરની એક પાળ ઉપર બનાવેલો રોડ એ સમયે બે દિવસ પહેલા જ બનીને તૈયાર થયો હતો અને અ ડામર રાેડ ઉપર બારીક ડસ્ટનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેથી રોડ થોડો લપસણો બની ગયો હતો. તેથી ગાડીની સ્પીડ મેં ઓછી જ રાખી હતી.

બપોરનો બે અઢી વાગ્યાનો સમય… નહેર ઉપરથી જોરદાર ફુંકાતી હવા અને સ્કુલે જવા માટે વ્હેલી સવારે ઉઠી ગયેલા મારા બંને બાળકો કારમાં બેસતાં જ ધીરે ધીરે સુઇ ગયા…. હું આરામથી કાર ચલાવતો હતો અને નહેરનાે મુખ્ય ગેટ પાર કરી મુખ્ય નહેર ઉપર ઉપર આવી ગયો… લગભગ ૧૫૦-૨૦૦ ફુટ પહોળી અને એ સમયે ૨૦ ફુટ સુધી પાણી ભરેલી ઉંડી શેઢી કેનાલના પાછળના ભાગે(જેમાથી બે નહેર નીકળે એવા ગેટથી અડધા કિમી દુર) પહોચતાં મને છાતીમાં સુળ ભોંકાતી હોય એવું દર્દ થયુ. માંડ બે-ત્રણ સેકંડ માટે જ.

પણ એ ઓચિંતા ઉઠેલા દર્દને કારણે મારો જમણો હાથ મારી જાણ બહાર જ મારી છાતી સુધી પહોચી ગયો અને એ એક હાથથી છુટી ગયેલા સ્ટેરીંગના કારણે મારા ડાબા હાથ ઉપર થોડુ દબાણ વધી ગયું અને કારનું સ્ટેરીંગ થોડુ ડાબી તરફ વળી ગયુ…. અને હું કંઇ સમજુ એ પહેલા જ ડસ્ટના કારણે રોડ ઉપરની પકડ છોડી ગયેલી મારી કાર, રોડ સાઇડથી માંડ બે ફુટ દુર શરુ થતી નહેરમાં ખાબકી ગઇ. ધબાક..

૩૦/૩૫ની સ્પીડે ચાલતી મારી કાર જેવી નહેરમાં ખાબકી એવો જ કારનો આગળનો ભાગ નહેરના પાણીમાં ડુબી ગયો અને આગળની ખુલ્લી વિન્ડોમાંથી ૫૦/૬૦ બાલટી પાણી કારની અંદર ઘુસી ગયુ… બીજી જ મીનીટે કાર પોતાના વજનથી પરત ઉંચકાઇ અને પાણી ઉપર થોડી સમાંતર ડુબેલી અવસ્થામાં તરવા લાગી…… જેારદાર ધબાકાભેર પાણીમાં પડેલી કારનો પ્રચંડ ધડાકો અડધો કિ.મી નજીકના ડાભસર ગામે પણ સંભળાયો હતો (આ ધડાકો સંભળાયાની વાત મને પછી માલુમ પડી હતી)
અચાનક થયેલા આ ધમાકેદાર આંચકાથી મારા બંને બાળકો જાગી ગયા હતા, ચમકી ગયા હતા. અને તેઓએ અચાનક જોયેલા પાણીથી અેમને અમારી કાર કોઇ કુવામાં પડી ગઇ છે એવું લાગ્યું.

મારી દિકરીનો મને પહેલો જ સવાલ હતો.

: પપ્પા આપણે બહાર કેવી રીતે નીકળીશુ ?
: પપ્પા હવે આપણે મરી જઇશુ?

આ અચાનક બનેલ ઘટનાથી હું પોતે પણ થોડી મિનીટ માટે શુન્યમનષ્ક થઇ ગયો હતો… પરંતુ થોડી જ મીનીટમાં મે મારા ગભરાટ ઉપર કાબુ મેળવી લીધો, મેં મારી દિકરીને જવાબ આપ્યો : બેટા .. ગભરાવ નહી.. પપ્પા છે ને… આપણને કશું નહી થાય.

ઉફ્ફ.. મારા બાળકોના એ ભરપુર ગભરાયેલા ચહેરા હું આજે પણ ભુલી શકતો નથી (પોતાના સંતાનોને ભયભીત જોતા મા-બાપ ઉપર શું વીતતી હશે એ વાતનો મને એ દિવસે પહેલીવાર અનુભવો થયો હતો)

મને ખબર હતી કે ૨૦ ફુટ જેટલાં ઉંડા પાણીથી લબાલબ આ વિશાળ દરિયા જેવી નહેરમાંથી અમે કોઇપણ સંજોગોમાં હવે બહાર નીકળી શકવાના નથી.. અમારુ મરવાનું લગભગ પાક્કુ જ હતું. છતાં પણ બીજી કોઇ બાબતને ધ્યાને લીધા વગર કે ભગવાનને યાદ કર્યા વગર (હું કોઇપણ પરમ તત્વ કે ઇશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતો નથી) હું કે મારા બાળકો કેવી રીતે બહાર નીકળી શકીએ એ વિશે વિચારતો હતો.

જે કોઇ કાળે શક્ય હતું જ નહી.

બસ હવે દરવાજાના પોલાણમાંથી ધીરે ધીરે કારની અંદર આવતું પાણી પોતાના વજનથી મારી કારને ડુબાવી દે એ જ રાહ જોવાની હતી મારે.  બરાબર એજ સમયે નહેરના સામે કિનારે/ઉપર નજીકના ગામનો એક યુવાન (૨૨/૨૫ વર્ષ) પોતે પકડેલી મચ્છી ધોતો હતો અને એણે મારી કાર નહેરમાં પડતા જોઇ…અેને તરતા આવડતું જ હતું તેથી મદદ કરવાના આશયથી એ યુવાને સામે કિનારેથી નહેરમાં છલાંગ લગાવી અને એ વાતનું આજુબાજુ બચાવ માટે ફાંફા મારતા મને ઘ્યાને આવ્યુ. હવે ૧૨૫/૧૫૦ ફુટનું અંતર કાપી એ યુવાન તરતાં તરતાં મારી પાસે આવે ત્યા સુધી તો મારી કાર અડધે સુધી પાણીમાં ડુબી જ ગઇ હતી…. શક્યતા ના હોવા છતાં પણ જો એ યુવાન મારી નજીક પહોચી શકે તો મારે મારા દિકરાને બચાવી લેવડાવવો એવો નિર્ધાર મેં મનમાં જ કર્યો… કારણ કે પડી પછડાઇને દિકરો બાપ વગર પણ જીવનમાં પગભર થવાની પુરી શક્યતા હોય એ મેં મારી આજુબાજુ બાપ વગરના મોટા થઇ રહેલા/ચુકેલા બાળકોને જોઇને જાતે અનુભવ્યું હતું.

થયુ પણ એવું જ….એ યુવાન સડસડાટ તરતાં તરતાં મારી કારની નજીક આવી ગયો….એ યુવાન નજીક આવતા જ મેં થોડી મહેનત કરી દિકરાને બારી બહાર ધકેલી દીધો અને મારા દિકરાને એ યુવાને પકડી પણ લીધો અને અમને પણ બહાર આવી જવા જણાવ્યુ.
પણ..
મારુ અને મારી દિકરીનું બહાર નીકળવું હવે શક્ય હતું જ નહી. તેથી મેં એ યુવાનને કહ્યુ કે :”ના… તું ફક્ત મારા આ છોકરાંને જ બચાવી લે” અને મેં તે યુવાનને નહેરની બહાર નીકળી જવા જણાવ્યું…. એ જ સમયે મેં સમયનો હિસાબ લગાવ્યો જેમાં એ યુવાનનો બહાર નીકળવાનો સમય અને મારી કારમાં પાણી ભરાવાથી ડુબવાનો સમય જોડ્યો…. આ હિસાબને અંતે આવેલા જવાબમાં, મારી કાર પાણીમાં ડુબે એ પહેલા તે યુવાન મારા દિકરાને જો નહેરની અંદરની તરફ પાણીની ધાર ઉપર જ છોડીને પાછો આવે, તો મારી દિકરી માટે પણ છેલ્લી મિનીટે બચવાના પુરા ચાન્સ હતા.
મેં એ યુવાનને કહ્યુ : આ છોકરાંને તું ઉપર મુકવા ના જઇશ પણ નહેરના પાણીની ધાર ઉપર ઉગેલું ઘાસ પકડાવી તરત પાછો વળ તો મારી દિકરી પણ બચી જાય…… અને થયુ પણ એવું જ… એ યુવાન મારા દિકરાને અંદરની ધાર ઉપર મુકીને પરત આવ્યો અને નહેરની અંદરની ધાર ઉપરથી મારો દિકરો ધીરે ધીરે નહેરના ઉપરના કિનારે જતો રહ્યો હતો (મારા દિકરાએ આ વાત મને પછી કરી હતી કે, એ કેવી રીતે નહેરના કિનારા ઉપર પહોચ્યો હતો.)
યુવાન પરત આવ્યો એ વખતે કાર ભરાયેલા પાણીના ભારથી લગભગ ૮૦% ડુબી જ ગઇ હતી અને યુવાન પરત આવે ત્યાં સુધી બચેલા એ સમયમાં મેં મારી દિકરીને જીવનમાં યાદ રાખવા જેવી બાબતો ,જીવનમાં રાખવાની સાવચેતીઓ,મારા પૈસાના હિસાબની નોટબુકની માહિતી અને બીજી મહત્વની વાતો સમજાવી બહાર ધકેલી દીધી…જ્યાં એ યુવાને એને તરત પકડી લીધી…અને …”આવજે નિધિબેટા..તારા ભાઇ અને તારી મમ્મી તથા આપણા પરિવારનું ધ્યાન રાખજે..bye “…. કહી કદાચ બીજી જ સેકન્ડે હું કાર સાથે નહેરના ૨૦ ફુટ પાણીમાં મારી કાર સાથે ડુબી ગયો… એ પછી મારી દિકરીનું શું થયુ એ પણ મને ખબર જ ન હતી. હવે હું મરવા જઇ રહ્યો છું એ વાતની મને પુરેપુરી જાણ હતી છતાં પણ મને સહેજ પણ ગભરામણ કે બીક લાગી ના હતી કે ના મેં ભગવાનને યાદ કર્યા હતા કે ના એમને મદદ માટે આજીજી કરી કરી હતી… બસ હું હળવાસથી મરી રહ્યો હતો.

કારની સાથે હું પણ ૨૦ ફુટ ઉંડા પાણીમાં ડુબી જ ગયો…. પાણી મોં અને નાંક વાટે મારાથી પીવાતું જતુ હતું… થોડી જ સેકન્ડમાં મારી કાર નહેરના તળીએ બેસી ગઇ… મારા બંને બાળકો બચી જવાનો સંતોષ હતો મને… પરંતુ મારી દિકરી નિધિ બાબતે મને વધુ ચિંતા રહેલી હતી મને પહેલાથી જ… હવે મરી રહેલા મને એવું થયુ કે જો મરતા પહેલાં મને મળતી ચાર પાંચ મીનીટનો ઉપયોગ હું જીવવાના પ્રયાસ માટે ના કરુ તો હું મુર્ખ સાબીત થઇશ.
હવે મેં કારની અંદરથી બહાર નીકળવાની યુક્તિઓ વિચારી. ભારે દબાણવાળા પાણીમાં કારનો દરવાજો ખુલે નહી એ હું જાણતાે હતો. એથી એ કોશિષ કરીને સમય બગાડવો મને ઉચીત ના લાગ્યો… સમસ્યા એ હતી કે બાળકોને બચાવવા અને કારનું બેલેન્સ સાચવવા મારે કારની પાછળની સીટ ઉપર જવું પડ્યુ હતું… અને હવે હું કારની પાછળના ભાગમાં જ ફસાઇ ચુક્યો હતો.અને કારની પાછળની વિન્ડો અડધાથી પણ ઓછી ખુલ્લી હતી, અેથી વિન્ડોમાંથી પણ હું નીકળી જ શકુ નહી એવી સભયંકર સ્થિતીનું નિર્માણ થઇ ચુક્યુ હતું.

હવે કરવું શુ ?

મોં અને નાક વાટે પીવાયેલા પાણીથી મને સખ્ખત ગુંગળામણ થઇ રહી હતી. પાણીમાં મને ખુલ્લી આંખે અંધારુ માલુમ પડતું હતુ.. પણ પીવાયેલા પાણીના દબાણથી મારુ તાળવું/માથુ ફાટી ગયુ હેાય અને એ ફાટમાંથી પાણી મારા માથામાંથી બહાર ઉછળી રહ્યું હોય એવું ફીલ થઇ રહ્યુ હતું મને. તીવ્ર છટપટાહટ અને એ એક ક્યારેય નહી બીનઅનુભવેલી પીડા ખરેખર અસહ્ય હતી મારા માટે(પાણી પીવાયેલ અવસ્થામાં મરવાની છેલ્લી મિનીટેમાં આ રીતે જ અનુભવાતું હશે અન્ય ડુબનારને પણ)

આ બધી પીડા ઉપરાંત પણ મેં મારા મગજને કાર્યરત રાખી મેં મારુ સઘળું ધ્યાન કારની બહાર નીકળી જવા ઉપર જ કેન્દ્રીત કર્યુ હતું….. મારે જીવનની આખરી ક્ષણ સુધી બહાર નીકળવા માટે ફક્ત પ્રયત્ન જ કરવાનો હતો… જે કોઇ કાળે સફળતામાં પરિણમે એની શક્યતા લગભગ હતી જ નહી. પણ હું વિના પ્રયત્ને, મફતમાં મરવા માંગતો હતો નહી… મેં મારી કાર પાણીમાં પડી એ સમયની સ્થિતી યાદ કરી તો મને ધ્યાને આવ્યું કે મારી કારની પાછળની જમણી બાજુની બારી અધખુલ્લી છે. તો જો હું કારની અંદર જ ડાબી બાજુથી પગની ઠેક વડે એ અધખુલ્લી બારીમાં અથડાવ, તો કદાચ એ બારીનો કાચ તુટી કે ફસકાઇને પોતાને થોડો વધુ ખુલ્લો કરે, તો હું કારની બહાર નીકળી શકુ…. પછીની વાત મેં પછી ઉપર છોડી હતી..(આ દરમિયાન મને મારા બાળકોના બાપ વગરના જીવનની ચિંતા હતી જ….. પૈસા પૈસા હોય અને બાપ બાપ હોય એ વાતમાં ક્યારે પણ શંકા ના હોઇ શકે)
આ વિચારતા વિચારતા મેં પગની જોરદાર ઠેક લીધી અને હું માછલીની જેમ સડસડાટ અધખુલ્લી બારીમાંથી જ અનાયાશ જ બહાર નીકળી ગયો જે મને મારા શરીરને બારીમાથી બહાર નીકળતા થયેલ ઘસારાથી માલુમ પડ્યું હતું..

ખરી રમત હવે હતી…

હું તો લગભગ મરી પરવારેલો હતો.. પણ મગજ તો ચાલુ જ હતું મારુ.. પાણીની સપાટી ઉપર પહેાચવાની તાકાત હવે હતી નહી મારા શરીરમાં… પણ… અત્યાર સુધી કરેલું રફ એન્ડ ટફ જીવન ઘડતર અને જોઇ,વાંચી, શીખીને મેળવેલ બુધ્ધી હવે મને કામ લાગવાની હતી… પાણીમાં ડુબીને મરતી વખતે શરીર એકવાર જરુર સપાટી ઉપર આવે એ વાત પર થોડો ભરોશો હતો મને… અને મરવાની છેલ્લી ઘડીએ હું સાચ્ચે જ પાણીની ઉપરની સપાટી તરફ જવા લાગ્યો. હવે આ છેલ્લી વખત સપાટી પર પહોચેલા શરીરને હું એકાદ શ્વ્ાસ લેવા માટે પાણી ઉપર સ્થિર કરુ તો હું ચોક્કસ જીવવાની નજીક પહોચી શકુ અેવું હતુ.. …. થયુ પણ એવું જ… ઉપર પહેચેલાં મેં પુરી તાકાતથી હાથ પગ હલાવી મહા પરાણે એકાદ શ્વાસ લઇ જ લીધો, અને બીજી જ ક્ષણે હું પાણીમાં પાછો ઉતરવા લાગ્યો…
હવે તો હું ૧૦૦% મરવા જ જઇ રહ્યો હતો એ મને પાક્કી ખાત્રી હતી..આ વખતે ઉપર આવેલા મને મારા બાળકોનાં “મારા પપ્પા દેખાયા.. પપ્પા..પપ્પા” એ અવાજો પણ કાને પડ્યા હતા. હજુ પણ મેં મારુ મગજ અને મારા તર્ક અટકાવ્યા ના હતા. જો તળીએ પહોચતા જ હું મારા પગના જોરદાર ધક્કા વડે પાછો સપાટી પર આવુ તો હજુ પણ જીવી શકાય મારાથી… એ તર્ક લગાવ્યો… અને એ મુજબ જ મેં તળીએ પહોચતી વખતે મારા પગને થોડા વાળેલા રાખ્યા હતા. હું રીતસર તરફડી રહ્યો હતો મરવા માટે.. છતાં પણ મેં મારુ ધ્યાન મારા શરીરની હલનચલન ઉપર જ ક્ેન્દ્રીત કરી રાખ્યુ હતુ. મારુ જરા સરખું બેધ્યાનપણું મારા મરવા માટે પુરતું હતું, તેથી મેં મારુ ધ્યાન ભ્રમિત થવા દીધુ જ ના હતું…. હું તળીયા તરફ જતો હતો, પણ જેવા મારા પગ જમીનને અડક્યા ત્યાં જ મેં મારા પગને પાછો ધક્કો મારી મારા શરીરને ઉપર આવવા મજબુર કર્યુ.. હું ફરી પાછો સડસડાટ ઉપર આવી ગયો.. હવે મારે નીચે ના જવાય એનું જ ધ્યાન રાખવાનું હતુ… … જે મેં રાખ્યું….. છેલ્લી તાકાત સુધી હાથ પગ હલાવી મારા શરીરને તરતુ કર્યુ (મને ૫૦% જેવું તરતા આવડતું હતુ)
આ બધી ધમાચકડીમાં હું નહેરના કિનારા કરતા નહેરની વધુ મધ્યની નજીક પહોચી ગયો હતો, અને નહેરની અંદર વહેતા પાણીમાં હું મારી કાર અને જ્યાથી કાર નહેરમાં પડી હતી એ જગ્યાએથી લગભગ ૧૦૦-૧૫૦ ફુટ દુર વહી ગયો હતો.પાણીની સાથે સાથે હું જે જગ્યાએ ડુબ્યો હતો ત્યાથી મુખ્ય ગેટ થોડો જ દુર હતો, અને એ અડધા કરતાં પણ ઓછા ખુલ્લા ગેટની નીચેથી પાણી પુરતા જોરથી ત્યાથી નીકળતી બે નહેરોમાં જતુ હતું, અને એથી જ ઉપરથી શાંત દેખાતું પાણી નહેરના તળીએ લગભગ સડસડાટ વહ્ેતું હતું. જે મને મારા શરીરને પાણીમાં થતા જોરદાર ખેંચાણથી માલુમ પડતુ હતું. હું છેલ્લીવાર ઉપર આવ્યો એ સમયે ત્યારે મારુ માથુ પેલા યુવાને અને મારા બાળકોએ જોયુ હતું. પરંતુ પેલા ગામઠી,તરવૈયા યુવાનને તો ખબર જ હતી કે આ ધસમસતા પાણીમાંથી કાર સાથે ડુબેલા માણસનું બહાર નીકળવું ક્યારે પણ શક્ય છે જ નહી અને એ યુવાને મારો ખેલ ખતમ જ માની લીધો હતો કે, આ ભાઇ હવે પતી જ ગયા. બીજીવાર મને ઉપર આવેલા જોઇ એ લોકો મારી તરફ દોડીને આવવા લાગ્યા નહેરના ઉપરના કિનારાના રસ્તે. મેં છેવટની તાકાત લગાવી કિનારાની નજીક પહેાચવાનો પ્રયત્ન કર્યો અને મને એમાં થોડી સફળતા પણ મળતી હતી.. એ દરમિયાન પેલો યુવાન નહેરની અંદરની દિવાલે ઉતરી મારી સાથે સાથે ધીમે ધીમે ચાલતો હતો. મારા બંને બાળકો “પપ્પા..પપ્પા” ની બુમો પાડી નહેરની ઉપરની તરફ મારી સાથે સાથે રડતા રડતા ચાલી રહ્યા હતા.નહેરની અંદરના કિનારે આવેલ એ યુવાને મને બચાવવા અંદર કુદવાનું મને ઇશારાથી પુછ્યુ : હું અંદર આવુ ?

મેં હાથના ઇશારાથી એને “ના” કહ્યુ.

મને ડર હતો કે ભરપુર મહેનત કરીને થાકેલા મારા શરીરે જો એ યુવાનને બાથ ભીડી દીધી તો હું અને એ યુવાન બંને મરીશુ (હું ખરેખર સખ્ખત થાક્યો હતો .મારા શરીરે તાક્તની બાબતમાં મારો હાથ લગભગ છોડી જ દીધો હતો)
અને અમને ડુબતા જોઇ મારા બાળકો પણ અંદર પડી શકે કદાચ… અને એ મને પાલવે એમ ન હતુ. આખરે હું ધીરે ધીરે તરતાં તરતાં કિનારા સુધી આવી પહેાચ્યેા. ખેડુતપુત્ર અને ગામડા જેવા શહેરમાં ઉછરેલા મને નહેરના બાંધકામની સારી એવી જાણકારી હતી અને એ પણ ખબર હતી કે ઇંટો વડે ચણાયેલી નહેરમાં કેટલીક જગ્યાએથી ઇંટો સડીને કે તુટી ને ખરી જતી હોય છે. તો કિનારાની આવી તુટેલી કોઇ એક ઇંટ શોધી તે ઇંટમાં આંગળી ફસાવી હું તરવામાંથી અટકી ગયો અને પગના બંને અંગુઠાને આમતેમ અંદર જ ફેરવી મળી ગયેલા એક હોલમાં મારા એક પગનો અંગુઠો ફસાવી દીધો અને પાંચ સાત મિનીટ સુધી હું કિનારાના પાણીમાં જ પડી રહ્યો, અને મારા શ્વાસ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો.મારા નાકમાંથી ઉચ્છવાસની હવા સાથે પાણી પણ નીકળતું હતું.જ્યાં સુધી મારા શ્વાસ કાબુમાં ના આવ્યા ત્યા સુધી મેં મારી બરોબર સામે જ હાથ લંબાવીને ઉભા રહેલા એ યુવાનનો હાથ પણ પકડ્યો નહી.શ્વાસ ઉપરનો કાબુ મેળવી, એ યુવાનનો હાથ પકડી હું ઉપરના કિનારે પહોચ્યો. મારા બાળકો મને વળગી જ પડ્યા.મારી દિકરીને કારમાંથી બહાર ફેંકતી વખતે એને ચહેરા ઉપર કોઇ વસ્તુ વાગી ગઇ હતી અને અે ઘા માંથી નીકળતું લોહી એના આસુ સાથે વહીને અેના કપડાં ઉપર પડી રહ્યુ હતુ.એનો આખો ચહેરો અને ટોપ લોહીથી ખરડાયેલ હતું. મારા બાળકો મને છોડવા તૈયાર ના હતા.
નજીકના ગામમાં સંભળાયેલા કારના ધમાકાને કારણે ગામ લોકો અમારી તરફ દોડી આવ્યા. .મારા વ્યવસાયી ખાસ મિત્રનું ગામ હોવાથી એ ગામના મોટાભાગના લોકો મને નામજોગ ઓળખતા હતા.થોડા સમય બાદ એ મારો મિત્ર પણ પોતાની કાર લઇને આવી ગયો અને અમને ત્રણેને મારા ઘરે પહોચતાં કર્યા.

આઘ મને ઘણુબધું શીખવા મળ્યું, પણ એમાંની મુખ્ય વાત એ હતી કે બુધ્ધીથી આગળ કશું ના હોય. અને હિંમતની સામે પ્રતિકુળ સંજોગો પણ હારી શકે છે.

Leave a Reply

%d bloggers like this: