ડોક્ટર પાર્થ પટેલે ઓક્સિજન માંગ્યો તો દસાડાથી ૩૦૦ કિમી દુર દાહોદ મૂકી દીધા!

રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS ઓફીસર ) – સરકાર એટલે તાકીદના કરવાના કામો ન કરે; અને ન કરવાના કામો તાકીદે કરે ! ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેરે કાળોકેર વર્તાવ્યો છે. સરકાર દર્દીઓના મોતના આંકડા છૂપાવીને પોતાની સંવેદનશીલતાનો ઢોલ પીટે છે. દર્દીઓ એમ્બ્યુલન્સમાં રાહ જોઈને કે હોસ્પિટલના પાર્કિંગમાં દમ તોડે છે. બેડ નથી/ઈન્જેક્શનો નથી/વેન્ટિલેટર નથી/ઓક્સિજન નથી. સ્મશાનોમાં લાશો અગ્નિદાહ માટે કલાકો સુધી રાહ જૂએ છે. આવા સમયે રાજ્યના આરોગ્ય કમિશ્નરે તાત્કાલિક એવું પગલું ભર્યું; જેથી ગુજરાત ગતિશીલ નહીં પરંતુ અતિ ગતિશીલ છે તેવું લોકોને લાગે !

બન્યું એવું કે ડો. પાર્થ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 કક્ષાના તબીબ અધિકારી હતા. તેમણે 26 એપ્રિલ 2021 ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટરને પત્ર લખ્યા કે “દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન સિલિન્ડરની ખાસ જરુર છે. આપના તરફથી ઓક્સિજન સિલિન્ડર ફાળવણીનું લિસ્ટ બહાર પડેલ છે; તેમાં દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નામ થથી. કોરોના મહામારીમાં ઈમરજન્સી દર્દી તથા નવજાત શિશુઓ માટે ઓક્સિજનની જરુરિયાત રહે છે. જેથી દસાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નામ ઉમેરવા વિનંતિ છે.”

બીજે દિવસે, 27 એપ્રિલ 2021 ના રોજ; ડો. પાર્થને ભરોસો હતો કે યાદીમાં દસાડા આરોગ્ય કેન્દ્રનું નામ ઉમેરાય જશે ! તેના બદલે ડો. પાર્થના હાથમાં આવ્યો ત્રણ મહિના માટે પ્રતિનિયુક્તિનો હુકમ ! રાજ્યના આરોગ્ય કમિશ્નરે તેમને દૂરના સ્થળે દાહોદ ખાતે મૂકી દીધા ! આ પ્રતિનિયુક્તિ 90 દિવસ કરતા વધુ લંબાઈ શકે ! સવાલ એ છે કે દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની માંગણી કરવી તેમાં કોઈ શિસ્તભંગ થાય છે? ડો. પાર્થનો વાંક શું? ગતિશીલ ગુજરાતની આ કઠણાઈ છે. વહિવટીતંત્ર, ડોક્ટર્સને એમનું કામ કરવા દે તો અનેક લોકોના જીવ બચી શકે !

Leave a Reply

%d bloggers like this: