આપણને બીજા તીર્થરાજ નહીં મળે ! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ગુજરાત કેડરના 1984 બેચના પૂર્વ IPS અધિકારી તીર્થરાજનું 30 જૂન 2021 ના રોજ હાર્ટએટેકથી અવસાન થયું. તેમની ઉંમર 62 વર્ષની હતી. કોણ હતા તીર્થરાજ? 1 જુલાઈના સંદેશમાં પૂર્વ DGP એ. કે. સુરોલિયાએ અદભૂત સ્મરણાંજલિ આપી છે : “પોલીસ સર્વિસમાં જોડાયા તે પહેલા તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતા; પોલીસમાં જોડાયા બાદ તેઓ શિક્ષકની ફરજ બજાવતા હતા; કાયદાની/નિયમોની ગૂંચ પડે ત્યારે તેઓ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન આપતા. પોલીસ કાયદાઓ અને નિયમોનું ઝીણવટભર્યું જ્ઞાન ધરાવતા હતા. બિરબલ જેવી વિનોદવૃતિ હતી. તેઓ કોઈ વળતર કે અપેક્ષા વિના દિવસ રાત સતત ફરજ બજાવતા હતા. તેઓ સેક્યુલર હતા. નામની સાથે અટક લખતા નહીં; નાતજાતના ભેદભાવમાં માનતા નહીં. તેઓ નિખાલસ અને પારદર્શક હતા. તેઓ સંપૂર્ણ પોલીસ અધિકારી હતા; ગુનાની તપાસ/કાયદો-વ્યવસ્થા/કોમી તોફાનો/આતંકવાદી પ્રવૃતિ/ટ્રાફિક/ઈન્ટેલિજન્સ/ઓફિસ વર્ક; એમ દરેક ક્ષેત્રમાં ફરજ પ્રત્યે પ્રતિબધ્ધતા અને સમર્પણ હતાં. ગુજરાતી/હિન્દી/અંગ્રેજી ઉપર ગજબનું પ્રભુત્વ હતું. તેઓ દિલ્હીની પ્રસિધ્ધ સેન્ટ સ્ટીફન કોલેજના ટોપર સ્ટુડન્ટ હોવા છતાં તેઓ ગુજરાતી કે હિન્દીમાં જ વાત કરવાનો આગ્રહ રાખતા. તેઓ 24 કેરેટ સોના જેવા વ્યક્તિ હતા.”

આ સ્મરણાંજલિ સાથે સંપૂર્ણપણે સહમત. સવાલ એ છે કે આવા શ્રેષ્ઠ અધિકારીને કોઈ રેન્જમાં/પોલીસ કમિશ્નર તરીકે સરકારે કેમ મૂક્યા નહીં હોય? શું ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાનો ગુણ સરકારને ગમતો નહીં હોય? લાંબા સમય સુધી તેમને હથિયારી એકમોમાં કેમ રાખી મૂક્યા હશે? તીર્થરાજની એક ખામી એ હતી કે સીનિયર અધિકારીને/સરકારને જે સાચું લાગે તે કહેતા હતા ! આતંકવાદી હુમલા બાદ DGPએ પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક રાખી હતી. બધાં પોલીસ અધિકારીઓ આતંકવાદનો સામનો કરવા આધુનિક લોજિસ્ટિક મેળવવા માટે ‘સિનેમાસ્કોપ સાઇઝ’માં સજેશન આપતા હતા; ત્યારે તીર્થરાજે કહેલ કે “ આ આધુનિક શસ્ત્રસરંજામ આવી જાય પણ તેનો ઉપયોગ કરનાર મેનપાવર અંગે આપણે કેમ વિચાર કરતા નથી? કોન્સ્ટેબલને તો ફિક્સ પગાર ચૂકવીએ છીએ ! તેમને મોટિવેટ કઈ રીતે કરીશું?” મીટિંગમાં સૌ સ્તબ્ધ બની ગયા હતા. તીર્થરાજ માનવવાદી હતા.

આ પણ વાંચો : આમીર ખાન અને કિરણ રાવનો સંબંધ તૂટ્યો, લગ્નના 15 વર્ષ પછી છુટાછેડા

મેં ક્યારેય સીધી રીતે તીર્થરાજના તાબામાં કામ કર્યું ન હતું. તેઓ જ્યારે જેલ IGP હતા ત્યારે ‘ઓલ ઈન્ડિયા પ્રિજન મીટ’ની કમિટીમાં મારો સમાવેશ થવાથી તેમની સાથે વધુ પરિચય થયેલ. સુરત જ્યારે પૂરમાં ડૂબ્યું હતું ત્યારે પોલીસ લાઈનમાં ફસાયેલા પોલીસ પરિવારોની મદદ માટે રાહત સામગ્રી સાથે તેઓ આવ્યા હતા; તે સમયે હું કામરેજ ચોકડી પાસેના SRPF ગૃપ-11 માં સેનાપતિ હતો. કામ પ્રત્યેની તેમની નિષ્ઠા જોઈને હું તેમનો પ્રસંશક બની ગયો હતો. હું રેલ્વેમાં IG તરીકે હતો. મારા ઉપરી અધિકારી ADGP CID Crime પી.પી. પાંડે હતા. તેમણે મને એક અંગત કામ સોંપેલ તે મેં કર્યું નહતું. તેમણે રીપોર્ટિંગ અધિકારી તરીકે મારા ACRમાં 10માંથી 5 ગ્રેડ આપ્યા. તે વખતે તેઓ ફેઈક એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલમાં હતા. ઓછા ગ્રેડની વાત મેં તીર્થરાજને કરી કે “સાહેબ, જે અધિકારી જેલમાં છે તે મારા ACRમાં ખોટું મૂલ્યાંકન કરે છે ! આ અધિકારીને મારી કામગીરી જોઈને જ બીજા બે વિભાગનો મને વધારાનો હવાલો પણ સોંપ્યો હતો !” તીર્થરાજે મારી વાત શાંતિથી સાંભળી પછી મને કહ્યું : “કોઈ વાંધો નહી, ગ્રેડ સુધરી જશે !” બે દિવસ બાદ મને બોલાવ્યો. મને ડ્રાફ્ટ વાંચવા આપ્યો. અંગ્રેજીમાં જાતે મોતીના દાણા જેવા અક્ષરોમાં ગૃહ સચિવને ઉદ્દેશીને રજૂઆત કરી હતી. પરિણામ મળ્યું : 5 માંથી 8 ગ્રેડ થઈ ગયા ! આ તાકાત હતી તીર્થરાજ સાહેબની. હા, આપણને બીજા તીર્થરાજ નહીં મળે !rs

One thought on “આપણને બીજા તીર્થરાજ નહીં મળે ! – રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર

Leave a Reply

%d bloggers like this: