મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (એક નિબંધ) – બાબુ સુથાર

બાબુ સુથાર : મારા પ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છે. કેમ કે આ નિબંધનો વિષય જ એવો છે. એમાં એમણે એમ નથી કહ્યું કે તમારા પ્રિય વડાપ્રધાન કોણ છે એ વિશે નિબંધ લખો.

મને મારા પ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ ગમે છે. કેમ કે એમને પણ મારે છે એમ બે હાથ છે અને બે પગ છે. હું બે હાથ વડે ખાવાનું કામ કરતો હોઉં છું અને બે પગ વડે ચાલવાનું કામ પણ કરતો હોઉં છું. જો કે, હું બે હાથ વડે બીજું ઘણું કામ કરતો હોઉં છું પણ એ બધાં કામ વિશે અહીં લખી શકાય એમ નથી. કેમ કે મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે. મારા પગનો હું કૂદવા માટે પણ ઉપયોગ કરતો હોઉં છું. એ ઉપરાંત પગના પણ વિવિધ ઉપયોગો છે પણ મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેનદ્રભાઈ મોદી હોવાથી હું પગના વિવિધ પ્રયોગો વિશે લખતો નથી.

મને શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે બહુ બહુ બહુ જ ગમે છે. કેમ કે આ પહેલાં કદી કોઈ વડાપ્રધાનના શાસને કોઈ વિદ્યાર્થીને હું જ તમારો પ્રિય વડાપ્રધાન છું એથી તમે મારા વિશે લખો એમ કહ્યું નથી. મેં મારા બાપાને પૂછ્યું તો એ કહે કે ના, કોંગ્રેસના જમાનામાં અમને બહુ દુ:ખ હતું. એ લોકો અમને ‘મારા ગમતા વડાપ્રધાન’ પર નિબંધ લખવાનું કહેતા અને અમારે સારો અને પ્રિય વડાપ્રધાન કોણ છે એ નક્કી કરવામાં જ દસ દિવસ જતા રહેતા હતા. હવે નરેન્દ્રભાઈના રાજ્યમાં વિદ્યાર્થીઓએ એવો સમય બગાડવો પડતો નથી. હવે વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે તમારા પ્રિય વડાપ્રધાન નરેનન્દ્રભાઈ મોદી છે અને તમારે એ વિષય પર નિબંધ લખવાનો છે.

મને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખૂબ ગમે છે. કેમ કે એમનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. અને બીજું એ મારા દેશના વડાપ્રધાન છે. અને મારા દેશનંુ નામ ભારત છે જે દરેક બાબતોમાં વિશ્વગુરુ છે. મેં ગૂગલબાપાને બહુ પૂછ્યું કે બાપા, બીજા કયા દેશોમાં આવા નિબંધો લખવાનું કામ એમની સરકાર સોંપતી હોય છે એ વિશે જણાવો. ગૂગલ બાપા કહે છે કે આ બાબતમાં તમે એકલા નસીબદાર છો.

મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. મને એ ખૂબ પ્રિય છે. કેમ કે એ ગુજરાતી છે અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. અત્યારે દિલ્હીમાં પણ ગુજરાત છે અને બીજી ઘણી બધી ચેનલો પર પણ ગુજરાત છે. એમ તો ગાંધીજી પણ ગુજરાતી છે. પણ, એ મને નથી ગમતા. કેમ કે એક માણસને એક કરતાં વધારે માણસો ગમે તો એ બહુ સારું ન કહેવાય.

મારા પ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. આગળ શ્રી લખવાનું રહી ગયું છે તો અહીં લખી નાખું છું: શ્રી. કેમ કે એ ભાતભાતનાં કપડાં પહેરે છે. મારા પિતાશ્રી મને કહેતા હતા કે એક જમાનામાં એવા ખાસ પ્રકારના લોકો આવતા. એ રોજેરોજ નવો નવો વેશ કાઢતા. લાગે છે કે મારા જમાનામાં હવે એવા માણસો બહુ નથી. પણ, મને એવાં કપડાં બદલવા મળતાં નથી એથી બહુ દુ:ખ થાય છે. પણ, જ્યારે હું વડાપ્રધાન બનીશ ત્યારે ચોઘડિયું બદલાય એમ કપડાં બદલવાનો છું. મેં નક્કી કર્યું છે.

મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. કેમ કે સરકારે મને એવું કહ્યું છે. જો હું એમની જગ્યાએ બીજા કોઈનું નામ લખું તો મારા માર્કસ કપાઈ જાય. અમે ગુજરાતીઓ ખોટનો ધંધો કરતા નથી. મારા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે કેમ કે એ એકલા જ નરેન્દ્રભાઈ મોદી છે. એવા કોઈ મોદી બીજે ક્યાંય થયા નથી. થશે નહીં અને હતા પણ નહીં.

મારા વર્ગશિક્ષકે મને કહ્યું કે નરેન્દ્રભાઈ જ્યારે કિશોર વયના હતા ત્યારે એ એક રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. મેં પણ નક્કી કર્યું છે કે હું પણ ચા વેચીશ. કદાચ હું પણ વડાપ્રધાન થઈ જાઉં. જો થઈશ તો દર ચોઘડિયે કપડાં બદલીશ. મારા વર્ગશિક્ષકે એમ પણ કહ્યું છે કે અત્યારના નરેન્દ્રભાઈ બાળ નરેન્દ્ર હતા ત્યારે એ મગર સાથે બાથે પડેલા. કમનસીબે ત્યારે હું ત્યાં ન હતો. જો હો તો મેં મગરના બચ્ચાને બચાવવાનો પ્રયાસ કર્યો હોત. પણ, મને એક વાતનું બહુ દુ:ખ થાય છે કે મારા ગામમાં ક્યાંય તળાવ નથી. પણ આશા રાખું કે સરકાર વધારે ને વધારે નરેદ્રભાઈઓ પકવવા દરેક ગામમાં એક એક તળાવ ખોદાવશે અને દરેક તળાવમાં એક એક મગર તરતા મૂકશે.

હું ખરેખર એ સરકારી માણસોનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે મને ગમતા વડાપ્રધાનનું નામ અગાઉથી કહી દીધું. હવે મારે એ કામ કરવાનું ન રહ્યું. એને કારણે જે સમય બચશે એ સમયમાં હું ગામની ભાગોળે કબડ્ઢી રમવામાં ગાળીશ.

જો કે, અન્તે, મારે એટલું જ લખવાનું કે ભારત સરકાર કે ગુજરાત સરકારના વહીવટીતંત્રએ કહ્યું એટલે મારે આ નિબંધ લખવો પડ્યો છે. હું પાપમાં પડ્યો હોઉં તો સરસ્વતી મને માફ કરજે. મારી નિશાળની દિવાલ પર ‘સત્યમેવ જયતે’ લખેલું છે. મને આ લખતી વખતે ત્યાં અસત્યમેવ જયતે વંચાયેલું. મારે મારી આંખોની તપાસ કરાવવી પડશે.

જય હિંદ
અને જય ભારત

(લેખક : બાબુ સુથાર) 

( લેખકની Facebook વોલ પરથી ઉઠાંતરી કરેલ )

Babu suthar

Leave a Reply

%d bloggers like this: