કોરોના કરતા પણ વઘુ ભયજનક છે “આર્થિક”કટોકટી :- જિજ્ઞેશ કાલાવડિયા

જિજ્ઞેશ કાલાવડિયા :- છેલ્લા થોડા સમયથી તમે અખબારના અહેવાલો પર નજર કરશો તો એક ચોંકાવનારી વાત સામે આવશે કે લોકો આર્થિક બેહાલીને કારણે આત્મહત્યા, સામૂહિક આત્મહત્યા કે ગુનાખોરી તરફ અનાયાસે ઘસડાઈ રહ્યાં છે. રાજકોટમાં ઇમીટેશન નું કામ કરતા પતિ- પત્ની એ ધંધો બંધ થઈ જતા મોટર સાઇકલમાં દારૂની ખેપ શરૂ કરી હતી અને ટૂંક સમયમાં પોલીસનાં હાથે ઝડપાઈ ગયા. આવા તો અનેક કિસ્સાઓ આપણી આસપાસ બની રહ્યા છે. સુરતમાં ઘરમાં ખાવાનાં પૈસા ન હોવાથી પત્નીએ ફરિયાદ કરતાં પતિએ તેની હત્યા કરી નાખી ! આ કેવી સમાજની કરુણતા કહેવાય. છેક નોટબંધી થી શરૂ કરીને હાલનાં તાળાબંધી સુધીના સમયગાળામાં મોટાભાગના મધ્યમ વર્ગ ની બચત ધોવાઈ ગઈ છે. ગરીબ વર્ગ પાસે તો બચત જેવું કશું જ હોતું નથી. લોકો હાલમાં ઉછીના ઉધાર કરીને ગાડું ગબડાવી રહ્યા છે. સોનું ગીરવે મૂકીને લોન લઈ રહ્યા છે. તમે ફાઇનાન્સ કંપનીઓ નાં ડેટા નો અભ્યાસ કરશો તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. ધિરાણ મંડળીઓ નો બિઝનેસ અત્યારે પૂરપાટ ચાલે છે કારણ એકમાત્ર આર્થિક કટોકટી. આ આર્થિક કટોકટી એવી બાબત છે જેના કારણે આગળનાં સમયમાં તમે સેંકડો વર્ષોથી ટકાવેલી તમારી સમાજવ્યવસ્થા આપોઆપ ખતમ થઇ જશે.

આ પણ વાંચો – કેન્દ્રનો નિર્ણય : 18થી 44 વર્ષના લોકો માટે વેક્સીન લેવા માટે હવે રજીસ્ટ્રેશનની જરૂર નથી

મહિનેદસ – વીસ હજાર કમાનારા બહુ મોટો વર્ગ હાલ કોરોના બાદ મુંઝાયેલ છે પરંતુ કોની પાસે જઈને ફરિયાદ કરે. મોટા શહેરોમાં ઘર ચલાવવાની મજબૂરીમાં સ્ત્રીઓ શરીર વેચવા તૈયાર થઈ ગઈ હોવાનાં કિસ્સા ધ્યાન પર આવી રહ્યાં છે. સમાજનો મોટો વર્ગ હાલ દુઃખી છે. દુઃખના માર્યા લોકો જ્યોતિષીઓ અને તાંત્રિકો ની મદદ લઈ રહ્યા છે કે ક્યારે અમારો ભાગ્યોદય થાય ?? પરંતુ કમનસીબી એ છે કે તેઓને એ ખબર જ નથી કે સરકારનાં ખોટા અને અવિચારી નિર્ણયો ને કારણે આ આર્થિક તકલીફો આવી છે. મારી પાસે રાજકોટ નાં માધાપર ચોકડી પાસે રહેતા ઝૂપડપટ્ટી ધારકો બે દિવસ પહેલા આવ્યા હતા કે સાહેબ, ખાવાનું નથી, છોકરા રડે છે શું કરવું ?? મેં બોલબાલા વાળા મારા મિત્ર જયેશભાઈ ને ફોન કરી મદદ માટે કહ્યું તો તેમણે બે દિવસ જમાડવાની તૈયારી દર્શાવી.. પણ બે દિવસ બાદ શું કરવાનું ? ધંધા રોજગાર બંધ છે. તે ગાડરિયા સમુદાયના લોકો હતાં જે ગામડાઓમાં જઈને તેમનો માલ વેચી ગુજરાન ચલાવે છે, છેલ્લા ઘણા સમયથી તેઓ ગામડામાં કોરોના ને કારણે જઈ શકતા ન હોય હવે ખાવા નાં સાંસા પડી ગયા છે. સમાજ કલ્યાણ વિભાગ આવી બાબતોમાં હાથ ઊંચા કરી દે છે. સમાજ સેવી સંસ્થાઓ પણ ક્યાં સુધી નિભાવ કરી શકે ?? સમગ્રતયા લોકો હાલ મહા મુશ્કેલી માં છે તે હકિકત તરફ કોઈનું ધ્યાન નથી.. હજારો કરોડ ની ગુલબાંગો વચ્ચે પચાસ- સો રૂપિયાના ફાંફાં છે. લાખો કરોડનાં પેકેજો ક્યાં હજમ થઈ ગયા કોઈને ખબર નથી. આ સમસ્યાનો ઉપાય શું ? જે લોકો વાસ્તવિક મુદ્દાઓ અને લોકોને પડતી તકલીફો પર વાત કરવાનો પ્રયાસ કરે છે તેને દેશ દ્રોહી જાહેર કરી દેવામાં આવે છે. દરેક સમસ્યાનો ઉપાય મીડિયા માં જાહેરાતો અને ફોટો શોપ ની તસવીરો થી કરવાની પ્રણાલી સ્થાપિત થઈ ગઈ હોય ત્યાં આવું અરણ્ય રુદન કોનાં કાને અથડાય ! પરંતુ એક વાત નક્કી છે કે સમસ્યાઓ પર કાયમ માટે ઢાકો ઢુંબો કરી શકાતો નથી. જ્યારે ભૂખ્યા જનો નો જઠરાગ્નિ જાગશે ત્યારે ભસ્મ કણી ન લાધશે !!!

જિજ્ઞેશ કાલાવડિયા

Leave a Reply

%d bloggers like this: