મધ્યપ્રદેશના યુવકને રસ્તા પરથી દવાખાન અને પછી ઘર સુધી પહોંચાડી માનવસેવાનું ઉદાહરણ પુરું પાડ્યું

Dr. Sonal Rachani ( Shakti Foundation ) – થોડાં લોકોની હિંમત, દાનત અને ધીરજ કેવો ચમત્કાર સર્જી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હાલ મને જોવા મળ્યું અને આનંદ તો એ વાતનો છે કે એ બધા જ મારા મિત્રો છે જેમણે આ ચમત્કાર કર્યો છે.

૩જી એપ્રિલના રોજ પ્રાઈમ આર્કેડ, અડાજણ થી આ યુવક જે પોતાનું નામ મુકેશ જણાવતો હતો, એ અમારા “લોક ડાઉન હેલ્પ ગ્રુપ”ના ખ્યાતીબેન ને મળ્યો. એમણે ગ્રુપમાં એના વિશે લખ્યું. તાબડતોડ હિમાંશુ જેઠવા, રક્ષા બારૈયા, મોહિત છાબડા એ જગ્યા એ પહોંચ્યા અને એમણે જોયું કે ૧૮-૨૦ વર્ષનો આ મુકેશ નામનો છોકરો જેને ખરાબ રીતે માર મારવા માં આવ્યો હતો, બોલી શકવાની કે ઊભા રહેવાની હાલતમાં પણ ન હતો, ઘણા દિવસોથી ભૂખ્યો તરસ્યો હતો એને આ ત્રણેય જણા સિવિલમાં લઈ ગયા. પ્રથમ નજરે ભિખારી લાગતા આ છોકરાનો પરિવાર હશે જ એવી માન્યતા સાથે આ ત્રિપુટી સિવિલ થી સ્મીમેરના ધક્કા ખાતી રહી. કારણ કે આ છોકરો ભાગી જાય કે કાઢી મુકાય તો ફરી કયાં શોધવા જવું? એટલે રાત્રે ૨ વાગે પણ એની ખબર કાઢવા જતાં. એના કોરોના પોઝિટિવ હોવાનું જણાતા એની કોરોનાની સારવાર ચાલુ કરાવી. એક તરફ એની સારવાર ચાલુ કરાવી અને બીજી તરફ એના પરિવારની શોધ ખોળ કરવા માંડી. આ છોકરા સાથે વાત કરતા રક્ષાને તેના MP ના હોવા વિશે જાણકારી મળી. એના ગામ, પરિવાર જનો અને પોતે કુશવાહા હોવાની જાણકારી મળતાં MP ના એક પત્રકાર મિત્ર ને એની પ્રાથમિક જાણકારી મોકલી. એ પત્રકાર મિત્ર એ કુશવાહા પરિવારોના ગ્રુપમાં આ છોકરાની માહિતી વહેતી મૂકી. અને આજે એના પરિવારનો મેળાપ થઈ ગયો! આ છોકરાનું નામ રામલાલ કુશવાહા છે અને તે મધ્યપ્રદેશના સીધી ખૂર્દનો રહેવાસી છે. અત્યંત ખરાબ હાલતમાં મળેલા આ છોકરાની હાલત હાલ સુધારા પર છે અને ટૂંક સમયમાં જ એનો પરિવાર સાથે મેળાપ થઇ જશે.

આ વાત અહીં શેર કરવાનો હેતુ મારા મિત્રોને બિરદાવવાનો તો ખરો જ પણ સાથે સાથે જો એમણે આ જહેમત ન ઉઠાવી હોત તો કદાચ કોઈનો લાડકવાયો સુરતના રસ્તાઓ પર ભીખ માંગીને જીવન પૂરું કરી નાખત!

(PS. આ મારા દેશના સામાન્ય નાગરિક છે. પણ એમની ઈચ્છાશક્તિ અસામાન્ય છે એટલે તેઓ આ ચમત્કાર કરી શક્યા. આટલી જ ઈચ્છા શક્તિ મારા દેશના શાસકો, પોલીસ પ્રશાસન અને ન્યાય પ્રણાલિકા ને પણ મળે એવી પ્રાર્થના.)

Leave a Reply

%d bloggers like this: