ગુજરાતના આ IAS અધિકારીએ ટ્વિટર પર ફેક વીડિયો મૂકયો. અંતે અફસોસ વ્યક્ત કર્યો

ગુજરાતના વન-પર્યાવરણ વિભાગના અને SSNL ના MD ડો.રાજીવ કુમાર ગુપ્તાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર “તૌકતે” વાવાઝોડા બાદ ગીરમાં સિંહો કેટલા સલામત છે એ બાબત દર્શાવતો વિડીયો શેર કર્યો હતો. એ વિડીયો ખરેખર આફ્રિકાનો હોવાનું સામે આવતા વિડીયો મૂકી ડો.રાજીવ ગુપ્તા પોતે ફસાયા હતા. અને વન્ય પ્રેમીઓએ ડો.રાજીવ ગુપ્તાની ટીકા કરતા જણાવ્યું હતું કે IAS અધિકારી આટલા બેજવાબદાર કેવી હોઈ શકે.આવા અધિકારીઓ સરકાર અને મંત્રીઓને આવી રીતે જ ગેરમાર્ગે દોરતા હોય છે. ગુજરાતના IAS અધિકારી ડો.રાજીવ કુમાર ગુપ્તાએ પોતાના ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો હતો એ બાદ વિવાદ પેદા થયો હતો.જો કે એ વિડીયો અંતે ફેક સાબિત થતા ડો.રાજીવ ગુપ્તાએ પોતાના ટ્વિટર પરથી વિડીયો ડીલીટ કરી દીધો હતો અને અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.

Dr. Rajiv gupta

IAS રાજીવ કુમાર ગુપ્તાએ અંતે એ વિડીયો ડીલીટ કરતા એમ જણાવ્યું હતું કે ગિર લેન્ડસ્કેપમાં સિંહ સલામતીના નિવેદનની સાથે એક ખોટી વિડિઓ પોસ્ટ કરવામાં આવી હોવાનો મને અફસોસ છે.PCCF (વાઇલ્ડ લાઇફ) શ્યામલ ટીકાદરે મને એ વિડીયો મોકલ્યો હતો.એ બદલ એમણે માફી પણ માંગી છે. બીજી બાજુ PCCF (વાઇલ્ડ લાઇફ) શ્યામલ ટીકાદરે માફી માંગતા જણાવ્યું કે ડો.રાજીવ ગુપ્તાને એ વિડીયો કલીપ મારા દ્વારા જ મોકલાઈ હતી.અને મને એ વિડીયો એક પ્રખ્યાત પ્રાણી પ્રેમીએ મોકલી હતી, એ પ્રાણી પ્રેમી સિંહ રક્ષાના કાર્યમાં ઘણા વર્ષોથી જોડાયેલા હતા અને ઘણી નામના મેળવી છે.આ વીડિયો ડો.રાજીવ ગુપ્તાને મોકલાવા બદલ હું માફી માંગુ છું. ગુજરાત ફોરેસ્ટ વિભાગ તરફથી હું ખાતરી આપું છું કે તૌકતે વાવાઝોડા પછી ગીરના સિંહો સૂરક્ષીત હાલતમાં છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વન અને પર્યાવરણ વિભાગના વડા પોતે જ કોઈ ખાતરી કર્યા વગર ફેક વિડીયો શેર કરે તો ખરેખર ગંભીર બાબત કહેવાય. ડો.રાજીવ કુમાર ગુપ્તા ઘણી વાર સરદાર સરોવર નર્મદા ડેમ અને વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિવિધ બાબતો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *