સારા શિક્ષણના આધારે જ સારી કારકિર્દીનો પાયો બને છે – બકુલા સોલંકી

બકુલા સોલંકી : શિક્ષણ એ આપણા જીવનનો મૂળ અધિકાર છે, દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે તેનો મૂળભૂત અધિકાર અને જરૂરિયાત પણ છે સારા શિક્ષણના આધારે જ સારી કારકિર્દીનો પાયો બને છે.

શિક્ષણ શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું, ખોટી માન્યતાઓ, ડરપોકપણુ અને મનની અસ્થિરતમાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું..

શું આજનું શિક્ષણ આપણને આ બધું આપે છે ? અશિક્ષિત લોકો પાંજરામાં પુરાયેલા હતા. સમયાંતરે વિદ્વાન લોકોએ પાંજરૂ ખોલ્યું અને લોકો શિક્ષણ તરફ દોડ્યા, પણ યોગ્ય દિશા કઈ છે એ જાણ્યા વગર જ લોકો મન ફાવે તે દિશામાં દોડી ગયા પરિણામે શિક્ષણની જે ખરી અસરો સમાજ પર થવી જોઈએ એ થઈ નહીં. અને સમાજ સામે અત્યારે શિક્ષિત લોકોના પ્રશ્નો આવીને ઊભા રહ્યા છે જે અશિક્ષિત લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ કરતા પણ વધારે ભયંકર છે. આજની શિક્ષણ વ્યવસ્થા સામે ઘણાં પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા આધુનિક યુગ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે, પરંતુ વિદ્યાર્થી પક્ષે આ શિક્ષણ વ્યવસ્થા ફાયદાકારક પણ અને ગેરમાર્ગે પણ દોરી રહી છે. જેમાં વિદ્યાર્થીને સતત પરિશ્રમ કરવો પડે છે. પ્રાચીન સમયમાં મળતું શિક્ષણ અને આજના શિક્ષણમાં ઘણાં ફેરફાર થયા છે. સતત અભ્યાસ બાળકને મુશ્કેલીમાં મુકી રહ્યો છે. શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. છતાં વિદ્યાર્થીઓ તે વ્યવસ્થાથી સંતોષ મેળવી રહ્યા નથી. માત્ર અભ્યાસ કરવા ખાતર અભ્યાસ કરી રહ્યા હોય તેવી આ શિક્ષણ વ્યવસ્થા છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ અટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થી જીવનમાં તે પોતાના સ્વ વિકાસ સાધી શકે છે. જ્યારે આ શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થી સ્વ વિકાસ ભૂલી જઈને માત્ર તે અભ્યાસ કરે છે. તેમાં પણ પૂરતો અભ્યાસ નહીં થતો. આજના યુગનો વિદ્યાર્થી માત્ર અભ્યાસ કરે છે. તેને પોતાના ક્ષેત્રમાં સ્વ વિકાસ કરવા માટે પૂરતો સમય નથી. સેમેસ્ટર પદ્ધતિ એ શિક્ષણને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે તેનો અમલ થયો છે. પરંતુ વિદ્યાર્થી પક્ષે આ પદ્ધતિ એક દુઃખદ સાબીત થઈ રહી છે. આજે અખબારમાં વિદ્યાર્થીઓના અવારનવાર મૃત્યુના લેખો પ્રગટ થતા હોય છે. તો તે વિદ્યાર્થીઓ કદાચ આ વ્યવસ્થાથી પણ કંટાળી ગયા હોય અને શાળા કે વાલીઓ તરફથી આપવામાં આવતો વધુ પડતો ભાર, વાલીઓની અપેક્ષા વધુ હોય છે કે પોતાનું બાળક શાળામાં પ્રથમ ક્રમાંકે આવે. શાળામાંથી શિક્ષકો દ્વારા આપવામાં આવતું ભારણ આથી બાળક મુંઝાય જાય છે કે પોતે શું કરે ? સવારે 6 વાગ્યાથી બાળક જાગીને 7 વાગે શાળાએ જાય અને 12 વાગ્યે શાળાએથી છૂટીને તે ઘરે જાય અને જમીને 2 વાગ્યે ટ્યૂશન તરફની વાટ પકડે છે..

2 થી 3 કલાકના ટ્યૂશનમાં પોતાનો સમય વિતાવે છે. પછી ઘરે આવે છે, અને શાળા અને ટ્યુશનનું ગૃહકાર્ય કરતો હોય છે. તો તેની પાસે રમવાનો સમય કેટલો ? આનંદપ્રમોદ કરવાનો સમય કેટલો ? વાલીઓની ફરિયાદ હોય છે કે પોતાનું બાળક ઘરે અભ્યાસ કરતા નથી. પણ તેને કોઈ દિવસ એમ કહ્યું કે જા બેટા રમવા જા, તારી ઈચ્છા પુરી કરી, ક્યારેક કોઈ વાલીએ કહ્યું હશે ખરું ? હા, કેટલાક સમજદાર વાલીઓએ જરૂર કહ્યું હશે, કારણ કે તેના બાળકનો ઉછેર કેવી રીતે કરવું છે તે સારી રીતે જાણે છે. પણ કેટલાક વાલીઓ બાળકને પહલેથી જ ધાક જમાવતા હોય છે. અને તેની ઉપર વધુ પડતી અપેક્ષાઓ, વધુ પડતો ભાર મૂકવામાં આવતો હોય છે. આથી બાળકની ઈચ્છોઓ અધૂરી રહી જતી હોય છે. આજે સ્વનિર્ભર શાળા હોય કે સરકારી શાળા હોય તેમાં શિક્ષણ આપવાનું જ કાર્ય થાય છે… તેની સાથે બાળકનો વિકાસ સાધવાનો છે.. વિદ્યાર્થીનો વિકાસ એજ શિક્ષણ વ્યવસ્થાનો હેતુ છે. છતાં વિદ્યાર્થીને માત્રને માત્ર શિક્ષણમાં જ ધ્યાન આપવાનું તેના મગજ પર ઠોકી બેસાડવામાં આવે છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓને સામેલ કરવાથી બાળક તે પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે. જેથી તે પરીક્ષાના સમયે પોતે તૈયારી કરતો જોવા મળે છે યા તો રમતના સમયે તે રમતની તૈયારી કરતો જોવા મળે છે. સ્વનિર્ભર શાળાઓએ પોતે સ્પર્ધામાં આવવું છે. શાળાના સંચાલકોએ વધુ કમાવવાની લાલચમાં વિદ્યાર્થીઓને ઘેટાં-બકરાની જેમ શાળાના વર્ગખંડમાં ભરી દેશે. પછી ત્યા રહેલા શિક્ષકો પર દબાણ આપશે દરેક વિદ્યાર્થીઓના 100 ટકા રિઝલ્ટ આવવું જોઈએ. પરંતુ માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા વધારીને શાળાનું નામ રોશન નહીં થાય. શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થીઓને દરેક પ્રવૃત્તિની સાથે શિક્ષણ આપવું એ પ્રથમ ઉદ્દેશ્ય હોવું જોઈએ. વાસ્તવિકતા એ છે કે ખાનગીકરણે આજે શિક્ષણને ઉથલાવી મૂક્યું છે. જો સરકાર ધારે તો જાપાનની જેમ દરેક શાળામાં શિક્ષણ આપી શકે છે…
ખાસ તો અવાર નવાર વિદ્યાર્થીઓના ફાંસો ખાઈને મૃત્યુ પામવું, ઝેરી દવા પીને, કેરોસીન છાંટીને સળગીને મૃત્યુ પામવું એવા અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થતા હોય છે. ફક્તશિક્ષકના જ નહીં પણ માતા પિતા ના અત્યાચાર સહન ન કરી શકનારા વિદ્યાર્થીઓનું મૃત્યુ એ દુઃખદ કારણ બની ગયું છે. તેથી આ શિક્ષણ વ્યવસ્થા વિશે ખૂબ જ મોટા પહાડ જેવા પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. આ શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે જીવલેણ બની ગઈ છે. એવું હું કહી શકું છું.

આ પણ વાંચો : સુપરસ્ટાર રજનીકાંતે ખતમ કરી પોતાની પાર્ટી, રાજનીતિમાં નહીં આવે પાછા

વિશ્વ બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ બદલાઈ ચૂક્યું છે. દુનિયામાં શીખવવાની જ્ગ્યાએ શીખવા દેવાની પદ્ધતિ આવી ગઈ છે. આપણા સમાજમાં આજે પણ મોબાઈલ કે ઇન્ટરનેટ પોર્નોગ્રાફી કે સોશિયલ મીડિયા પૂરતું સીમિત છે. શોધોના ઉપયોગ કરતાં દુરુપયોગ અને ફાયદા કરતાં ગેરફાયદા ઝડપથી ફેલાય છે અને આપણે ત્યાં એ વધુ તીવ્રતાથી અસરમાં આવે છે. ઇન્ટરનેટથી શિક્ષણ ની વાત તો દૂર રહી, ઈન્ટરનેટનો સકારત્મક ઉપયોગ કરવો અને બાળકોને તે તરફ વાળવાને બદલે તેમને ઇન્ટરનેટથી દૂર રાખવાના પણ ઘણા વાલીઓ પ્રયત્ન કરે છે. શાળાઓ મોબાઇલને પ્રતિબંધિત કરે છે. દરેકે વ્યવસ્થા જાળવવી જરૂરી છે, પણ વ્યવસ્થાની સાથે નવીન અને સકારાત્મક બદલાવને પણ પ્રોત્સાહિત કરવો પડશે.

આજના વિશ્વમાં online શિક્ષણ અથવા કહો કે ઇન્ટરનેટથી શિક્ષણ ખૂબ વ્યાપક છે. આપણે પણ તેને અપનાવવું પડશે. બાળકની રુચિ મુજબ, અનુકૂળતા મુજબ અને ઉત્તમ શિક્ષણ ઈંટરનેટથી આપી શકાય તેમ છે. સરકાર કે સમાજ અથવા પછી વ્યક્તિગત જે રીતે શક્ય હોય તે રીતે ઇન્ટરનેટથી શિક્ષણનો ફેલાવો કરવાનો સમય છે. અપાર સાહિત્ય અને નવીન ટેક્નોલોજીથી શિક્ષણ માત્ર ઇન્ટરનેટથી જ શક્ય છે. રાત્રે બે વાગ્યે કોઈ પ્રકરણ મુજબનું નિષ્ણાતનું લેકચર માત્ર ઇન્ટરનેટથી જ પીરસી શકાય. વહેલી પરોઢે બાળક અભ્યાસ કરવા બેસે અને તેને કોઈ પ્રશ્ન થાય તો ઇન્ટરનેટથી જ જવાબ શોધી શકાય. કોઈ સંસ્થા કે સરકાર ગમે ત્યાં અને ગમે તે વિષય ના શીખવી શકે પણ ઇન્ટરનેટ શીખવી શકે. વિદ્યાર્થીઓને દરિયામાથી મોતી શોધતા કરવા હોય તો નવી ટેકનૉલોજિ સાથે તેમણે જોડવા પડે. જ્ઞાન સાગરમાથી તેમની જરૂરનું શોધતા તેમને શીખવીશું તો બાકીની કમીઓ તે જાતે પૂરી લેશે.

ઇન્ટરનેટ ભારત જેવા વિશાળ દેશના શિક્ષણ માટે તો આશીર્વાદ બની શકે તેમ છે. વધુ શાળા મહાશાળાઓ ખોલવા કરતાં વધુ લોકોને નિષ્ણાતો સાથે ઈંટરનેટથી જોડવા સરળ છે. નિષ્ણાતો એક વખત લેકચર આપે તે અનેક વિદ્યાર્થી પોતાના સમયે અને સ્થળે જોઈ કે શીખી શકે તેમ કરવું સરળ છે. શહેરી અને ગ્રામીણ ભારતનો ભેદ મિટાવવો ઇન્ટરનેટથી આસન છે. પ્રશ્નોત્તર, online ટેસ્ટ વગેરે બાળકને જાતે તૈયારી કરતાં કરે છે. સરકાર તો UPSCની online પરિક્ષાની તૈયારી કરી રહી છે, પણ ભણતર ઓનલાઇન બને તે દિશામાં આપણે ધીમા છીએ.

ધોરણ 10 કે ધોરણ 12 એટલે બોર્ડ પરિક્ષાના વર્ષો હોય છે. અત્યંત તીવ્ર સ્પર્ધાના જમાનામાં બાળકો જાણે ચાર દીવાલો વચ્ચે કેદ થઈ જાય છે. શીખવા કરતાં ગોખવાના સ્પર્ધા વધી ગઈ છે. શું ભાષા કે શું વિજ્ઞાન, ગણિત હોય કે સામાજિક વિજ્ઞાન બધે ગોખણપટ્ટી અને અંતે, 70 કે 80% પરિણામ પણ ઠીક મારા ભાઈ ગણાય. સારા કે ગમતા અભ્યાસક્રમમાં તો 90% ય ઓછા પડે છે. આ સ્થિતિમાં સુધારો લાવવા જરૂર છે ઇન્ટરનેટથી શિક્ષણ ની. સરકાર પણ પોતાની રીતે પ્રયત્ન કરે છે, છતાં, બદલાતા સમય મુજબ જડ તંત્રના ફેરફારો ધીમા પડે છે અને શિથિલ અમલીકરણ વધારાની મુશ્કેલીઓ ઊભી કરે છે. સાચો અને સકારાત્મક બદલાવ લાવવા તો જાગૃત નાગરિકો અને સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ એ કમર કસવી પડશે. નવીન ટેકનૉલોજિ અને બદલાતા વિશ્વ સાથે કદમ મિલાવવા સમગ્ર સમાજે એક થવું પડશે….

લેખ : બકુલા સોલંકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *